એક પંચાયત આવી પણ:લગાન ફેમ કચ્છના કુનરિયામાં મહિલાઓનું પણ રાજ, બાલિકાઓ નાનપણથી જ રાજકારણનાં પાઠ શીખે છે

એક મહિનો પહેલા
  • અનોખી બાલિકા પંચાયતની કેન્દ્ર અને રાજ્ય સરકારે લીધી નોંધ
  • 50 ટકા મહિલા અનામતને પાયાથી મજબુત કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરાઈ હતી
  • બાલિકા પંચાયતમાં કિશોરીઓ કુનેહ સાથે કામગીરી કરી રાજકારણના પાઠ ભણે

ગુજરાતમાં આજે 8 હજાર કરતાં પણ વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન છે ત્યારે વાત કરીએ એક એવા અનોખા ગામની જ્યાં અનોખી બાલિકા પંચાયતની રચના કરીને સત્તાની ધૂરા ગામની દીકરીઓના હાથમાં સોંપવામાં આવી છે. કચ્છના ભૂજ તાલુકાનું કુનરીયા ગામને આમ તો લગાન ફિલ્મથી પણ ઓળખવામાં આવે છે. હિન્દી ફિલ્મ લગાનનું શૂટિંગ કુનરીયા ગામમાં થતાં જ તે દુનિયાના નકશામાં ચમક્યું હતું. જો કે, હવે સમયની સાથે આ ગામ તેની આ ઓળખ બદલવાની સાથોસાથ ગામની દીકરીઓને પણ અલગ રીતે ઓળખ આપવા તરફ આગળ વધી રહ્યું છે.

દેશમાં આઝાદી બાદ પાર્લામેન્ટથી લઈને પંચાયત સુધી મહિલાઓને પ્રતિનિધિત્વ તો ચોક્કસ મળ્યું છે પણ ક્યાંક ને ક્યાંક રાજકારણમાં મહિલાઓ સક્રિય રીતે પ્રવેશી શકતી નથી જ. જેથી કુનરીયા ગ્રામ પંચાયત અને બેટી બચાવો બેટી પઢાવો સેલના સંયુક્ત પ્રયાસો બાદ ગામની મહિલાઓ અને કિશોરીઓની વિવિધ સમસ્યાઓને મુખ્ય પંચાયતમાં વાચા આપવા માટે બાલિકા પંચાયતની સ્થાપના કરાઈ હતી. આ બાલિકાપંચાયતનો ઉદ્દેશ્ય છે કે, કિશોરીઓ સક્રિય રાજકારણમાં રસ લઈ લોકશાહી પધ્ધતિથી ચૂંટણીમાં ભાગ લઇ અન્ય બહેનોનો અવાજ બને. જેના પરિણામે હવે ગામની દીકરીઓ નાની ઉંમરે રાજકારણમાં રસ લેતી થાય તે દિશામાં આગળ વધીને બાલિકા પંચાયતનો અમલ કરાવ્યો છે. લોકશાહી ઢબે પસંદગી પામેલાં 21 વર્ષીય ભારતીબેન ગરવા આજે બાલિકા પંચાયત દ્રારા મહિલાઓની સમસ્યાઓનું નિરાકરણ લાવીને તેમનો વિકાસ થાય તે દિશામાં સતત કાર્ય કરી રહ્યાં છે. જેની નોંધ કેન્દ્ર સરકારના પંચાયતી રાજ મંત્રાલયે પણ લીધી છે.

બાલિકા પંચાયતની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરતી દીકરી
બાલિકા પંચાયતની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરતી દીકરી

આમ 'બાલિકા પંચાયત' એ મહિલાઓ અને બાળકીઓના પ્રશ્નોના નિરાકરણ માટેનો અનોખો પ્રયોગ છે. જે મહદ અંશે સફળ પણ થઈ રહ્યો છે. ત્યારે આવો સૌ પ્રથમ એ જાણીએ કે બાલિકા પંચાયત શું છે?

  • બાલિકા પંચાયત એ ગામની પરંપરાગત પંચાયત કરતાં અલગ પંચાયત છે.
  • ગામની મહિલાઓના પ્રશ્નો મુખ્ય પંચાયતમાં ઉઠાવવા માટે જ બાલિકા પંચાયતની રચના કરાય છે.
  • જેના માટે દસ વર્ષથી 21 વર્ષની ઉંમરની બાળકીઓ અને મહિલાઓ મતદાન કરીને મહિલા ઉમેદવારની પસંદગી કરે છે.
  • આમ મહિલા મતદારો પોતાના મતદાનનો ઉપયોગ કરીને બાલિકા પંચાયતનાં સરપંચની પસંદગી કરે છે.
  • બાલિકાપંચાયતના સરપંચ અને અન્ય સભ્યો દર સપ્તાહે બેઠકો કરીને મહિલાની સમસ્યાઓ પર ચર્ચા કરીને તેને મુખ્ય પંચાયતમાં રજૂ કરે છે.

ફિલીપાઇન્સની યુથ કાઉન્સીલની વાતથી પ્રેરાઇને પ્રારંભ કરાઈ બાલિકા પંચાયત

વર્ષ 2018માં તત્કાલીન સરપંચ સુરેશ છાંગાએ ફિલીપાઇન્સના સાગુંનીયાન કબ્બતાન વિસ્તારમાં ચાલતી યુથ કાઉન્સીલની વાતથી પ્રેરાઇને આ બાલિકા પંચાયતના કોન્સેપ્ટને કુનરિયા ગામમાં અમલમાં મૂકવાનું નક્કી કર્યું હતું. પંચાયતી ક્ષેત્રમાં પણ નાનપણથી જ ગામની દીકરીઓ રસ લે અને આગળ આવે તે માટે ગયા વર્ષે બાલ પંચાયત ચૂંટણીનું આયોજન કરાયું હતું. ગામમાં બાલિકા પંચાયત રચાશે અને તેની ચૂંટણી યોજાશે તેવી જાણ અન્ય દીકરીઓને થઈ ત્યારે તેમનામાં અનોખો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. આ બાલિકા પંચાયત માટે 8 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. દેશમાં ભલે 18 વર્ષે મતદાન કરવા મળતું હોય પણ દેશની પ્રથમ બાલિકા પંચાયતની ચૂંટણીમાં દસ વર્ષની બાળાઓથી લઈને 21 વર્ષની યુવતીઓએ પણ મતદાન કર્યું હતું. મતદાનના દિવસે 210થી વધુ બાળાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મત ગણતરીના અંતે ભારતી ગરવાને 117 મતે વિજેતા જાહેર કરાતાં જ તે કુનરિયા બાલિકા પંચાયતનાં સૌપ્રથમ સરપંચ બન્યાં હતાં.

કુનરીયાના પૂર્વ સરપંચે આ અનોખી પહેલને લઈને જણાવ્યું હતું કે કિશોરીઓ આવી બાલિકા પંચાયતની ચૂંટણીથી મતદાનની પ્રવૃતિની જાણકાર બની છે. ત્રિસ્તરીય પંચાયતી રાજમાં ૫૦ ટકા મહિલા અનામતને અસરકારક બનાવવા બાલિકા પંચાયતનો આ અનુભવ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. તો બાલિકા પંચાયતનાં સરપંચ તરીકે પસંદ થયેલાં ભારતીબેને પણ તેની ધુરા પોતાના હાથમાં લઈ ગ્રામ્ય અને મહિલા વિકાસમાં ટીમના સહયોગથી સક્રિય ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું છે. આમ કહી શકાય કે રાજકારણ પ્રત્યે સકારાત્મકતા વધારવા, તેનો ડર દૂર કરવા તેમજ દીકરીઓ અને મહિલાઓનો આત્મવિશ્વાસ વધારવા માટે આ પંચાયતનો પ્રયોગ અસરકારક સાબિત થઈ રહ્યો છે.

ગામનો નકશો તૈયાર કરીને વોર્ડના સભ્યો તેમની સમસ્યાઓ ને સુવિધા રજૂ કરે
ગામનો નકશો તૈયાર કરીને વોર્ડના સભ્યો તેમની સમસ્યાઓ ને સુવિધા રજૂ કરે

કોરોના કાળમાં વુમન-11 બનાવીને બાલિકા પંચાયતે અગત્યની ભૂમિકા ભજવી
બાલિકા પંચાયતના સરપંચ ભારતીબેન ગરવા સહિતના અન્ય સભ્યો તેમને સોંપવામાં આવેલા કામો બાબતે ઠરાવ કરી નાણાકીય મંજૂરી પણ આપે જ છે. સાથોસાથ ગામની દીકરીઓને સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ પ્રોત્સાહન આપે છે. તો અન્ય સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાઈને હેલ્થ, એજ્યૂકેશન અને રોજગારી મુદ્દે પણ સક્રિય ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત બાલિકાપંચાયત દ્રારા બહેનોના આર્થિક સશક્તિકરણનાં કામો કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત ગામની મહિલાઓને ભરતગૂંથણની પણ તાલીમ આપીને તેમને આત્મનિર્ભર બનાવવા પ્રયાસો કરાયા છે.

કોરોના મહામારીના કારણે જીવન જરૂરિયાત વસ્તુઓ મેળવવા માટે પણ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. આ આફતને અવસરમાં બદલવા અને પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે બાલિકા પંચાયતે સક્રિય ભૂમિકા ભજવી હતી. ગામના લોકોને જે જીવન જરૂરી વસ્તુઓની જરૂર પડતી હતી તેનું ઘર આંગણે ઉત્પાદન અને વેચાણ શરૂ કરવા માટે ગામની જ 11 મહિલાઓની મદદ લીધી હતી. ગામમાં જ ગૃહઉદ્યોગ સ્થાપીને તેનું વેચાણ પણ શરૂ કર્યું હતું જેથી ગામલોકોને પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે શહેર સુધી ધક્કો ખાવો પડ્યો નહોતો. તો દિવાળીના સમયમાં પણ ફટાકડા સહિતના સિઝનલ વેપાર તરફ નજર દોડાવીને ગામના રૂપિયાને ગામમાં જ રાખીને કમાણી પણ કરવામાં સફળતા મેળવી હતી.

બહેનો અને મહિલાઓ માટે વિવિધ સેમિનારનું સતત આયોજન
બહેનો અને મહિલાઓ માટે વિવિધ સેમિનારનું સતત આયોજન

આગામી સમયમાં ગામની મહિલાઓને પગભર બનાવવા નક્કી કરેલું લક્ષ્ય

બાલિકા પંચાયતની ટીમે આજ દિન સુધીમાં વિવિધ હેલ્થ કેમ્પથી લઈને 80 કરતાં વધુ મહિલાઓને વિવિધ વ્યવસાય સંબંધિત તાલીમ આપવાના સેમિનારનું પણ આયોજન કર્યું છે. ગામની બહેનો પરંપરાગત તાલીમ જેવી કે સીવણ ક્લાસ કે બ્યુટી પાર્લર પૂરતી સીમિત ન રહે અને અન્ય વ્યવસાયની સંભાવનાઓ તપાસી તાલીમ મેળવે તે જરૂરી હોવાનું પણ ભારતીબેને જણાવ્યું છે. ગામની મહિલાઓને બાલિકા પંચાયતે દૂધ અને પશુપાલન , ગૃહ સુશોભન, રસોઈ સંબંધિત, કમ્પ્યુટર કે જ્વેલરી સંબંધિત તાલીમ મેળવવા આહવાન પણ કર્યું છે. આગામી સમયમાં તેમની જરૂરિયાતો જાણીને 10 જેટલા વ્યવસાયોની તાલીમ અને માર્કેટિંગ સંબંધિત તાલીમ પણ અમદાવાદની (FWWB) ફ્રેન્ડસ ઓફ વુમન વર્લ્ડ બેન્કિંગ સંસ્થાના સહયોગથી આપવાનું લક્ષ્ય છે.

કચ્છનાં અન્ય ત્રણ ગામ પણ બાલિકા પંચાયતને અપનાવી ચૂક્યાં છે

એવું પણ નથી કે માત્ર કચ્છનું કુનરિયા ગામ મહિલા સશક્તિકરણ તરફ આગળ વધી રહ્યું છે. કચ્છનાં જ અન્ય ગામ કુકમા, મોટા અંગિયા અને મસ્કામાં પણ હવે બાલિકા પંચાયતનો પ્રયોગ સફળ સાબિત થયો છે. હાલ કુનરીયાનાં ભારતીબેન હરિભાઈ ગરવા, કુકમાનાં ઉર્મિલાબેન ચાડ, નખત્રાણા તાલુકાના મોટા અંગિયાનાં પૂજાબેન કલ્યાણજી ગરવા, અને માંડવી તાલુકાના મસ્કા ગામનાં વિધિબેન નાકર બાલિકા પંચાયતના સરપંચ તરીકે સક્રિય કામગીરી કરી રહ્યા છે. સૌ પ્રથમવાર રાજ્યમાં કચ્છ જિલ્લામાં પ્રારંભ કરાયેલ અને કાર્યરત બાલિકા પંચાયતની નોંધ કેન્દ્ર સરકારના પંચાયતીરાજ મંત્રાલય અને રાજ્ય સરકાર તેમજ મુખ્યમંત્રીએ પણ લીધી છે.

બાલિકા પંચાયતની રચના અને તેની સફળતાને જોઈને એવું પણ ચોક્કસ કહી શકાય કે માત્ર કચ્છનાં ગણ્યાંગાંઠ્યાં ગામોમાંથી બહાર નીકળીને આખા રાજ્યમાં આ વ્યવસ્થા અપનાવવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ ગામમાં મહિલા સરપંચ હોય તો તેની સત્તાનો ઉપયોગ તેના પતિ, ભાઈ અથવા તો પિતા ના કરે પણ સાચા અર્થમાં સત્તાનું સૂકાન પોતાના હાથમાં રાખે.