હોબાળો:અનુ. જાતિના અનુચિત શબ્દ પ્રયોગથી રાપરની શિક્ષણ આલમમાં હોબાળો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગેવાનોએ દરમિયાનગીરી કરતાં મામલો શાંત પડ્યો

અનુસૂચિત જાતિના સમુદાય માટે સરકારે અમુક શબ્દોનો પ્રયોગ કરવા પર પાબંદી લગાવી છે તેમ છતાં રાપરના એક વોટ્સેપ ગ્રુપમાં ખુદ બીઆરસી કો-ઓર્ડિનેટરે ભાંગરો વાટતાં શિક્ષણ આલમમાં હોબાળો મચ્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કલા ઉત્સવમાં આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં બીજા ક્રમે આવેલી નંદાસર શાળાની બાળા અનુસૂચિત જાતિની છે જેના માટે અનુચિત શબ્દ પ્રયોજાયો હતો. આ અંગે એક જાગૃત શિક્ષકનું ધ્યાન જતાં તેમણે વોટ્સેપ ગ્રુપમાં ધ્યાન દોર્યું તો બીઆરસી કો-ઓર્ડિનેટરે તમે સૂઇ જાઓ તેવો જવાબ આપ્યો હતો.

આ ઉત્તરથી અકળાયેલા શિક્ષકે પરિપત્ર મુજબ આવા અનુચિત શબ્દોનો પ્રયોગ ન કરી શકાય તેવું જણાવ્યું હતું જેને પગલે મામલો ગરમાયો હતો જે શિક્ષક સંઘના પ્રમુખ અને મંત્રી સમક્ષ પહોંચતાં તેમણે થાળે પાડ્યો હતો. છેવટે બીઆરસી કોઓર્ડીનેટરે પણ ગ્રુપમાં માફી માગી હતી અને બીજીવાર ધ્યાન રાખવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.

સૂત્રોના કહેવા મુજબ જે શબ્દ ઉલ્લેખાયો હતો તેનો રાશન કાર્ડ, આધાર કાર્ડ અને ખેડૂત ખાતેદારમાં પણ ક્યાંક ને ક્યાંક થાય છે. આ સમુદાયના ગરીબ વર્ગને તે દૂર કરવા ભારે હાલાકી ભોગવવી પડે છે. સરકાર દ્વારા તાત્કાલિક આવા અનુચિત શબ્દો દફતરમાંથી દૂર કરવાનો આદેશ કરાય તેવું જાગૃત લોકો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...