તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસની માગ:ઢોરીને જોડતા માર્ગોના નિર્માણમાં તંત્ર-ઠેકેદારની મીલીભગતથી ભ્રષ્ટાચાર આચરાયાનો આક્ષેપ

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રા. પં.ની સામાજિક ન્યાય સમિતિના ચેરમેને તપાસની માગ કરી
  • રસ્તાના કામની ગુણવત્તા સામે સવાલ

ભુજ તાલુકાના ઢોરી ગામને જોડતા વિવિધ માર્ગોના નિર્માણમાં જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓની મીલી ભગત સાથે સંબંધિત ઠેકેદારો દ્વારા ભ્રષ્ટાચાર આચરાયો છે તેવા આક્ષેપ ઢોરી ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેને કરતાં યોગ્ય તપાસની માગ કરી છે.

આ અંગે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, ઢોરી ગામને જોડતા ચાંકડા વાડી વિસ્તાર, મોરાવાંઢ, ઘેરાવાંઢ, કાઢવાંઢ, લાકડાવાંઢ અને સુમરાસર શેખના માર્ગ નિર્માણમાં માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર તથા તેમના એસઓ દ્વારા કામ કરનારી એજન્સીઓ સાથે મીલી ભગત રચીને કરોડોનો ભ્રષ્ટાચાર આચરાયો છે. તમામ રોડ પર માટી કામ કરાયું છે તેની કોઇ રોયલ્ટી ભરાઇ નથી અને ગામના જ પિયાવા વિસ્તારમાંથી મોટા પાયે ખનન કરીને રોયલ્ટી ચોરી કરાઇ છે.

આ ઉપરાંત તાજેતરમાં ઢોરીથી છછી, ભોજરડોના 20 કિલો મીટર લાંબા રસ્તાનું કામ 22 કરોડના ખર્ચે ઠેકેદારને અપાયું છે. 20 કિલો મીટર પૈકીના 7 કિ.મી. માર્ગમાં અગાઉથી જ મેટલ અને માટી કામ કરાયું છે. બાકીનો રસ્તો બન્ની વિસ્તારમાં હોતાં જો તેનામાં ખારી માટીનો ઉપયોગ થશે તો તકલાદી બનશે. આ કામ શરૂ થઇ ગયું છે અને તેમા પણ ગુણવત્તા બાબતે ભ્રષ્ટાચાર આચરાઇ રહ્યો હોય તેવું જણાઇ રહ્યું છે.

ગામના બસ સ્ટેશન વિસ્તારમાં 50 લાખના ખર્ચે સુવિધા પથ બનાવાઇ રહ્યો છે. આ વિસ્તારમાં ચાર-પાંચ વર્ષ અગાઉ આરસીસી રોડ બનાવાયો હતો જે મજબૂત હોવા છતાં તેને તોડીને કામ કરાયું છે જેને પગલે સરકારી નાણાનો વ્યય થયો છે તેમજ કામમાં ભ્રષ્ટાચાર આચરાયો છે તેવો આક્ષેપ કરતાં ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ધિરજ દેવકરણ મેરિયાએ યોગ્ય તપાસ કરવા અને સંબંધિત એજન્સીઓને બિલ પેટે નાણા ન ચૂકવવાની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...