લાપરવાહ લોકો પર આવશે તવાઈ:શહેરમાં 27 હજાર લોકોએ ઇ-મેમોનો 1.36 કરોડનો દંડ ભરપાઇ ન કર્યો હોવાથી હવે ઇ-કોર્ટમાં થશે કાર્યવાહી

ભુજ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સરકારે ઇ-વર્ચ્યુઅલ કોર્ટની રચના માટેની તૈયારી આરંભી
  • દંડની રકમ ન ભરનારા ચાલકો સામે 30 દિવસમાં NC કેસ દાખલ કરવાની વ્યૂહરચના ગોઠવાઇ

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોના ઘર સુધી મેમો પહોંચે તે માટે જિલ્લામથક ભુજમાં નેત્રમ વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કેમેરા લગાવવામાં આવ્યા છે.જેની મારફતે ટ્રાફીકના નિયમનો ભંગ કરતા વાહનચાલકોને ઇ-મેમો ફટકારવામાં આવે છે પણ મોટાભાગના ચાલકો દંડની રકમ ભરપાઈ કરતા નથી અને બિન્દાસ્ત રીતે વાહનો હંકારી રહ્યા છે.

જેથી ગુજરાત સરકારે આવા વાહનચાલકો સામે તવાઈ બોલાવવા માટે ઈ-વર્ચ્યુઅલ કોર્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.જેમાં દંડની રકમ ભરપાઈ ન કરનારા વાહનચાલકો સામે 30 દિવસમાં કોર્ટમાં NC કેસ દાખલ કરવા સહિતની કાર્યવાહી કરી દંડની વસુલાત કરવામાં આવશે.સરકારના આ કડક પગલાથી લાંબા સમયથી ઇ-મેમોની રકમ ભરપાઈ ન કરનારા લોકો સામે હવે કાર્યવાહીની તવાઈ આવશે.

આ અંગેની વિગતો મુજબ, ભુજમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા તેમજ ટ્રાફિક નિયમોના પાલન માટે 15 ઓગસ્ટ 2020 થી કુલ 19 પોઇન્ટ પર 209 સીસીટીવી કેમેરા વિશ્વાસ નેત્રમ પ્રોજેકટ અંતર્ગત લગાવવામાં આવ્યા છે નેત્રમ દ્વારા નિયમોનો ભંગ કરી વાહન હંકારતા ચાલકોને મેમો ફટકારવામાં આવે છે. જેમાં ભુજ શહેરમાં અત્યાર સુધી 27,164 જેટલા વાહનચાલકોએ ઈ-ચલણનો રૂ.1.36 કરોડનો દંડ ભર્યો જ નથી, છતાં બિન્ધાસ્ત વાહન ચલાવી રહ્યા છે.ન માત્ર ભુજ પણ આખા રાજ્યમાં આ જ પરિસ્થિતિ છે.ઇ-મેમોને સરકારી કાગળ સમજી લોકો અવગણના કરી રહ્યા છે.

જેથી સરકારે લાલ આંખ કરી ઈ-મેમોનો દંડ નહીં ભરનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઈ-વર્ચ્યુઅલ કોર્ટની યોજના ઘડી કાઢી છે. દિલ્હી, બેંગલુરુ જેવા શહેરોમાં હાલમાં કાર્યરત ઈ-વર્ચ્યુઅલ કોર્ટ હવે ગુજરાતમાં પણ કાર્યરત થશે. જેમાં જે પણ વાહનચાલકને ઈ-મેમો મોકલાશે તેની ઓનલાઈન જાણ વર્ચ્યુઅલ કોર્ટને થશે.

જેમાં 30 દિવસમાં ઈ-ચલણનો દંડ નહીં ભરનારા વાહનચાલકો સામે એન.સી. ગુનો નોંધાશે અને તેઓ જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારની કોર્ટમાં તેમને હાજર થવું પડશે. આમ કરવાથી કોર્ટો પર ફરી એક વખત કેસોનું ભારણ વધશે પરંતુ લોકઅદાલતની જેમ જ એક જ દિવસમાં નિકાલ આવશે તેવી વ્યૂહરચના ગોઠવાઈ છે. ઈ-વર્ચ્યુઅલ કોર્ટની યોજના 2022ના વર્ષમાં અમલમાં મુકી દેવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે.

30 દિવસમાં દંડ ભરનાર સામે કોઈ કાર્યવાહી નહીં થાય
ઈ-મેમો જનરેટ થયાના 30 દિવસમાં જે વાહનચાલક દંડ ભરી દેશે તેની સામે કોઇ જ કાર્યવાહી નહીં કરાય. પરંતુ 30 દિવસમાં દંડ નહીં ભરનાર વાહનચાલક વિરુદ્ધ એન.સી.ગુનો નોંધી તેને કોર્ટ સમક્ષ હાજર કરાશે. જ્યાં વાહનચાલક દંડ ભરી શકશે અને ન ભરે તો કોર્ટ સજા નક્કી કરશે.

મેમોની કોર્ટ અને વાહનચાલકને જાણ કરાશે
સીસીટીવી કંટ્રોલ રુમના કોમ્પ્યુટર પર જે પણ વાહનચાલકનો ઈ-મેમો જનરેટ કરાશે, તેની ઓનલાઈન જાણ વર્ચ્યુઅલ કોર્ટને પણ આપોઆપ થઇ જશે. જેથી જે પણ વાહન ચાલકને ઈ-મેમો ઈશ્યૂ થયો હશે તેનો રેકોર્ડ વર્ચ્યુઅલ કોર્ટ પાસે રહેશે.જેના આધારે કોર્ટમાંથી પણ જે-તે વાહન ચાલકને મેસેજ કરીને તેમને દંડની જાણ કરાશે.

નેત્રમ દ્વારા અવારનવાર રિમાઇન્ડર અપાય છે, છતાં વાહનમાલિકો મેમો ભરતા નથી
ભુજ નેત્રમ દ્વારા ત્રીપલ સવારી,રોંગ સાઈડ,સીટ બેલ્ટનો ભંગ,ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી સહિતના ટ્રાફિક ભંગના ગુનામાં વાહનમાલિકના નામેં મેમો ઇસ્યુ કરવામાં આવે છે. પોસ્ટ મારફતે ઇ-મેમો મોકલાવી નેત્રમ દ્વારા વાહનમાલિકને દંડની રકમ ભરી જવા માટે અવારનવાર રિમાઇન્ડર આપવામાં આવે છે તેમજ ઘણી વખત પોલીસ કર્મચારીઓ ઘરે પણ જાય છે. તેમ છતાં મોટાભાગના વાહનમાલિકો દ્વારા મેમાની અવગણના કરીને દંડની રકમ ભરવામાં આવતી નથી જે હકીકત છે.

અન્ય સમાચારો પણ છે...