માસૂમ પક્ષીઓ પર ઠંડીનો પ્રકોપ:ભચાઉના લીલીયાણા ગામના પાંચાસર તળાવના કિનારે ઠંડીના કારણે 30 જેટલા બગલાનાં મોત, 10ની હાલત નાજુક

ભુજએક મહિનો પહેલા
  • જીવદયા પ્રેમીઓએ ઘટનાસ્થળે પહોંચી બચી ગયેલા પક્ષીઓની સંભાળ લીધી
  • મોત ઠંડીના કારણે થયા કે કેમ તે અંગેની તપાસ વન વિભાગે હાથ ધરી

ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારના લાલીયાણા ગામના પાંચાસર તળાવ કિનારે વડના ઝાડ પર બેઠેલા 40 જેટલા બગલાઓ રાત્રીની ભારે ઠંડીના કારણે ઠુઠવાઈ જવા પામ્યા હતા. તેમાં 30 જેટલા બગલાઓના સ્થળ પરજ મૃત્યુ નીપજ્યાં હતા, જ્યારે 10 જેટલા નાજુક સ્થિતિમાં મુકાયેલા પક્ષીઓની ગામના જીવદયાપ્રેમીઓ દ્વારા સંભાળ લેવામાં આવી રહી છે.

લીલીયાણા ગામના તળાવ કિનારે સંભવિત ઠંડી લાગવાથી બગલાઓના મૃત્યુ થયાની ખબર ગ્રામજનોને પડતા તેમણે સામખીયાળીના જીવદયા પ્રેમી જયસુખ કુબડીયાનું ધ્યાન દોર્યુ હતું. જેમણે સ્થળ પહોંચી બીમાર પક્ષીઓની ખબર લીધી હતી. જો કે લાલીયાણા ગામના પૂર્વ સરપંચ કિરીટસિંહ જાડેજા પણ અશક્ત બગલાઓને સલામત રીતે પોતાના ઘરે લઈ જઈ પશુ તબીબ પાસે સારવાર કરાવી સંભાળ લઈ રહ્યા છે.

અલબત્ત બગલાઓના મોત ઠંડીના કારણે થયા છે કે કેમ તે અંગેની તપાસ વન વિભાગ દ્વારા હાથ ધરાઈ છે. તેમજ મૃત્યુના સચોટ કારણ માટે બગલાના મૃતદેહોને એફએસએલ માટે મોકલ્યા હોવાનું ભચાઉ આરએફઓ ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું. દરમિયાન ગામના ખેડૂત અગ્રણી જુજારસિંહ જાડેજાએ કહ્યું હતું કે તળાવના કિનારે 25 ફૂટ ઊંચા વડના ઝાડ પર બેઠેલા બગલાઓને રાત્રી દરમિયાન ભારે ઠંડી લાગી હોવાથી એક બાદ એક નીચે પડતા ગયા હોવાની આશંકા છે.

અન્ય સમાચારો પણ છે...