છરીની અણીએ લૂંટ:ગાંધીધામ શહેરમાં વધુ એક લૂંટની ઘટના બની, બાઈક સાથે બાઈક ટકરાવી લૂંટના ગુનાને અંજામ આપી બે શખ્સો ફરાર

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગુનો નોંધી લૂંટારુઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી

કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામમાં વ્યવસાયોની સાથે ગુન્હાહિત બનાવોમાં પણ વિકાસ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે, ગત તારીખ 2ના રાત્રિએ ટ્રાન્સપોર્ટ કર્મચારીઓને છરી બતાવી બાઈક પર આવેલા બે બાઈક સવારોએ રૂ.21500ની મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી નાશી ગયા હોવાની ઘટના એ ડિવિઝન મથકે નોંધાઇ છે.

બનાવની માહિતી અનુસાર પબુદાદા ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતો સંજય ચૌધરી નામનો યુવાન સહ કર્મચારી મહેશ હેઠવાડિયા સાથે ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરને એડવાન્સ રૂ.1300 આપી બાઈક પર પરત ફરી રહ્યો હતો, ત્યારે ગત તારીખ 2/10ની રાત્રિએ શહેરના આરતી રોડ પર જૈન ભોજનાલય નજીક એક બાઈકે તેમની મોટર સાયકલને ટક્કર મારતા બન્ને કર્મી માર્ગ પર નીચે પડી ગયા હતા, ત્યારબાદ ટક્કર મારનાર બાઈક પરના બે અજાણ્યા શખ્સોમાં પીળા કલરના શર્ટ વાળા ઇસમે ફરિયાદીને થપ્પડ મારી દીધી હતી જ્યારે સાથેના અન્ય કાળું ટી શર્ટ પહેરેલા શખ્સે છરી બતાવી ઓપો કંપનીનો રૂ. 12800ની કિંમતનો મોબાઈલ ફોન અને રોકડા રૂ. 8700 લૂંટીને ફરાર થઈ ગયા હતા. લૂંટારુઓની વ્યાપક શોધખોળના અંતે ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ કચ્છના અંજારમાં કાર સાથે બાઈક ટકરાવી આંગડિયા સંચાલક પાસેથી રૂ. 62 લાખની લૂંટનો ભેદ વણ ઉકેલ્યો છે. તો આદિપુર પાસેના અંતરજાળમાં પણ આંગડિયા પેઢીના સંચાલકની કારમાં બાઈક ટકરાવી લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો હતો તે બનાવમાં હજુ સુધી કોઈ આરોપી ઝડપાયા નથી.

અન્ય સમાચારો પણ છે...