ગેર પ્રવૃત્તિ:ખોફ ન હોય તેમ માધાપરથી શેખપીર સુધી કોમર્શિયલ સંકુલ અને હોટલોનું નિયમો વિરૂધ્ધ બેરોકટોક બાંધકામ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્યાંક માળ ચડાવાયા તો ક્યાંક પાણીના વહેણ પર દબાણ કરાયું - Divya Bhaskar
ક્યાંક માળ ચડાવાયા તો ક્યાંક પાણીના વહેણ પર દબાણ કરાયું
  • અમુક હોટલોએ મંજુરી માત્ર માધાપર ગ્રામપંચાયતની લઇને મરજી મુજબનું બાંધકામ કર્યું છે
  • કેટલીક હોટલોએ પાણીના વહેણ દબાવ્યા તો અનેક લાઇસન્સ વિહોણી

ભુજ-માધાપર રીંગરોડ પર ભુજ વિસ્તાર વિકાસ મંડળ (ભાડા)ની હદમાં આવતા સરવે નંબરમાં ભાડાની મંજૂરી વગર ગેરકાયદેસર થયેલા અને થઇ રહેલા બાંધકામો તંત્ર અને કેટલાક રાજકીય નેતાઓની સામેલગીરીથી બેરોકટોક થઇ ગયા છે કે, થઇ રહ્યા છે. એવી જ રીતે માધાપરથી શેખપીર સુધી અનેક કોમર્શીયલ દુકાનો અને કેટલીક અદ્યતન હોટલોનું પણ આજ રીતે બાંધકામો કરાયા હોવાની વાત સ્થાનિક કક્ષાએથી સામે આવી રહી છે.

માધાપરની પંચાયત, સંલગ્ન તંત્રના રૂડા આશીર્વાદ કે રાજકીય શેહ શરમ ?
માધાપરથી શેખપીર સુધી અંદાજિત 20 જેટલી હોટલો નવી બનાવાઇ છે, જેમાં કેટલીક હોટલોના લાઇસન્સ પણ નથી. વધુમાં માર્ગ અને મકાન વિભાગ સહિતની મંજુરી લઇ અને તેના નિયમ અનુસાર બાંધકામ થવું જોઇએ પરંતુ અમુક હોટલોએ મંજુરી માત્ર માધાપર ગ્રામપંચાયતની લઇને મરજી મુજબનું બાંધકામ કર્યું છે. કચ્છ જેવા ભૂકંપ ઝોનમાં નિયમોની ઐસીતૈસીથી કરાયેલા બાંધકામ અનેક રીતે જોખમી બનશે તેવી ભીતિ સેવાઇ રહી છે. ગેરકાયદેસર, મંજુરી વગર બાંધકામ તો ખરું જ વળી એક હોટલ તો ધોરી ધરાર પાણીના વહેણને બંધ કરી બનાવાઇ છે. અન્ય એક હોટલનું બાંધકામ ખેતીની જમીનમાં દબાણ કરી કરાયું છે. જો તેની તપાસ કરાય તો એ હોટલ બિનખેતી કરાવેલા સરવે નંબરથી બહાર હોવાનું ખુલ્લે તેમ છે પરંતુ અધિકારીઓ, પદાધિકારીઓની સાંઠગાંઠથી આવી પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી છે. આ જ હોટલ ભૂતકાળમાં રાજ્યભરમાં બહુ ગાજેલા સેક્સકાંડમાં પણ ભારે ચર્ચાસ્પદ બની હતી. હોટલ ચલાવવા તંત્ર દ્વારા લાઇસન્સ અપાય છે, જેથી તપાસ કરવાની તંત્ર, કાયદાના રક્ષકો પોલીસની પણ જવાબદારી આવે છે. ભુજ માધાપર રીંગરોડથી માંડીને શેખપીર સુધી કોમર્શીયલ બાંધકામો તેમજ હોટલોની તંત્ર દ્વારા જો નિષ્પક્ષ તપાસ હાથ ધરાય તો પર્દાફાશ થાય અને કરોડો રૂપિયાની કરચોરી પણ પકડાય તેમ છે.

લાઇસન્સ વિનાની 15 હોટલ, ઢાબાના સરવે બાદ કાર્યવાહી થશે
પોલીસ દ્વારા ભુજ-માધાપર, મિરજાપર, મુન્દ્રા રોડ, ઝુરા રોડ પર આવેલી લાઇસન્સ વિનાની 17 હોટલ, ઢાબા અંગેનો રીપોર્ટ ભુજના પ્રાંત અધિકારી મનીષ ગુરવાનીને કરાયો છે અને પ્રાંત અધિકારીએ સરવે સાથે તપાસ કરવાનો આદેશ કરતાં તે પૈકી હોટલ વાગડ અને જલારામ ટી હાઉસનું દબાણ દુર કરાયું છે. બાકી 15 હોટલ, ઢાબાની સરવે કામગીરી ચાલુમાં છે. તે હોટલ અને ઢાબા ખાનગી માલિકીમાં છે કે, સરકારી ખરાબામાં તેનો અહેવાલ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. - ભુજ મામલતદાર યુ.એ. સુમરા

નળ સર્કલ પાસે મંજૂરી વિના બે માળનું બાંધકામ
નળ સર્કલ પાસે કોમર્શીયલ દુકાનો બનાવવા માટે મંજૂરી તો પંચાયતે બેરોકટોક આપી દીધી પરંતુ એક કોમર્શીયલ બાંધકામમાં નીચેની દુકાનો બિલ્ડરે વેચી મારી છે અને એક જ માળની મંજુરી હોવા છતાં બે માળ ચઢાવી, હોટલના રૂમો પણ બનાવી નાખ્યા છે. ટૂંક સમયમાં હોટલ ચાલુ કરવા ચક્રો ગતિમાન થઇ ગયા છે. હદ તો ત્યાં થઇ ગઇ કે, 200 મીટરના પ્લોટમાં દુકાનો તો ભલે વેચી નાખી પરંતુ ચાલુ બાંધકામે એક કરોડ જેટલી રકમમાં હોટલ વેંચી પણ નાખી છે. આ વિસ્તારના જાણકાર સૂત્રોના કહેવા મુજબ વેચાયેલી હોટલને બિલ્ડર દ્વારા બીજા માળની પંચાયતમાંથી મંજુરી, કમ્પ્લીશન લઇ દેવાની ધરપત અપાઇ છે. માધાપરના સરપંચે પણ સમય જતાં આ કાર્યવાહી પૂર્ણ કરી આપવા બાહેંધરી આપી હોવાની વિગતો જાણવા મળી રહી છે. કોમર્શીયલ બાંધકામની મંજૂરી હોય તો હોટલ બનાવી શકાય નહીં અને સરવે નંબરનો હેતુફેર કરાવવો પડે, જે સત્તા ભાડા પાસે જ છે, આટલી અધુરાશો હોવા છતાં મંજૂરી-કમ્પ્લીશન અને હોટલનું લાઇસન્સ મેળવી લેવા માટે ભૂમાફિયા ફાવી જતા હોવાનું સૂત્રો જણાવે છે.

કોઇપણ ચમરબંધીને બક્ષાશે નહીં : ભુજ પ્રાંત અધિકારી
આ અંગે ભુજના પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર મનીષ ગુરવાનીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ભુજના નળ સર્કલથી માધાપર સુધીના રોડ પર થતા બાંધકામ અંગે તપાસ કરવા ભાડાને આદેશ કર્યો છે, જેનો અહેવાલ આવ્યા બાદ જો કોઇ ગેરરીતિ જણાશે તો તેમની સામે ચોક્કસ કાર્યવાહી કરાશે. વધુમાં નળ સર્કલથી શેખપીર સુધી પાણીના વહેણ ઉપર દબાણ કરી, ખેતીની જમીનમાં હેતુફેર વિના હોટલોના ગેરકાયદેસર બાંધકામ થતા હોવાના આક્ષેપ મુદ્દે ઉમેર્યું હતું કે, તપાસ કર્યા બાદ જો ખોટું થયું હોવાનું બહાર આવશે તો ગમે તેવા ચમરબંધીને બક્ષાશે નહીં.

માધાપરમાં ભાડાની હદમાં અનધિકૃત બાંધકામ અટકાવો નહીંતર કોર્ટમાં ધા
ભુજ તાલુકાના માધાપરમાં ભાડાની હદમાં આવતા સરવે નંબરના ઉલ્લેખ સાથે મોટા રાજકીય નેતાના પીઠબળથી ભુજિયાના વરસાદી પાણીના વહેણ સ્ત્રોતને પૂર્વ મંજૂરી વિના પૂરી નાખવામાં આવ્યો છે. આ વોકળાની પૂર્વ-પશ્ચિમ બાજુની સરકારી જમીન ભેળવી દબાણ કરાયું છે. માર્ગ અને મકાન વિભાગની રોડની મધ્યરેખામાંથી 36 મીટર રોડ દર્શાવાયો છે, જેમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરાયું છે. તો વળી માધાપર ગાંધી સર્કલ પાસે બિનઅધિકૃત કોમર્શીયલ બાંધકામ કરાયાના આક્ષેપ સાથે જો તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી નહીં કરાય તો કોર્ટમાં ધા નખાશે એમ રમેશ ગરવાએ જણાવ્યું હતું.

મહિલા સરપંચોને બદલે પુત્ર અને પતિએ આપ્યા જવાબ

  • માધાપર જૂનાવાસ અને નવાવાસ ગ્રામપંચાયતના સરપંચ મહિલાઓ છે, જેઓ સમૃદ્ધ અને શિક્ષિત ગામની સુકાની હોવા છતાં તેમના બદલે તેમના પુત્ર અને પતિએ ગેરકાયદે બાંધકામ, વરસાદી વહેણ પરના દબાણ અંગે પ્રતિભાવ આપ્યા હતા.
  • ‘નળ સર્કલથી આગળનો અમુક વિસ્તાર ભુજ નગરપાલિકા, અમુક ભાડા અને અમુક ગ્રામપંચાયતની હદમાં આવે છે. જૂનાવાસનો મોટાભાગનો વિસ્તાર ભાડામાં આવે છે પરંતુ મંજૂરી વિના બાંધકામ, આવું કાઇ મારા ધ્યાનમાં નથી.’ - રમેશ ચાડ, જૂનાવાસ સરપંચ પ્રેમીલાબેન ચાડના પુત્ર
  • ‘નવાવાસમાં જે હોટલો બની છે તે 4 વર્ષ અને કોમર્શીયલ બાંધકામો 3 વર્ષ અગાઉ થયા છે. મારા કાર્યકાળ દરમ્યાન બાંધકામ માટેની એકપણ મંજૂરી આપવામાં આવી નથી.’ - અરજણ ભૂડિયા, નવાવાસ સરપંચ પ્રેમીલાબેન ભૂડિયાના પતિ
અન્ય સમાચારો પણ છે...