અબડાસાના કોઠારાની પ્રથમ હાઈસ્કૂલ જી.ટી.હાઈસ્કૂલમાં બે દાયકા પૂર્વે અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું હતું. અબડાસા પંથકમાં શિક્ષણની "મીઠી વીરડી" તરીકે જાણીતા અને શિક્ષણના હબ કહેવાતા કોઠારાની જી.ટી. હાઈસ્કૂલમાં શાળા સંસ્મરણોને વાગોળવા માટે વર્ષ 1960થી 2000 સુધીના ચાર દાયકામાં અભ્યાસ કરી ગયેલા હજારો વિદ્યાર્થીઓમાંથી સેંકડો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં એકત્રિત થયા હતા. આ વેળાએ સર્વે વિદ્યાર્થીના અને શિક્ષકોના હરખના આંસુ વહી નીકળ્યા હતા.
આજથી લગભગ દોઢસો વર્ષ પહેલા ગુલામીનો સમય હતો. ત્યારે અબડાસા પંથકના લોકો ધંધાર્થે મુંબઈ તરફ પ્રયાણ કરતા હતા અને ધંધાર્થે મુંબઈ સ્થાયી થયેલા હોવા છતાં માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે તેઓ સદાય તત્પર રહેતા હતા. જેના અંતર્ગત આજથી લગભગ 157 વર્ષ પહેલા, વિદ્યાર્થીઓ પોતાના વિસ્તારમાં જ શિક્ષણ મેળવી શકે તેવા શુભ આશયથી શેઠ ગોકુલદાસ તેજપાલે પોતાનો બંગલો શિક્ષણના હેતુ માટે સમર્પિત કર્યો હતો. ત્યારથી કોઠારામાં શિક્ષણની શરૂઆત થઈ હતી. જ્યાં ગામના વિદ્યાર્થીઓ ગુજરાતી શિક્ષણ મેળવતા શરૂ થયા હતા.
તત્કાલીન સમયે અંગ્રેજી ભાષા શીખવા માટે માંડવી, ભુજ અથવા મુંબઈ સુધી જવું પડતું. જે ત્યારના સમયે ખૂબ જ મુશ્કેલ હતું. શેઠ ગોકુલદાસ તેજપાલની કોઠારાની મુલાકાત વખતે સ્થાનિક લોકો દ્વારા વિદ્યાર્થીઓને અંગ્રેજી શિક્ષણમાં પડતી મુશ્કેલીઓનો ચિતાર રજૂ કરવામાં આવતાં, તે જ સમયે અંગ્રેજી શિક્ષણ શરૂ કરવા માટેના નિર્દેશો આપી દેવામાં આવ્યા હતા અને અંગ્રેજી શિક્ષણની પણ શરૂઆત થઈ હતી.
વર્ષ 1947ની આસપાસ કચ્છમાં પ્રથમ ચાર હાઈસ્કૂલની શરૂઆત થઈ હતી. જેમાંની એક શાળા કોઠારાની જી.ટી. હાઈસ્કૂલ હતી. ત્યારથી આજદિન સુધી જી.ટી.હાઇસ્કુલે શિક્ષણની અખંડ જ્યોત જલાવી રાખી છે. માત્ર અબડાસા તાલુકો જ નહીં પણ માંડવી, ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રા, મોરબી સહિતના તાલુકાના વિદ્યાર્થીઓ આ હાઈસ્કૂલમાં ધોરણ 10માં એડમિશન મેળવવા માટે પડાપડી કરતા હતા અને વર્ગ ખીચોખીચ થઈ જતા.
આ શાળાની એક ખાસિયત એ હતી કે, દાયકાઓ અગાઉ શાળા સમય બાદ શિક્ષકો દ્વારા કોઈ પણ પ્રકારના વધારાના વેતનની અપેક્ષા રાખ્યા સિવાય, વિદ્યાર્થીઓને વિનામૂલ્યે એક્સ્ટ્રા ક્લાસ કરીને શિક્ષણ કોચિંગ કરાવવામાં આવતું હતું. જેના ફળ સ્વરૂપે 90થી 95 ટકા જેટલું બોર્ડનું પરિણામ આવતું.
છાત્રાલયમાં આવતા નવા વિદ્યાર્થીઓને ઘરથી પ્રથમ વખત દૂર થવાના કારણે વિદ્યાર્થીઓને એકલવાયું લાગે તો શાળાના મહિલા શિક્ષિકાઓ દ્વારા વિદ્યાર્થીઓને માતૃવાત્સલ્ય આપવામાં આવતો. રક્ષાબંધનના દિવસે જે વિદ્યાર્થીઓ પોતાના ઘરે જઈ શકતા ન હતા, તેવા વિદ્યાર્થીઓને, શાળાના શિક્ષિકાઓ વિજયાબેન ગઢવી અને સરલાબેન જોશી જાતે બજારમાંથી રાખડી લઈ આવતા અને વિદ્યાર્થીઓને પોતાના હાથે રાખડી બાંધીને એક બહેનની ભૂમિકા ભજવતા હતા.
શાળાના તત્કાલીન આચાર્ય પ્રભાતસિંહ જાડેજા સાહેબને રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક અને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષકના પારિતોષિકો મળી ચૂક્યા છે. આ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓનું શૂન્યમાંથી સર્જન થયું છે, એમ કહીએ તો એમાં સહેજ પણ અતિશયોક્તિ નથી. ધારાસભ્ય, કલેક્ટર, ઇજનેર, સેક્શન અધિકારી, વર્ગ-1ના અધિકારી, સફળ વેપારીઓ, ઉદ્યોગ સાહસિકોથી લઈને અનેક પ્રકારના વ્યવસાયકારો આ શાળાએ આપ્યા છે. અબડાસા તાલુકાની વાત કરીએ તો સૌથી વધુ શિક્ષકો આ શાળાએ જ આપ્યા છે.
કોઠારાની આ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ગયેલા તમામ વિદ્યાર્થીઓ એક સમયે, એક મંડપ નીચે એકત્રિત થઈને પોતાના સંસ્મરણો વાગોળે તેવો વિચાર શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સોમચંદભાઈને આવ્યો હતો. આ વિચારને સાર્થક કરવા તેમણે મૂકેલા સુઝાવને એક પ્રચંડ જન સમર્થન મળ્યું હતું. તેમજ 14 એપ્રિલ તથા 15 એપ્રિલના બે દિવસો દરમિયાન રેઆણ-મેળાવડો- સ્નેહમિલનમાં લગભગ 1100થી પણ વધારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એકત્રિત થઈને પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા.
પ્રથમ દિવસે વ.ક.ના છાત્રાલયથી જી.ટી. હાઈસ્કૂલ સુધી પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમૂહ પ્રાર્થના, સ્વાગત ગીત, વિદ્યાર્થીઓનું વર્ગખંડમાં ગેટ ટુ ગેધર, ગ્રામ્ય દર્શન, રાસ ગરબા, વિદ્યાર્થીઓનું શાળા પ્રત્યે ઋણ સ્વીકાર સ્વરૂપે પ્રતિભાવ, ગુરૂ વંદના જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ગુરૂવંદના સમયે તમામ વિદ્યાર્થીઓએ સ્ટેન્ડિંગ મોડમાં રહીને ગુરૂ પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કરતા, ગુરૂજનોની આંખમાં હરખના આંસુ વહી નીકળ્યા હતા. જેના કારણે એક સમયે કરૂણાસભર દ્રશ્યો પણ જોવા મળ્યા હોવાનું નાના અંગીયના બાદલ જોશીએ જણાવ્યું હતું.
બંને દિવસો દરમિયાન સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી, અધ્યક્ષશ્રી, આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ, પ્રો. ડૉ. જયરાજસિંહ જાડેજા કુલપતિ, ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા. કચ્છ યુનિવર્સિટીના મનોજભાઈ સોલંકી, ચેરમેન રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાના ગીરીશભાઈ શાહ, પ્રમુખ સમસ્ત મહાજન પ્રણેતા ગ્લોબલ કચ્છ વિકાસ તેમજ અબડાસાના ડેપ્યુટી કલેકટર પ્રવિણસિંહ જેતાવત ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા નામી અનામી દાતાઓ તેમજ દિવસ રાત જોયા વિના અનેક વિદ્યાર્થીઓએ જહેમત ઊઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન જગદીશ ગોર "શરમાળ" અને આભારવિધિ પ્રબોધભાઈ ભાઈ મુનવરે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.