કામગીરી:માતૃભૂમિનુ ઋણ ચુકવવા અમેરિકન કચ્છીએ 50 ઓકિસજન કોન્સન્ટ્રેટર દાનમાં આવ્યા

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિદડાની હોસ્પિટલની સાથે કચ્છના 8 તાલુકામાં નકકી કરેલા 17 સેન્ટરો પર વિતરણ કરાશે

વર્તમાન મહામારી કોવિડ–19ની પરિસ્થિતિને અનુલક્ષીને જયારે કચ્છના કોરોનાના દર્દીઅોને ઓકિસજનની અછત ઉભી થઈ છે ત્યારે અમેરિકાના દાતાઓઅે આ ગંભિર પરિસ્થિતિને પહોંચી વળવા માટે પહેલ શરૂ કરી છે. અમેરિકા સ્થિત મુળ માંડવી કચ્છના મનુભાઈ શાહે પોતાના માદરે વતન પ્રત્યેનું માતૃભૂમિનું ઋણ ચૂકવવા અને કોરોનાગ્રસ્ત દરદીઓની સેવાર્થે શાહ ફેમેલી ગ્લોબલ પ્રોજેકટના સહકારથી સર્વ મંગલ ફેમેલી ટ્રસ્ટ અને એમ. એસ. આઈ ચેરિટેબલ ટ્રસ્ટ (અમેરિકા) ઘ્વારા કચ્છ તેમજ ભારતભરના દર્દીઓ માટે બિદડા સર્વોદય ટ્રસ્ટને 50 ઓકિસજન કોન્સન્ટ્રેટર (ઓકિસજન મશીન) મોકલાવ્યા હતા. જે યુનિટોનું બિદડા સર્વોદય ટ્રસ્ટ ધ્વારા કચ્છના 8 તાલુકામાં નકકી કરેલા 17 સેન્ટરો પર છેવાડાના દર્દીઅો માટે વિતરણ કરવામાં આવશે.

ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ જણાવ્યું હતું કે ઓકિસજનના બોટલની તંગી અને રીફીલીંગ માટે થતી અગવડ વચ્ચે કચ્છની પ્રજાને આ આફતની ઘડીમાં આ ઓકિસજન કોન્સન્ટ્રેટર ઉપયોગી બની રહેશે. ફકત એક સ્વીચ દબાવી ઈલેકટ્રીકથી ચાલતા આ મશીન ઓપરેટ કરવું ખૂબજ સરળ છે. ટ્રસ્ટ ધ્વારા નકકી કરેલા કચ્છના ગામડાઓ પૈકી માંડવી, ભુજપુર, પત્રી, ગઢશીશા, ભુજ, ઘોરડો, નખત્રાણા, નિરોણા, મોટા યક્ષ, અબડાસા, લખપત, ડુમરા, કોઠારા, નલિયા, પાન્ધ્રો, ઘડુલી, આદિપુર, ગાંધીધામના સેન્ટરો પર ઓકિસજન મશીન પ્રાપ્ત કરવા દરદીઓને સ્થળ અને કોન્ટેકટ નંબરની માહિતી આપવામાં આવશે. વધુ માહિતી માટે હોસ્પિટલના 9687982444 નંબર ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું. બિદડા હોસ્પિટલ મધ્યે આવેલા 50 ઓકિસજન કોન્સન્ટ્રેટર સાથે ચેરમેન સાથે, અનંતરત્નાશ્રીજી મારાજ, મેનેજર ભરત સંગાર, મેહુલ ગોર તથા સૈયદ ગુલામ મુસ્તફા હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...