અત્યાર સુધી 220 કિલોવોટના એકજ વીજ સબસ્ટેશન પર નભતા અંજારને 15 કરોડના ખર્ચે 66 કેવીના બે સબ સ્ટેશન મળશે. આ પૈકીના એક એસએસનું તા. 21/2ના લોકાર્પણ કરાશે જ્યારે બીજા સબ સ્ટેશનનું ભૂમિ પૂજન થશે. નવા સબસ્ટેશન કાર્યરત થયેથી હાલે એકમાત્ર એસએસ પરનો ભાર હળવો થતાં શહેરીજનોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળશે.
ગોવર્ધન નંદી શાળાની બાજુમાં 10 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 66 કેવી સબસ્ટેશનનું પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના હસ્તે સવારે 10.30 કલાકે ભૂમિ પૂજન કરાશે જ્યારે સાંજે 4 વાગ્યે ચાંદ્રાણીમાં 5.50 કરોડના ખર્ચે બનેલા 66 કેવી એસએસનું લોકાર્પણ કરાશે. ખાત મુહૂર્ત થવાનું છે એ સબસ્ટેશનમાંથી નવા 7 ફીડર નીકળશે જેમાં 15500 જેટલા ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પડાશે
જ્યારે ચાંદ્રાણીના એસએસમાંથી નીકળારા 5 ફીડરમાંથી 1300 ઉપભોક્તાને પાવર આપવામાં આવશે. પાંચ પૈકીના એક સબસ્ટેશનમાંથી ખેતીવાડીને વીજ પુરવઠો પૂરો પડાશે. બંને નવા સબસ્ટેશન કાર્યરત થયેથી અડધા શહેરને તેમાંથી વીજ પુરવઠો પૂરો પાડવમાં આવશે જેથી વારંવાર સર્જાતી વીજ વિક્ષેપની સમસ્યામાંથી લોકોને છૂટકારો મળશે.
ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં ત્રિકમદાસ મહારાજ, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ મંત્રી વલ્લમજી હુંબલ, અંજારના નગરપતિ લીલુબેન પ્રજાપતિ, તાલુકા પંચાયતના પ્રમુખ રાજીબેન હુંબલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.