આજે​​​​​​​ વિશ્વ વિરાસત દિન:એક સમયે કાઠી લોકોની કોટાયમાં હતી રાજધાની

મોખાણાએક મહિનો પહેલાલેખક: ભગુભાઇ આહીર
  • કૉપી લિંક
હયાત શિવમંદિર,સૂર્યમંદિર અને કાઠીઓની વસાહતના અવશેષ - Divya Bhaskar
હયાત શિવમંદિર,સૂર્યમંદિર અને કાઠીઓની વસાહતના અવશેષ
  • રા’ લાખાના સમય સાથે કાઠીઅોનો 1150 વર્ષ પહેલાનો ઇતિહાસ છે સંકળાયેલો
  • સૂર્ય મંદિર સહિતના અૈતિહાસિક સ્થળની યોગ્ય માવજત અને પ્રચાર-પ્રસારનો અભાવ

અાજે તા.18-4ના વિશ્વ વિરાસત દિવસ છે ત્યારે પ્રવાસન ક્ષેત્રે વિકસતા કચ્છના ભુજ તાલુકાના કોટાયમાં અાવેલા સૂર્યમંદિર અને શિવ મંદિરની સામે અાવેલી 1150 વર્ષ પહેલાની કાઠીઅોની રાજધાનીની યોગ્ય માવજત અને પ્રચાર-પ્રસારના અભાવે અા સ્થળ હવે હાંસિયામાં ધેકલાઇ ગયું છે.

અેક સમયે કાઠી લોકોની કોટાયમાં રાજધાની હતી અને તેના અવશેષો આજે પણ અહીં જોવા મળે છે. લોકવાયકા મુજબ કર્ણને સિંધ પ્રદેશના રાજા બનાવવામાં આવ્યા હતા. નિયમ મુજબ કર્ણ સવારની પૂજા પૂરી થાય તે પહેલાં હથિયાર ઉઠાવતા નહીં, તેવામાં બ્રાહ્મણોની ગાયો કેટલાક યવનો હંકારી જતા હતા ત્યારે બ્રાહ્મણો રાજા કર્ણ પાસે મદદ માટે આવે છે.

પોતે પૂજામાં બેઠેલા હોઇ કંઢીની કાઠી (કંઢીની લાકડી) હવનમાં નાખી મંત્ર શક્તિ દ્વારા એક યોદ્ધાને ઉત્પન્ન કર્યો અને અા યોદ્ધો કામ પૂર્ણ કરી પરત અાવતાં કર્ણે તેને કચ્છમાં રહેવા કહ્યું હતું. યોદ્ધાએ કોના પર નિર્ભર રહેવું અેવું કહેતાં કર્ણે આશીર્વાદ અાપ્યા કે, આજ પછી ચોરી કે લૂંટ કરશો તો પણ એ તમારો ગુનો નહીં ગણાય. આમ કંઢીની લાકડીમાંથી ઉત્પન્ન થયેલા હોવાથી તે કાઠી તરીકે ઓળખાયા અને કોટાયમાં અા કાઠીઓએ પોતાની રાજધાની બનાવી હતી.

બોલાડી ગઢના જામ કાયાઅે કાઠીઅોને ભગાડ્યા
જ્યારે બોલાડી ગઢ પર જામ કાયાનો રાજ હતો ત્યારે તેમણે કાઠીઓને કચ્છમાંથી કાઢવા સૈન્યને હુકમ કર્યો હતો અને કાઠીઓઅે ચોરી, લૂંટથી અેકત્ર કરેલી મિલકત લઈ ન જાય તે માટે કચ્છને જોડતા 7 સેડા (સાત રસ્તા) પર સૈન્ય ગોઠવીી મિલકત પરત લઇ લીધી હતી. કાઠીઓ તે સમયે ચોરી અને લૂંટ કરતા હોવાથી તેમની પાસે અઢળક સોનું, ચાંદી સહિતની મિલકત હતી. આ મિલકત લૂંટાઈ જતી જોઈ કાઠીઓએ પોતાની વસાહત કે, સ્મશાનમાં દાટી અને કચ્છ છોડી નીકળી ગયા, જેથી આ વસાહતોમાં હજુ પણ આ સંપત્તિ દટાયેલી હોવાનું લોકમુખે સંભળાય છે.

શિવ મંદિરની સામે અાજે પણ જોવા મળે છે કાઠી વસાહતના અવશેષો
લોકવાયકા મુજબ કાઠીઅોને કર્ણઅે ઉત્પન્ન કર્યા હોઇ અને કર્ણ સૂર્યનો પુત્ર હોવાથી કાઠીઅોઅે કોટાયમાં સૂર્યમંદિર બનાવ્યું હતું, જે હાલના શિવમંદિરની સામે પશ્ચિમ દિશામાં સૂર્યમંદિર અને કાઠી લોકોની વસાહત, તે સમયે વપરાતા માટીના વાસણો, જીવન જરૂરી ચીજવસ્તુઓ, જીવનશૈલી અને રહેણીકરણી અવશેષો અાજે પણ મળી અાવે છે. તે સમયે ઘરમાં ચિત્રો દોરવા કે ચિહ્નો બનાવવા રંગ તરીકે ગેરું નામના પથ્થરનો ઉપયોગ થતો જે આ વસાહત નજીક વધુ જોવા મળે છે.

તદુપરાંત કોડીઓ પણ અહીં જોવા મળે છે જેનો ઉપયોગ તે સમયે આભૂષણ કે સુશોભન તરીકે કરતા હશે. હાલ આ વસાહત જાળવણીના અભાવે નષ્ટ થવાના અારે છે. અહીં કાઠીઓની રાજધાની ફરતે ગઢ જેવી દિવાલ બનાવવામાં આવી હતી હાલ પુરાતત્વ વિભાગ હસ્તક જે શિવ મંદિર આવેલું છે તે પણ આ ગઢની દિવાલ અંદર આવેલું છે.

અન્ય સમાચારો પણ છે...