તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગીતા રબારીને ઘર પર વેક્સિન આપનાર આરોગ્યકર્મીના બચાવમાં આવ્યું આરોગ્ય કર્મચારીઓનું સંગઠન

ભુજ3 મહિનો પહેલા
  • જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આરોગ્યકર્મીનો પૂછાયો છે ખુલાસો

કચ્છના ઢોરી ગામના અને હાલ માધાપર રહેતા ગુજરાતી લોકગાયિકા ગીતા રબારીને ઘર બેઠા વેક્સિનેસનનો મામલો વિવાદાસ્પદ બની ગયો છે. અને લોક દબાણના કારણે આરોગ્ય કર્મીના યોગ્ય જવાબ માટે ખુદ જિલ્લા વિકાસ અધિકારી રાહ જોઈ રહ્યા છે. તો વિવાદમાં અજાણતાજ સામેલ થઈ ગયેલા મહિલા આરોગ્ય કર્મીની તરફેણમાં આરોગ્ય ખાતાના કર્મચારી સંગઠનના સભ્યો જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળ્યા હતા અને પોતાની વાત રાખી હોવાનું જાણવા મળ્યું હતું.

પોતાની વગના આધારે માત્ર પ્રસિદ્ધિ હેતુ વેક્સિનેશનની જાહેરાત સોશિયલ મીડિયા પર કરાતા ખુદ ડીડીઓએ ગાયિકા પ્રત્યે નારાજગી દર્શાવી હતી.બે દિવસ પૂર્વે શનિવારે માધાપરના મહિલા આરોગ્ય કર્મીને ઘરે બોલાવી કોરોના વિરુદ્ધની રસી મુકાવા અને તેની જાહેરાત કરવા બદલ ગુજરાતી લોકગીત ગાયિકા ગીતા રબારી અને તેમના પતિના કારણે હવે આરોગ્ય કર્મચારીના કાર્ય પર સવાલ ઉભા થઇ રહ્યા છે. જેના કારણે આરોગ્ય કર્મચારીની નોકરી પર ખતરો પણ ઉભો થઈ રહ્યો છે.

કચ્છના જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા સાથે આ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે,માધાપર આરોગ્ય વિભાગમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી દ્વારા જે ગાયિકા ગીતા રબારીના ઘરે જઈને કોરોના રસી આપી છે તેના માટે તેમનો જવાબ લેવામાં આવ્યો હતો. આ જવાબમાં તેમના દ્વારા એક બે મુદ્દે ખુલાસો આપ્યો હતો, પરંતુ તે સંતોષજનક ન લાગતા આજે ફરી તેમને ક્યાં કારણોસર અને કઈ પરિસ્થિતિના કારણે તેમણે ગીતા રબારી અને તેમના પતિને ઘરે જઈને રસી આપી હતી તે અંગે ખુલાસો પૂછાયો છે.

ગીતા રબારી જાણીતા ગાયિકા છે તો કચ્છમાં 18+ના એક લાખ અને 44+ના કુલ 3 લાખ લોકોએ જે રીતે કેન્દ્ર પર જઈને રસી મુકાવી છે. એ રીતે તેઓ પણ મુકાવી શક્યા હોત. એમના દ્વારા જો આમ કરવામાં આવ્યું હોત તો તે અન્ય લોકો માટે પ્રેરણાદાયી બની શકે તેમ હતું. પરંતુ તેમના દ્વારા સરકારની ગાઈડલાઈન વિરુદ્ધ આ રીતે રસી મુકાવી અને કાયદાની અવગણના કરવામાં આવી છે તે આયોગ્ય છે. જો કાયદકીય રીતે આ પ્રકારના બનાવમાં કોઈ જોગવાઈ હશે તો જરૂર તપાસ બાદ કાર્યવાહી થઈ શકે છે.

વેકસીનેસન ફોર હોમનો મામલો અત્યારે કચ્છ જિલ્લાના સોશિયલ મીડિયા પર ખૂબ રંગ જમાવી રહ્યો છે. અને પ્રજા ગીતા રબારીની આ હરકત અને તંત્રના અભિગમ પ્રત્યે ભારે માર્મિક કટાક્ષ કરી રહ્યા છે. અને ક્યાંકને ક્યાંક આ ઘટના પાછળ રાજકારણ જવાબદાર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અને તેનો ભોગ મહિલા આરોગ્યકર્મી બની રહ્યાનું કહેવાઈ રહ્યું છે. તો આ કર્મીના કારણે તંત્રને જવાબ દેવા મેદાનમાં ઉતરવું પડી રહ્યું છે. એટલે કહી શકાય કે ખુદ તંત્ર હાલતો ધર્મસંકટનની પરિસ્થિતિમાં મુકાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...