તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ફંગસ બાદ ઓક્સિજન આપવામાં બેદરકારીથી વેપારીના મોતનો આક્ષેપ

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ ખસેડતી વખતે મીઠાઇના વેપારીને ખાલી સિલિન્ડરનું માસ્ક લગાડી દેવાયું
  • વેન્ટિલેટર પર મેડીકલ કોલેજના શીખાઉ છાત્રોના હવાલે કરી દેવાયાનો આરોપ

ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં મ્યુકર માઈકોસીસની સારવાર માટે આવેલા 60 વર્ષીય મીઠાઇના જાણીતા વેપારીને સર્જરી બાદ ઓક્સિજન આપવામાં ઘોર બેદરકારી દાખવવામાં આવતા ગુરુવારે સવારે મોત નિપજ્યું છે. એવો આક્ષેપ દર્દીઓના સ્વજનોએ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મુજબ દુધ અને મીઠાઈના જાણીતા વિક્રેતાને કોરોના થયો હતો, જેથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જ્યાં સારવાર બાદ કોરોનામુક્ત થઈ ગયા હતા. પરંતુ, બે દિવસ બાદ માથામાં દુખાવો જણાતા તબીબોની સલાહને અનુસરીને એમ.આઈ.આર. પણ કરાવ્યું હતું. જે બાદ મ્યુકર માઈકોસીસનું નિદાન થયું હતું, જેથી ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં તેમને જડબાની સફળ સર્જરી બાદ મ્યુકર માઈકોસીસમાંથી મુક્ત કરાયા હતા. જે બાદ પણ ત્રણ દિવસ સુધી સ્વસ્થ હતા.

દર્દીના સ્વજનોએ વધુ વિગતો આપતા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે, ત્યારબાદ દર્દીની ફરી તબીયત લથડી હતી, જેથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ, એમ્બ્યુલન્સમાં ઓક્સિજનના ખાલી સિલિન્ડરનું માસ્ક મોઢે લગાડી દેવાયું હતું, જેથી ઓક્સિજન લેવલ ઘટી ગયું અને ભાનમાં ન રહ્યા, જેથી તેમને અમદાવાદ ખસેડવાનું મુલતવી રાખી ફરી જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે રાખવા નક્કી કરાયું.

પરંતુ, તેમને મ્યુકર માઈકોસીસની સારવારમાંથી ડિસચાર્જ કરી દેવાયાનું કહીને તાત્કાલિક સારવાર હેઠળ લેવાને બદલે ફરી નવેસરથી દાખલ કરવાની વિધિ કરવા કહેવાયું. સ્વજનોએ ઈમરજન્સી વોર્ડમાં જરૂરી વિધિ કરાવ્યા બાદ વેન્ટિલેટર ઉપર રખાવ્યા. જોકે, રવિવારે લાઈટ ચાલી ગઈ અને કલાકો સુધી આવી નહી. જે દરમિયાન દર્દીને ઓક્સિજન મળતો બંધ થઈ ગયો. આમ, યોગ્ય નિષ્ણાત તબીબને બદલે મેડીકલ કોલેજના છાત્રોના હવાલે ચાલતી સારવારમાં અંતે દર્દીએ ગુરુવારે અંતિમ શ્વાસ લઈ લીધા.

અન્ય સમાચારો પણ છે...