ભ્રષ્ટાચારનો આક્ષેપ:દેશલપરથી હાજીપીરના માર્ગમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 કરોડના ખર્ચે બનેલો રસ્તો 5 માસમાં ખખડધજ થઇ ગયો

નખત્રાણા તાલુકાના દેશલપરથી હાજીપીરને જોડતો 16 કિલો મીટરનો માર્ગ 15 કરોડના ખર્ચે બનાવાયાના 5 માસમાં ખખડધજ બની ગયો છે. રસ્તાના નિર્માણમાં સંબંધિત ઠેકેદાર અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરાયો છે તેવો આક્ષેપ લોક જનશક્તિ પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને પાઠવાયેલા પત્રમાં કરાયો છે.

રજૂઆતમાં જણાવાયા મુજબ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 15 કરોડ જેટલી માતબર રકમના ખર્ચે બનાવાયેલા રસ્તાના કામને માત્ર 5 માસ થયા છે પણ વરસાદના કારણે અનેક સ્થળે મોટા ગાબડા પડી ગયા છે અને મોટે ભાગે ડામર ઉખડી ગયો છે. કામની નબળી ગુણવત્તા ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. ઠેકેદાર અને જવાબદાર અધિકારીઓ દ્વારા આચરાયેલા ભ્રષ્ટાચારની તપાસ માટે પંચની નિમણૂક કરવામા આવે અને જે સામગ્રીનો ઉપયોગ કરાયો છે તેની ગુણવત્તા ચકાસવમાં આવે. તપાસના અંતે ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું જણાય તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરાય અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ સામે કાયદાકીય પગલા ભરવામાં આવે તેવી માગ લોજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ સતાર માંજોઠીએ કરી હતી.

આ દિશામાં જો કોઇ કાર્યવાહી નહીં કરાય તો પાર્ટી દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે રેલી કે ધરણા કરવામાં આવશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ માર્ગ પરિવહન માટે ખુબ જ મહત્વ ધરાવે છે અને આ રસ્તો ખખડધજ થઇ જતા આક્ષેપ ઉઠ્યા છે.

અન્ય સમાચારો પણ છે...