કુરિવાજો પર સપાટો:અખાત્રીજે લેવાનારા 11 બાળલગ્ન તંત્રએ અટકાવ્યા

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજાર,મુન્દ્રા,ભચાઉ અને ભુજ તાલુકાના ગામોમાં પગલાં લેવાયા
  • ​​​​​​​ફરિયાદ-રજૂઆતના આધારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંબંધિત દીકરા-દીકરીના ઘરે જઇને કરાઈ કાર્યવાહી,કોર્ટમાંથી મનાઈહુકમ લેવાયા

સરહદી જિલ્લા કચ્છમાં આમ તો વિવિધ કુરિવાજોને તિલાંજલી આપવામાં આવી રહી છે પણ બાળલગ્નનું દુષણ હજી પણ જોવા મળી રહ્યું છે.અખાત્રીજના દિવસે બહોળી સંખ્યામાં લગનીયા લેવાતા હોય છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરીને બે દિવસમાં લેવાનારા 11 બાળલગ્ન અટકાવવામાં આવ્યા છે અને ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી છે. બીજી અને ત્રીજી તારીખ (અખાત્રીજ)ના લેવાનારા વિવિધ 11 બાળલગ્ન બે દિવસ પહેલા અટકાવી આ સંદર્ભે કોર્ટમાંથી મનાઇ હુકમ મેળવી લેવાયો હતો. નોંધનીય છે કે, છેલ્લા ચાર વર્ષમાં કચ્છમાં 60 જેટલા બાળ વિવાહ તંત્રની ટીમો દ્વારા રોકવામાં આવ્યા છે, ત્યારે હવે સમાજો દૂષણ અટકાવવા આગળ આવે તે જરૂરી છે.

કોવિડના પ્રતિબંધ હટી ગયા હોવાથી અખાત્રીજના ધામધૂમથી કચ્છમાં વિવાહના પ્રસંગો યોજવામાં આવ્યા હતા.જેમાં અમુક કિસ્સામાં બાળલગ્ન થતા હોવાનું તંત્રના ધ્યાને આવતા તાત્કાલિક દીકરી-દીકરાના ઘરે જઈ પરિવારને સમજાવી આ ગેરકાયદેસર છે તેવું જણાવીને વિવાહ થાય તે પહેલા જ તેને અટકાવવામાં આવ્યા છે.જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા આ સંદર્ભે કોર્ટમાંથી મનાઈ હુકમ પણ લેવામાં આવ્યા છે.

જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી એ.પી.રોહડિયાએ જણાવ્યું કે,2 અને 3 મે ના રોજ બાળલગ્ન આયોજિત કરવામાં આવ્યા હોવાની ફરિયાદ - અરજી કચેરીને મળતા ગામમાં જઇને પરિવારને સમજાવીને બાળલગ્ન થાય તે પહેલા જ અટકાવવામાં આવ્યા છે.27 - 28 તારીખે અરજી મળી હતી અને 30 મી તારીખે કોર્ટમાંથી મનાઈહુકમ લેવામાં આવ્યા છે.ખાસ કરીને અંજાર,મુન્દ્રા,ભચાઉ અને ભુજ તાલુકાના ગામોમાં પગલાં લેવાયા છે.બાળવિવાહ ગેરકાયદેસર હોવાથી થાય તે પહેલા જ વહીવટીતંત્રની ટીમ દ્વારા અટકાવી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે,કાયદા હેઠળ બાળ લગ્ન સાબિત થાય તો જવાબદારો અથવા સંડોવાયેલા સામે રૂ. એક લાખ સુધીનો દંડ અને વધુમાં વધુ બે વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે.

જો લગ્ન થાય તો વર-કન્યાના માતા પિતા સાથે ગોર મહારાજ સહિતનાઓ સામે પણ કાનૂની ફરિયાદ થઈ શકે છે
બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 મુજબ, 21 વર્ષથી નીચેનો યુવક અને 18 વર્ષથી નીચેની યુવતીના લગ્ન કરવા, કરાવવા કે આવા લગ્ન કરવામાં મદદગારી કરવી એ ફોજદારી ગુનો બને છે. જો આવા લગ્ન કરાવવામાં આવે તો વર-કન્યાના માતા પિતા, વર અને કન્યામાંથી જે પુખ્ત વયનું હોય તે અને લગ્ન કરાવનાર ગોર મહારાજ તેમજ કેટરર્સ, મંડપ સર્વિસવાળાસ ફોટોગ્રાફર અને વિડિયોગ્રાફર વગેરે તમામ મદદગારી કરનાર ઈસમો સામે ફોજદારી ગુનો બને છે.

બાળલગ્નના કારણે થતી માઠી અને ગંભીર અસરો
સગીર વયની બાળા ગર્ભવતી બને છે.સગીર માતાનો મૃત્યુદર વધે છે, ગર્ભપાત, કસુવાવડ તેમજ મૃત શિશુ જન્મનું પ્રમાણ વધે છે. નવજાત શિશુમાં માંદગી, અશક્તિ અને મૃત્યુનું પ્રમાણ વધે છે. મંદબુદ્ધિના બાળક વધે છે. બાળક અને ખાસ કરીને બાળકીની સ્વતંત્રતા રૂંધાઇ જાય છે. સ્ત્રીઓ પર અત્યાચાર વધે છે, બાળાઓના અનૈતિક દેહવિક્રય અને વૈશ્યાવૃતિ વધે છે. શાળાઓમાં અભ્યાસ છોડનાર બાળકોની સંખ્યા વધે છે. નાની ઉંમરે કુટુંબનો ભાર અને સામાજિક જવાબદારી ઉઠાવવી પડે છે.નાની ઉમરે ગૃહિણી તરીકે ઘરકામ કરવું પડે છે અને બાળમજૂરી વધે છે

જાગૃત નાગરિકોને અનુરોધ : હજી પણ ક્યાંય બાળલગ્ન થતા હોય તો આ નંબર પર કરો જાણ
જો કોઈ બાળલગ્નો થતા હોય તો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશને અથવા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી, નાગરીક સોસાયટીની પાસે, ભુજ-કચ્છ ને કરી શકાય છે. આ અંગે માર્ગદર્શનની જરૂર હોય તો ફોન નંબર 02832 256038, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી, ભુજ ફોન નંબર 02832-252613 તથા ચાઈલ્ડ લાઈન હેલ્પ લાઈન નંબર 1098 પર ફોન કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...