વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે:કચ્છમાં હયાત ચાર માદા ઘોરાડની દેખરેખ માટે વન વિભાગનાં 5 કર્મચારીઓ ખડેપગે, સરકાર વર્ષ પગાર પાછળ 12 લાખ રૂપિયા ખર્ચે છે

ભુજ5 મહિનો પહેલા
  • કચ્છમાં હાલ જે ચાર ઘોરાડ પક્ષી છે એ તમામ માદા હોવાથી સંખ્યા વધવી શક્ય નથી
  • નર ઘોરાડને લાવવા માટે રાજસ્થાન અને મહારાષ્ટ્ર સરકાર સાથે ચાલી રહી છે ચર્ચા

ગુજરાતમાં ઘોરાડનું નામ પડે એટલે તરત જ કચ્છનું નામ સામે આવતું, પરંતુ હાલ સ્થિતિ એવી છે કે કચ્છમાં નામમાત્રનાં ચાર ઘોરાડ પક્ષીના બચ્યાં જ છે. એક સમયે તો અહીં એકપણ ઘોરાડ ન બચ્યું હોવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ રાજ્યસભામાં છેલ્લે આપવામાં આવેલી માહિતી મુજબ કચ્છમાં હાલ ચાર માદાં ઘોરાડ છે, જોકે નર ઘોરાડ ન હોવાથી અહીં ઘોરાડની સંખ્યામાં વધારો થવો શક્ય નથી. ચાર માદા ઘોરાડના રક્ષણ માટે હાલ વન વિભાગના 5 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેના પગાર પાછળ સરકાર વર્ષે 12 લાખથી વધુ ખર્ચ કરી રહી છે.

કચ્છમાં ચાર માદાં ઘોરાડ હોવાનો વન વિભાગનો સ્વીકાર
કચ્છના ઘોરાડ અભયારણ્યમાં ઘોરાડ કેટલાં એ પ્રશ્ન સદાય અનુત્તર રહ્યો હતો, પણ અંતે વનમંત્રાલયે કચ્છમાં માત્ર ચાર જ ઘોરાડ પક્ષી બચ્યાં હોવાનો રાજ્યસભામાં સ્વીકાર કરી લીધો છે. જોકે છેલ્લે ક્યારે વસતિ ગણતરી કરાઈ હતી એ મુદ્દે વનમંત્રાલયે મૌન સેવ્યું હતું. નોંધનીય છે કે વર્ષ 2007માં ઘોરાડની વસતિ ગણતરી હાથ ધરાઈ હતી, જેમાં 48 ઘોરાડ કચ્છમાં હોવાનો સત્તાવાર આંકડો જે-તે સમયે જાહેર કરાયો હતો. વર્ષ 2018માં સચિવાલાયની બેઠકમાં કચ્છના અબડાસામાં માત્ર 20 ઘોરાડ હોવાનો આંકડો રજૂ કરાયો હતો,જોકે તાજેતરમાં માત્ર વસતિનો અંદાજ કરાયો હતો, પણ વન વિભાગે 15 વર્ષમાં ઘોરાડની વસતિ ગણતરીના કોઈ જ સત્તાવાર આંકડા જાહેર નથી કર્યા.

ચાર માદાં ઘોરાડને બચાવવાનો વન વિભાગ સામે પડકાર
ગુજરાત રાજય વન વિભાગના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડર્ન શ્યામલ ટીકાદરે 'દિવ્ય ભાસ્કર' સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં કેપ્ટિવ બ્રીડિંગ સેન્ટરમાં ઊછરેલા નર ઘોરાડ કચ્છ મુકાય એવી શક્યતા રહેલી છે, પણ પ્રાયોગિક ધોરણે 3થી 4 વર્ષનો સમયગાળો લાગે એવી શક્યતા છે. ત્યાં સુધી માંડ માંડ બચેલી ચાર માદા ઘોરાડને બચાવવી એ વન વિભાગ માટે અગત્યનું સાબિત થશે.

ઘોરાડના સંરક્ષણ માટે વન વિભાગ વર્ષે કરે છે 12 લાખથી વધુનો ખર્ચ
ઘોરાડ અભયારણ્ય જેમના હેઠળ આવે છે એ નલિયા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) કનકસિંહ રાઠોડ સાથે વાત કરતાં તેમણે ઘોરાડ વિશે પૂરી સંવેદના સાથે જણાવ્યું હતું કે હાલ 4 ઘોરાડ આ વિસ્તારમાં હયાત છે, જેમની તકેદારીપૂર્વક સંભાળ લેવામાં આવી રહી છે. આ માટે કોઈ ખાસ પોસ્ટ તો ઊભી નથી કરાઈ, પરંતુ આ પક્ષીના બચાવ માટે બીટગાર્ડ 2, ફોરેસ્ટર 1 અને રોજમદાર 2 દ્વારા ફરજ દરમિયાન દેખરેખ રાખવામાં આવી રહી છે. અલબત્ત, કચ્છને વૈશ્વિક સ્તરે નામમાં અપાવનાર ઘોરાડના બચાવ માટે વન વિભાગ સતત પ્રયત્નશીલ હોવાનું જાણવા મળ્યું છે. તો આ માટે ફરજ પર તહેનાત કર્મચારીઓમાં રોજમદારોને રૂ. 18 હજાર માસિક પગાર ચૂકવાય છે, જ્યારે બીટ ગાર્ડનો રૂ. 28થી રૂ.35 હજાર જેટલો પગાર હોય છે તો ફોરેસ્ટરનો પોસ્ટ પ્રમાણે પગાર હોય છે, જેમાં 34થી 50 હજાર સુધીના પગારનો સમાવેશ થાય છે.

રાજસ્થાન પાસે કરવામાં આવી છે નર ઘોરાડની માગ
એક સમયે ઘોરાડ કચ્છમાંથી વિલુપ્ત થઈ ગયાની વાત જાહેર થઈ હતી. એ બાદ અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ આ પક્ષી જોયાં હોવાનો દાવો કરતી તસવીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. બાદમાં વન મંત્રાલય દ્વારા ચાર માદાં ઘોરાડ હજુ અસ્તિત્વમાં હોવાની જાહેરાત કરી હતી.ઘોરાડને બચાવવામાં માટે અનેક પક્ષીવિદોએ અપીલ કરી છે, જેના આધારે સંબંધિત તંત્ર દ્વારા તેના વિકાસ વિસ્તાર માટે રાજસ્થાન સરકાર પાસે નર ઘોરાડની માગ કરવામાં આવી હતી. નર ઘોરાડને કચ્છમાં મૂકવામાં આવે અને એના દ્વારા બચેલી ઘોરાડ મારફત નવી પેઢીને વિકસાવવા માગ કરાઈ હતી. પરંતુ એ વાત આગળ વધી શકી નથી.

ઘોરાડ પક્ષીની વિશેષતા
ઘોરાડ પક્ષી ગુજરાતમાં એકમાત્ર કચ્છ જિલ્લાના નલિયા અને અબડાસાના ઘાસિયા જમીનમાં જોવા મળે છે. આ પક્ષીનું વજન 15 કિલો જેટલું અને ઊંચાઈ એકથી સવા મીટર જેટલી હોય છે. આટલું ભારે વજન ધરાવતા છતાં ઘોરાડ ઊડી શકે છે, જે દેશનું એકમાત્ર વજનદાર ઊડી શકતું પક્ષી છે. ઘોરાડ મિશ્રાહારી છે જે કીડા, મકોડાની સાથે સાપને પણ ખાઈ લે છે. ઘોરાડ ઝાડ પર ચડી ના શકવાથી મુખ્યત્વે ઘાસિયા જમીનમાં રહે છે. એના પગમાં માત્ર ત્રણ ખૂણા હોય છે, જે વળી ના શકતા ઝાડની ડાળી પર બેસવા અસક્ષમ છે. અતિદુર્લભ પ્રજાતિનું આ પક્ષી ગુજરાતમાં હવે નામશેષ થવાની એરણે પહોંચી ગયું છે, જેના બચાવ માટે વન વિભાગ દેખરેખ તો રાખે છે, પરંતુ ફરજના ભાગરૂપે.

વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફક રોનક ગજ્જરે જણાવ્યું હતું કે ઘોરાડ અભયારણ્ય નલિયા વિસ્તારમાં માત્ર 200 હેકટરમાં આવેલું છે, પરંતુ આ પક્ષી નલિયાથી બીટા સુધીના વિસ્તારમાં જોવા મળ્યું છે. ઘોરાડ અભયારણ્યની સ્થાપના 1992માં થઇ હતી. જખૌ અને બુડિયાના વિસ્તારને આવતા 2 કિલોમીટરના વિસ્તાર માત્રમાં એ સીમિત છે. નલિયાથી 15 કિમી અને ભુજથી 110 કિમી દૂર આવેલા આ અભયારણ્યમાં ગુજરાતમાં માત્ર ઘોરાડ અહી જ જોવા મળે છે. ઘોરાડ એ એક અત્યંત સંકટગ્રસ્ત પક્ષીની પ્રજાતિ છે અને IUCN Red List દ્વારા 2011ના તેને 'વિલુપ્તિના આરે' આવેલી પ્રજાતિ જાહેર કરાઈ છે. આ ઉપરાંત એને ભારતીય વન્યજીવ અધિનિયમન 1972માં અનુસૂચિ-1માં મૂકવામાં આવેલું છે. ભૂતકાળમાં ભારતમાં 11 રાજ્યમાં 1260 જેટલાં ઘોરાડ હતાં, જે હાલ એનાં 300થી પણ ઓછાં બચ્યાં છે, જેમાંથી 5થી પણ ઓછા હવે અબડાસામાં છે. અહીં મેકિનનો ઘોરાડ અને ખડમોર પણ જોવા મળે છે.

ઘોરાડ સાથે કહીએ તો ઘરોબો ધરાવતા અને એના ફોટો તેમજ માહિતી મેળવવા માટે કચ્છથી મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી ફરી વળેલા પક્ષીવિદ અને જાણીતા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ઘોરાડ એ કચ્છને વિશ્વમાં ખ્યાતિ અપાવનારું જિલ્લાની સાન સમાન પક્ષી છે. મુખ્યવે આ પક્ષી ઘાસના મેદાનમાં જ રહે છે અને જમીન પર જ નેસ્ટ કરે છે, જે વર્ષમાં એક વખત ઈંડું આપે છે. જોકે જમીન પર નેસ્ટ કરવાને કારણે જમીનમાં અનેક જોખમ ઝીલવા પડે છે, જેમાં ચરિયાન દરમિયાન ગાય, ભેંસના પગ તળે આવી જવાથી ઇંડાં ફૂટી જાય છે તો શિયાળ જેવા જંગલી જાનવરનો પણ ખતરો રહે છે. ખાસ કરીને ઘાસના મેદાનની સર્જાયેલી પરિસ્થિતિને કારણે એની સંખ્યા ઘટી ગઈ હોવાનું બની શકે છે, પરંતુ હજુ સમય છે એ પક્ષીનું સંવર્ધન કરવામાં આવે. એના માટે તંત્ર દ્વારા નર ઘોરાડ રાજસ્થાનથી લાવવાની વાત હતી, એના પર જો અમલવારી કરવામાં આવે તો જરૂર ઘોરાડની સંખ્યા વધી શકે છે.

ઘોરાડની સંખ્યા ઘટવાનું કારણ?
કચ્છમાં નલિયા ખાતે આવેલા ઘોરાડ અભયારણ્યમાં વન વિભાગ સિવાયની ગૌચર અને શ્રીસરકાર થયેલી મોટા ભાગની જમીનમાં માનવીય પરિબળોને કારણે ઘાસિયા જમીન નામશેષ થઈ ગયા છે. એમાં જમીન દબાણ, ખેતીવાડી અને પવનચક્કી તથા વીજ ટાવર સહિતની કામગીરી પણ ક્યાંક ને ક્યાંક આ પક્ષીની સંખ્યા ઘટાડવા જવાબદાર છે. જંગલ વિસ્તારના ઘાસિયા જમીનમાં રહેતું આ પક્ષી વન વિભાગની જમીન ઉપલબ્ધ ના મળતાં કુદરતી જીવન જીવી શક્યું નથી, જેને કારણે ઘોરાડની સંખ્યા ધીરે ધીરે સતત ઘટતી ગઇ છે અને હવે લુપ્ત થઇ જવા પર આવી પહોંચી છે. તેના બચાવ સિવાય વિકાસની કોઈ વાત હાલ ઘડી નજરે પડી રહી નથી.

અન્ય સમાચારો પણ છે...