રસીની રફતાર ઘટી:15 દિવસમાં સરેરાશ 8394 ને રસી અપાઈ, જ્યારે અગાઉ 13, 505 લોકોને અપાતી હતી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બે દિવસથી ડોઝના અભાવે 0 વેક્સિનેશન

કચ્છ જિલ્લામાં મતદારયાદી પ્રમાણે 16,38,318 લોકોને કોરોના વિરોધી રસી આપવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે,જેની સામે અત્યારસુધી 13.96 લાખ લોકોએ પ્રથમ ડોઝ જ્યારે 5.95 લાખ લાભાર્થીઓને બીજો ડોઝ અપાઈ ચુક્યો છે.જોકે જિલ્લામાં રસીકરણની 100 ટકા કામગીરીનો લક્ષ્યાંક હતો પરંતુ લાભાર્થીઓ મુશ્કેલથી મળતા હોવાથી હાલમાં પ્રથમ ડોઝની 85 ટકા કામગીરી થઈ શકી છે.દરમિયાન છેલ્લા પખવાડિયાથી કચ્છમાં રસીકરણની રફતાર પણ ઘટી ગઈ છે.

ગત મહિને 16 થી 30 સપ્ટેમ્બર સુધીના પખવાડિયા દરમિયાન જિલ્લામાં 2,02,588 લોકોને રસી અપાઈ હતી જેમાં દૈનિક સરેરાશ 13,505 લાભાર્થીને ડોઝ મળ્યા હતા.જેની સામે 1 થી 15 ઓક્ટોબર સુધીના પખવાડિયામાં 1,25,911 લોકોને કોરોના વિરોધી રસીના ડોઝ મળતા સરેરાશ રસીકરણ 8394 થયું છે.

બે પખવાડિયાની સરેરાશ જોઈએ તો 5,111 લોકોનું દૈનિક રસીકરણ અગાઉની સરખામણીએ ઘટી ગયું હોવાનું કોવિન પોર્ટલ પરથી જાણવા મળ્યું છે. દશેરાના દિવસે રજા હોવાથી રસીકરણ શુન્ય હતું તો ડોઝના અભાવે શનિવારે પણ કામગીરી બંધ હતી. આજે પણ આજ પરિસ્થિતિ રહે તેવી સંભાવના વચ્ચે સોમવારે ડોઝ આવશે તેવું સુત્રોએ જણાવ્યું હતું.

રસીકરણ ઘટવા પાછળના કારણો
રસીકરણની રફતાર ઘટવા પાછળના કારણો ચકાસીએ તો જિલ્લામાં મહત્તમ લોકોએ ડોઝ મુકાવી લીધા છે અને જે બાકી છે તેમની સેકન્ડ ડોઝ માટેની મુદત આવી નથી ઉપરાંત જે લાભાર્થીઓ રસી લેવા તૈયાર છે તેમને ડોઝની અછતના કારણે વેકસીન મળતી નથી તે પણ એક હકીકત છે.અને શહેરોની ગલીઓ અને ગામડાઓની શેરીઓ ખૂંદી વળયા બાદ આરોગ્ય કર્મચારીઓ પણ હવે થાકી ગયા છે.

મેગાડ્રાઇવ વખતે ડોઝ ઉપલબ્ધ,અન્ય દિવસોમાં નહિવત
જિલ્લામાં જ્યારે રસીકરણની મેગાડ્રાઇવ હોય ત્યારે 20 હજારથી 62 હજાર લોકોને એક જ દિવસમાં રસી અપાઇ છે પરંતુ મેગા ડ્રાઇવ બાદ ચાર કે પાંચ દિવસ સુધી રસીકરણનો આંક ઓછો હોય છે ઉપરાંત મેગા ડ્રાઇવ સિવાયના દિવસોમાં પણ માત્ર 5 કે 10 હજાર લોકોને વેકસીન મળતી હોય છે.મેગાડ્રાઇવમાં ભલે સામટી રસી અપાય પણ સામાન્ય દિવસોમાં કેન્દ્રો પર પૂરતા ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવે તે પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...