વિવાદ:મુન્દ્રા પોર્ટ અને સેઝમાં અદાણીએ જમીન દબાણ અને શરતભંગ કર્યાનો આક્ષેપ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થોકબંધ સહીઓ સાથેની રજૂઆતમાં હાઇકોર્ટનું શરણું લેવા ચીમકી
  • લેન્ડ ગ્રેબિંગ તળે ફોજદારી દાખલ કરવા કલેક્ટર સમક્ષ માગ

મુન્દ્રા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં અદાણીને ફાળવાયેલી જમીનમાં હેતુ અને શરતભંગ કરાયો છે. કેટલીક જમીનમાં દબાણ કરાયું છે તેવા આક્ષેપ સાથે મુન્દ્રા, લુણી, ભદ્રેશ્વરના માછીમારો અને ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરતાં અદાણી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ફોજદારી ફરિયાદ દાખલ કરવાની માગ કરી હતી. જો આ મામલે ન્યાય નહીં મળે તો હાઇકોર્ટના દ્વાર ખટખટાવાશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઇ હતી. આ અંગે કરાયેલા આક્ષેપોમાં જણાવાયું હતું કે, તાલુકાના પશુધનના ભોગે અદાણીને પોર્ટ અને સેઝ વિકસાવવા વર્ષ 2005થી 2010 વચ્ચે જમીન ફાળવાઇ ત્યારે અલગ અલગ ગામોમાંથી ગૌચર બચાવવાનો સૂર ઉભો થયો હતો.

ઝરપરાની એક હજાર એકર જમીન સેઝને ફાળવાતાં આંદોલન થયું જેના સમાધાન રૂપે 400 એકર પરત ફાળવવાની સમજૂતી સધાઇ હતી તે આજ સુધી પરત નથી અપાઇ. સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને ઔદ્યોગિક વિકાસ માટે જમીન અપાઇ હતી પણ આ જમીન જેમની તેમ જ પડી છે. મોખા, ભદ્રેશ્વર, ગુંદાલા, શેખડિયા, લુણી અને વડાલા ગામની જમીનમાં પણ શરતભંગ કરાયો છે.મોખાની જમીનમાં ઔદ્યોગિક વિકાસ કરવાના બદલે દાડમની ખેતી કરવામા આવે છે. દરિયા કિનારાની જમીનમાં મીઠાનું ઉત્પાદન થતું હતું ત્યાં પણ હેતુભંગ થઇ રહ્યો છે.

કોઇ પણ મિનરલનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ફીલિંગ અથવા કોઇ પ્રવૃત્તિ માટે સ્થળાંતર થાય ત્યારે સરકાર દ્વારા રોયલ્ટી વસૂલવામાં આવે છે પોર્ટ અને સેઝ દ્વારા જમીનો પર દબાણ કરવાની સાથે આજ સુધી કોઇ રોયલ્ટી ભરી નથી. આ રોયલ્ટી ચોરીનો અંદાજ 3000 હજાર કરોડ જેટલો થવા જાય છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને લઇને દબાણ કરેલી તેમજ શરતભંગ થઇ હોય તેવી જમીનો પાછી લેવામા આવે અને રોયલ્ટીની રકમ વસૂલવામાં આવે તેવી રજૂઆત મુન્દ્રાની ખારવા સાગર સંઘ મત્સ્યોદ્યોગ સહકારી સેવા મંડળી તેમજ મુન્દ્રા, લુણી, ભદ્રેશ્વરના માછીમારો અને ગ્રામજનોએ થોકબંધ સહીઓ સાથે કરાઇ હતી.

આ પ્રકરણે મંજૂર થઇ ન હોય તેવી જમીનોમાં થયેલા દબાણ માટે અદાણી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરવાની માગ કરાઇ હતી. જો તેમ નહીં થાય તો કલેક્ટર અને સેઝ સામે હાઇકોર્ટમાં પડકાર ફેંકાશે તેવી ચીમકી શિવજી ઝાલા, વિનોદ ચુડાસમા, ધવલ માલમ, રાજેશ માલમ, જુસબ માંજલિયા, હુસેન આમદ ભટ્ટી સહિતનાએ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...