તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છી નવું વર્ષ:કચ્છમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ અમી છાંટણા ,દેશલપર (વાં.)માં 1, દરશડી-મુન્દ્રામાં અડધો ઇંચ

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
દેશલપર - Divya Bhaskar
દેશલપર
  • જિલ્લાના 6 તાલુકામાં વરસાદી ઝાપટાંથી પાણી વહી નીકળ્યા
  • બે દિવસથી ભારે બફારા બાદ રવિવારે સાંજે વાતાવરણમાં પલટો
  • અાજે અષાઢી બીજે વ્હાલીડો ન્યાલ કરે તેવી કચ્છના ખેડૂતોમાં અાશા

કચ્છી નવું વર્ષ અષાઢી બીજથી કચ્છમાં ચોમાસું શરૂ થયાનું જિલ્લાવાસીઅો માનતા હોય છે ત્યારે કચ્છમાં બે દિવસના ભારે ગરમી અને બફારા બાદ રવિવારે સાંજે વાતાવરણમાં પલટો અાવ્યો હતો અને કચ્છી નવા વર્ષ અષાઢી બીજની પૂર્વ સંધ્યાઅે ભુજ તાલુકાના દેશલપર (વાંઢાય)માં ગાજવીજ સાથે અેક કલાકમાં અેક ઇંચ, માંડવી તાલુકાના દરશડી અને મુન્દ્રામાં અડધો ઇંચ, તો જિલ્લાના અન્ય વિસ્તારોમાં અાશાભર્યા અમી છાંટણારૂપે મેઘરાજાઅે હાજરી પૂરાવી હતી.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટવાની સાથે પવનની ઝડપ વધતાં ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા. જો કે, બે દિવસથી અસહ્ય ગરમી, ભારે બફારા સાથે ભેજનું પ્રમાણ વધતાં વરસાદની અાશા બંધાઇ હતી તેવામાં રવિવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો અાવ્યો હતો અને ભુજ તાલુકાના દેશલપર (વાંઢાય)માં કડાકા-ભડાકા સાથે અેક કલાકમાં 1 ઇંચ વરસાદ વરસી ગયો હતો અને અાસપસાના ગામોમાં પણ મેઘરાજાઅે ઝાપટાંરૂપે હાજરી નોંધાવી હતી.

કચ્છી નવા વર્ષ અષાઢી બીજની પૂર્વ સંધ્યાઅે જિલ્લા મથક ભુજ તેમજ અંજાર, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા સહિતના તાલુકાના અમુક ગામોમાં અાશાભર્યા અમી છાંટણા વરસતાં માર્ગો ભીના થયા હતા તો કયાંક વરસાદી ઝાપટાથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા અને સમગ્ર કચ્છમાં સચરાચર વરસાદ પડે તેવી અાશા ખેડૂતોમાં જાગી છે.

માંડવી તાલુકાના ગઢશીશામાં સાંજે 7 વાગ્યાની અાસપાસ પ્રારંભે મીની વાવાઝોડા બાદ કડાકા-ભડકા સાથે વરસાદ વરસવો શરૂ થયો હતો, જેના કારણે શહેરની બજારોમાંથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા. ઉપરાંત તાલુકાના બિદડા, રાજપર, ગાંધીગ્રામ, રામપર વેકરા, નખત્રાણા તાલુકાના કોટડા રોહા, ભીટારા, મુન્દ્રા તાલુકા ડેપા, ઝરપરા, ભુજ તાલુકાના થરાવડા સહિતના ગામોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો.

મેઘરાજાએ છડી પોકારતા લોકોમાં ખુશાલી જોવા મળતી હતી. આખા દિવસના ઉકળાટ બાદ ઠંડો પવન વાયો હતો અને સાંજે ઘોર અંધકાર થઇ ગયું હતું. સાંજના સાત વાગ્યાના અરસામાં અબડાસા તાલુકાના રાતા તળાવ, નરેડી, ભીટારા, ચિયાસર, મંજલ, રાયધણજર સહિતના મોટા ભાગના ગામોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. રાયધણજરના ઉમરભાઈએ જણાવ્યું હતું કે, હમણાં એકાદ બે ઇંચ વરસાદની ખાસ જરૂર છે.

સાંજના સમયે અંજાર તાલુકાના ચાંડ્રોડા તેમજ આસપાસના વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા હતા. તો બીજી તરફ અંજાર શહેરમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો પરંતુ પવનની ગતિના કારણે વરસાદ ખેંચાઈ ગયો હતો.

ભુજ, ગાંધીધામમાં વાદળછાયું વાતાવરણઃ બફારાથી લોકો અકળાયા
જિલ્લા મથક ભુજ ગાંધીધામ, આદિપુરમાં છેલ્લા બે દિવસની જેમ રવિવારે પણ વાદળછાયું વાતાવરણ બની રહ્યું હતું. વરસાદ પડ્યો ન હતો. આ વચ્ચે બફારાના અનુભવના કારણે ગરમીથી લોકો અકળાઈ ઉઠ્યા હતા. કેટલાક દિવસોથી સારા પ્રમાણમાં રહેલા પવનની ગતિ પણ શાંત પડતા બફારાથી વરસાદની અાશા જાગી છે.

કચ્છમાં અાજથી શુક્રવાર સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની અાગાહી
હવામાન વિભાગે કચ્છી નવા વર્ષ અષાઢી બીજ ને સોમવારથી તા.16-7, શુક્રવાર સુધી કચ્છમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અાગાહી કરી છે. વરસાદ શરૂ થવાની સાથે પવનની ગતિ 30થી 40 કિ.મી. પ્રતિ કલાક રહેશે, જે વરસાદ બંધ થતાની સાથે સામાન્ય થઇ જશે. હવામાન વિભાગની આગાહીથી કચ્છી નવા વર્ષ અષાઢી બીજના દિવસે સમગ્ર કચ્છમાં મેઘરાજા મનમુકીને વરસે તેવી જિલ્લાવાસીઓમાં આશા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...