કોરોનાનો કહેર:કોરોનાથી બીજું મોત, આધેડે દમ તોડ્યો

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇથી દરશડી આવેલા દર્દી હોમ ક્વોરન્ટાઇન હતા
  • ભુજની જીકેમાં ટૂંકી સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા
  • મૃતકને જેની જાણ નહતી તે ડાયાબિટીસનો રિપોર્ટ પણ પોઝિટિવ

મુંબઇથી માંડવી તાલુકાના દરશડી આવેલા 52 વર્ષના આધેડને શ્વાસ લેવામાં તકલીફ થતાં મંગળવારની મોડી રાત્રે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ટૂંકી સારવાર બાદ તેમણે બુધવારના રાત્રે 9 વાગ્યાના અરસામાં દમ તોડ્યો હતો.  તેની સાથે કચ્છમાં કોરોનાના કારણે બીજું મોત થયું હતું. આ પહેલાં માધાપરના વૃધ્ધનો એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં જનરલ હોસ્પિટલમાંજ જીવનદીપ બુઝાયો હતો. દરમિયાન અબડાસાના સાંધાણના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  દરશડીમાં હોમ ક્વોરન્ટાઇન કરાયેલા ઇશ્વરલાલ ડાયાલાલ પટેલને મંગળવારે રાત્રે 1 કલાકે શ્વાસ લેવામા તકલીફ હોવાની ફરિયાદ સાથે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની હાલત નાજૂક બનતાં રાત્રે 3 વાગ્યે વેન્ટીલેટર સાથે સારવાર શરૂ કરાઇ હતી તેમ છતાં હાલતમાં કોઇ સુધારો જણાયો ન હતો અને બુધવારે રાત્રે 9.22 કલાકે પથારી પર દમ તોડ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીના જણાવ્યા મુજબ સાંજે આ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એક્યૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ સાથે દાખલ કરાયેલા મૃતકનો બુધવારે જ ડાયાબિટીસ ટેસ્ટ કરાયો હતો તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જો કે, દાખલ કરાયા ત્યારે દર્દી  અને પરિજનોને મધુપ્રમેહની બીમારી વિશે જાણ ન હતી. 

સાંધાણના યુવાનને કોરોનાનો ભરડો 
કચ્છમાં સતત બીજા દિવસે બે પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં દરશડીના દર્દી મોતને ભેટ્યા હતા તે ઉપરાંત અબડાસા તાલુકાના સાંધાણના 30 વર્ષના યુવાનને પણ કોરોનાએ ચપેટમાં લીધો હતો. મહારાષ્ટ્રથી આવેલો આ યુવાન કવોરન્ટાઇન પીરિયડમા હતો. આમ વધુ નવા બે કેસ સાથે કચ્છમાં કોરોનાનો કુલ્લ આંક ઝડપભેર 71 પર પહોંચ્યો હતો. જે પૈકી 2 દર્દીના મોત થયા છે. દરમિયાન આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા બન્ને અસરગ્રસ્ત ગામને ક્વોરન્ટાઇન કરવા સહિતના પગલા લેવાયા હતા. 

અન્ય સમાચારો પણ છે...