ભાઈ બહેનના પવિત્ર બંધનનો તહેવાર એટલે રક્ષાબંધન જેને ઉજવવા બહેનો પોતાના ભાઈ માટે અગાઉથી જ અવનવી રાખડીની ખરીદી કરી લે છે, આ પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પવિત્ર રક્ષાબંધન માટે પવિત્ર ગણાતા ગાયના છાણમાંથી તૈયાર થતી રાખડીઓની માંગ આ વખતે ખૂબ વધી ગઈ છે.
ભુજ તાલુકાના કુકમાં ગામ ખાતે આવેલા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ગાયના ગોબરમાંથી વૈદિક રાખડી બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. હિન્દુ સભ્યતામાં ગાયનું ધાર્મિક દ્રષ્ટિએ તો મહત્વ રહેલુ જ છે. સાથે સાથે વૈજ્ઞાનિક કારણે પણ ગાય અને ગાયના દૂધ તથા તેમાંથી બનતી અન્ય વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ખૂબજ હિતકારી હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. ત્યારે ના માત્ર ગાયનું દૂધ પરંતુ ગૌ મૂત્ર અને ગાયના છાણ પણ ફાયદારૂપ છે. અને આ માટે ગૌ સંવર્ધન અને તેના માહત્મ્ય વધારવા હેતુ ટ્રસ્ટ દ્વારા ખાસ વૈદિક રાખડીની રચના કરવામાં આવી છે. અને આ વખતે 10 થી 12 હજાર જેટલી અવનવા આકરની રંગબેરંગી રાખડીઓ ભાઈના કાંડે બાંધવા તૈયાર કરવામાં આવી રહી છે.
સંસ્થાના મુખ્ય પ્રબંધક જયભાઈ જેઠવાએ તેમના કેન્દ્ર દ્વારા ગાય ઉપાર્જનના વિવિધ કાર્યો અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વોકલ ફોર લોકલના નારાને પ્રાધાન્ય આપી સ્થાનિક ઉત્પાદન કરતી ચીજ વસ્તુઓના ઉપયોગ માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, તે અનુસાર ચાઈનીઝ અને પ્લાસ્ટિકની રાખડીના ચલણ સામે અમે ગાયના મહત્વ સમજાવવા ગાયના છાણમાથી રાખડી બનાવવાની શરૂઆત કરી હતી. આજે ચોથા વર્ષે આ રાખડીની માંગ ખૂબ વધી ગઈ છે. અને તેના કાર્યમાં કારીગરો સતત જોતરાયેલા રહે છે.
અમારી સંસ્થા ગૌ શાળા હેઠળ 400 જેટલી ગાયનું પાલન કરી રહી છે. તો ગ્રામોદ્યોગ હેઠળ વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરાય છે. જેમાં ગૌ મૂત્ર દ્વારા અર્ક તેમજ સાબુ અને આયુર્વેદિક દવાઓ પણ બનાવવામાં આવે છે. વિશેષમાં દર માસની 12, 13 અને 14 તારીખના રોજ ગાય આધારિત સજીવ ખેતી સંશોધન હેઠળ તાલીમ શિબિરનું આયોજન કરાય છે. તેમાં કચ્છ, ગુજરાત અને સમગ્ર દેશભરમાંથી ખેડૂતો ભાગ લેવા આવે છે. તેમને વિનામૂલ્યે રહેવા જમવાની વ્યવસ્થા કેન્દ્ર દ્વારા કરી આપવામાં આવે છે. હાલ સંસ્થામાં 70 જેટલા સ્થાનિક ભાઈ બહેનો કામ કરી પોતાનો રોજગાર મેળવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.