કોરોના રસીકરણ:કોરોના મુક્ત કચ્છમાં વધુ 20 હજારને રસી અપાઇ

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અત્યાર સુધી 7.55 લાખ ડોઝ અપાયા

કચ્છમાં ગુરુવારે કોરોનાનો નવો અેકેય પોઝિટિવ કેસ નોંધાયો નથી, જેથી હોસ્પિટલમાં અેકેય દર્દી નથી. જોકે, કોરોના મુક્ત કચ્છમાં વધુ 20062 વ્યક્તિને કોરોના સામે રક્ષણ અાપતી રસી અાપવામાં અાવી હતી. અામ, હવે કચ્છમાં હજુ સુધી 7 લાખ 55 હજાર 245 ડોઝ અપાઈ ગયા છે.

જિલ્લામાં હજુ સુધી કુલ 12597 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં હજુ સુધી કુલ 12485 દર્દી સાજા થઈ ગયા છે, જેથી 112 દર્દીના મોત હોવા જોઈઅે. પરંતુ, જિલ્લા પંચાયતના વહીવટી વિભાગે 282 દર્દીના મોત બતાવ્યા છે, જેથી 170 દર્દી ક્યારે દાખલ ગયા અને ક્યારે અેમના સારવાર દરમિયાન મોત થયા અે સ્પષ્ટ થતું નથી. જોકે, મોતના અાંકડાનું જુઠ્ઠાણું જ ગવાય છે, જેથી બાકીના અાંકડાઅે પણ વિશ્વસનીયતા જોઈ નાખી છે. હવે વાત રહી રસી લેનારાની સંખ્યાની તો ગુરુવારે વધુ 20062 વ્યક્તિને કોરોના સામે રક્ષણ અાપતી રસી અપાઈ હતી, જેમાં અબડાસામાં 934, અંજારમાં 2739, ભચાઉમાં 656, ભુજમાં 3545, ગાંધીધામમાં 4800, લખપતમાં 450, માંડવીમાં 1611, મુન્દ્રામાં 2776, નખત્રાણામાં 1070, રાપરમાં 1481 વ્યક્તિનો સમાવેશ થાય છે.

બુધવારે સારવાર હેઠળના એકમાત્ર કોરોના દર્દીને રજા અપાતા કચ્છ કોરોનામાંથી મુક્ત થયો છે ત્યારે હવે સંભવિત ત્રીજી લહેરના ખતરા વચ્ચે જિલ્લાવાસીઓએ માસ્ક, સામાજિક અંતર સહિત કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું અનિવાર્ય છે.

અન્ય સમાચારો પણ છે...