શેરી ફેરીયા સંગઠન:ઓછામાં ઓછા માસિક 3 હજારની આર્થિક સહાય આપવામાં આવે

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સંગઠનોની જાહેરહિતની અરજીને ગુજરાત હાઇકોર્ટનો સકારાત્મક પ્રતિસાદ

કોઇપણ શહેરના આર્થિક ઉપાર્જનમાં જેમનો નોંધપાત્ર ફાળો રહેલો છે એવા શેરી ફેરીયાઓના વિવિધ પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને વિવિધ સંગઠનોએ હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી છે. જેના પ્રત્યુત્તરમાં કોર્ટ તરફથી સકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો છે.

આ જાહેરહિતની અરજીમાં ભુજ શહેરના શેરી ફેરીયાઓના સંગઠન, પીપલ્સ યુનિયન ફોર સીવીલ લિબર્ટીસ, નેશનલ હોકર્સ ફેડરેશન, નવચેતન ટ્રસ્ટ, સુરત તેમજ શેરી ફેરીયાઓના હિતમાં કાર્યરત અમદાવાદના વિવિધ સંગઠનો સાથે જોડાયેલા સ્વયંસેવક પણ અરજદાર તરીકે જોડાયા છે. આ પીટીશનમાં શેરી ફેરીયાઓનું રજીસ્ટ્રેશન, બાયો મેટ્રિક સર્વે, આરોગ્યના મુદાઓ, બાળકોનું શિક્ષણ અને ખાસ કરીને શહેરોમાં ટાઉન વેન્ડિંગ કમિટીના ગઠન સહિતના ટૂંકા અને લાંબાગાળાના પશ્નો રજૂ કરવામાં આવ્યા છે.

ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ભૂષણભાઇ ઓઝા શેરી ફેરીયાઓના આ કેસના મુખ્ય વકીલ તરીકે ગુજરાત હાઈકોર્ટમાં વકીલાત કરી રહ્યા છે. પ્રથમ સુનાવણી દરમ્યાન સરકારી વકીલોએ સરકાર તરફથી કરાયેલી કામગીરીના મુદ્દાઓ મુકતાં હાઇકોર્ટ તરફથી થયેલી કામગીરીની વિગતો સોગંદનામા પર માગવામાં આવી છે. ફેરીયાઓના બાળકો માટે પણ ચીફ જસ્ટિસ તરફથી જણાવાયું છે કે તેમને શિક્ષણથી અળગા રાખી શકાશે નહિં જો એવા કોઇ કેસ હોય તો કોર્ટ અથવા જિલ્લા શિક્ષણાધિકારીને તરત જાણ કરવાની રહેશે.

આ અરજીમાં જે રીતે મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં જે રીતે શેરી ફેરીયાઓ માટે માસિક આર્થિક સહાય આપવામાં આવે છે એજ રીતે ગુજરાતના શેરી ફેરીયાઓને પણ ઓછામાં ઓછા માસિક ત્રણ હજારની આર્થિક સહાય આપવામાં આવે એ મુદ્દો પણ ઉલ્લેખવામાં આવ્યો છે. આગામી ૨૩મી જુને થનારી સુનાવણીમાં પણ સંગઠન તરફથી ખાસ કરીને ટાઉન પેન્ડિંગ કમીટિના ગઠન અને તેને સક્રિય કરવાની બાબત પર ભાર મુકવામાં આવશે તેમજ બાયોમેટ્રિક સરવેમાં છુટી ગયેલા શેરી ફેરીયાઓની યાદી તૈયાર કરી કોર્ટ સમક્ષ રજૂ કરીને સરવેની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવશે. માત્ર ભુજ નહિં પરંતુ ગુજરાતભરના શેરી ફેરીયાઓ માટે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી ભારત સિવાય અન્ય ક્યાંયથી પણ કરવામાં નથી આવી જે નોંધપાત્ર બાબત છે.

અન્ય સમાચારો પણ છે...