માંગણી:બન્નીમાં પશુધન બચાવવા ઘાસ ચારાની વ્યવસ્થા કરો, છછલા-સરાડાના સરપંચે કલેક્ટર સમક્ષ કરી માગ

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના બન્ની વિસ્તારમાં ગત ચોમાસુ નબળું રહેતાં અત્યારથી જ સીમાડામાં ચારો ખલાસ થઇ જતાં ચારિયાણની સમસ્યા પેદા થઇ છે. પશુધનને બચાવવા માટે તાત્કાલિક ઘાસ ડેપો શરૂ કરવા કે કેટલ કેમ્પ ખોલવા સહિતના રાહતના પગલા ભરવા કલેક્ટર સમક્ષ માગ કરાઇ છે.

આ અંગે છછલા અને સરાડા જૂથ ગ્રામ પંચાતે કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, સીમાડામાં ઘાસનું તણખલું પણ નથી. ઊંચા ભાવે મળતા ખાણદાણે પશુ પાલકોની કમર તોડી નાખી છે. કપાસિયા ખોળની 50 કિલોની એક ગુણીના ભાવ 2 હજાર રૂપિયા થઇ ગયા છે તો ભૂસાની કિમત આસમાને અડી છે. આ સ્થિતિમાં માલધારીઓ માટે પશુઓનો નિભાવ કઠીન બન્યો છે. વિકલ્પે સરકાર દ્વારા રાહત ભાવે ઘાસ ડેપો શરૂ કરવામાં આવે અને ઢોરવાડા ચાલુ કરાય તે જરૂરી બન્યું છે. જો તાત્કાલિક પગલા નહી ભરાય તો નાછૂટકે પશુ પાલકો હિજરત કરવા મજબૂર બનશે. છછલાના સરપંચ રૂકિયાબેન અને સરાડા જૂથ ગ્રામ પંચાયના સરપંચ આમુડા જતે તાકીદે યોગ્ય વ્યવસ્થા કરવા માગ કરી હતી.

વિધાનસભાના અધ્યક્ષાને પણ કરાઇ રજૂઆત
હજુ ઉનાળો શરૂ નથી થયો તેવામાં બન્નીમાં સર્જાયેલી ચારાની વિકટ હાલત અંગે ભુજ તાલુકા પંચાયતના સભ્યે વિધાનસભાના અધ્યક્ષાને અલાયદી રજૂઆત કરી હતી જેને ટાંકીને જિલ્લા વિકાસ અધિકારીને પાઠવાયેલા પત્રમાં જણાવાયું હતું કે, અધ્યક્ષાના અંગત સચિવે રાજ્યના પશુ પાલન નિયામકનું ધ્યાન દોર્યું છે. આ દિશામાં આગળના પગલા ભરવામાં આવે તેવી માગ તાલુકા પંચાયતના સદસ્ય અબ્દુલા બુઢા જતે ડીડીઓ સમક્ષ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...