ચકચાર:પાલારા જેલમાં અમદાવાદની સ્ક્વોડ દ્વારા ઓચિંતી તપાસ: બે મોબાઇલ ઝડપી પડાયા

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શૌચાલય અને પાળી પાસેથી બિનવારસુ હાલતમાં મળી આવ્યા ફોન

અહીંની ખાસ પાલારા જેલમાં શુક્રવારે બપોરે અમદાવાદ ડિજિ સ્ક્વોડની ટીમે ચેકિંગ કરીને જેલ પરિસરમાંથી બે મોબાઇલ ઝડપી પાડતા ભારે ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ છે. બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી પ્રમાણે જેલ સ્ક્વોર્ડ ગ્રૂપ-2 અમદાવાદ ટીમ દ્વારા બપોરે 1:10થી 4:45 દરમિયાન દરોડો પાડવામાં આવ્યો હતો. જેલ પરિસરમાં ચેકિંગ દરમિયાન રેડમી કંપનીનો વાદળી કલરનો એક અને સેમસંગ કંપનીનો કાળો કલરનો એક મળી બે મોબાઇલ મળી આવ્યા હતા.

ઝડતી દરમિયાન મળી આવેલા મોબાઇલની કિંમત રૂા.1100 આંકવામાં આવી છે. આ સંદર્ભે જાહેરનામા ભંગ સહિતની કલમો તળે ગુનો દાખલ કરાતા પીએસઆઇ ટી.અેચ.પટ઼ેલે તપાસ હાથ ધરી છે. દરમિયાન વિશ્વસનીય સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે જેલમાં એક મોબાઇલ શૌચાલય પાસેથી અને બીજો મોબાઇલ પાળીની દીવાલ પાસેથી બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો. જેલ અધિક્ષક રાજેન્દ્ર રાવ નલિયા અને નખત્રાણા સબ જેલના ઇન્સ્પેકશન માટે ગયા હતા એ દરમિયાન કરાયેલી ઝડતીમાં મોબાઇલ મળી આવ્યા હતા.

છાસવારે બનતા બનાવો પાછળ સ્ટાફ ઘટ જવાબદાર
55 એકરમાં ફેલાયેલી ભુજની ખાસ પાલારા જેલમાં વિવિધ ગુનાના કુખ્યાત ગુનેગારોને સજા કાપવા માટે બંદીવાન તરીકે રાખવામાં આવે છે. જોકે, રાજ્યની વિશાળ એવી આ જેલમાં સ્ટાફની ભારે ઘટ જોવા મળી રહી છે. રપથી 30 ટકા જેટલા સ્ટાફના ભરોસે સમગ્ર જેલનો વહીવટ ચાલી રહ્યો છે. 10થી વધુ બેરેક વચ્ચે એક સંત્રીથી હાલ કામ ચલાવાઇ રહ્યું છે. જેલ સુરક્ષા માટે વિવિધ પ્રયાસો વચ્ચે અહીં સ્ટાફ ઘટની સમસ્યા નિવારવી પણ જરૂરી છે.

જેલર સહિતનાઓને નોટિસ પાઠવી ખુલાસો મંગાયો
પાલારા જેલના અધિક્ષક રાજેન્દ્રસિંહ રાવે આ બાબતે જણાવ્યું કે, તેઓ નલિયા અને નખત્રાણા સબ જેલના ઇન્સ્પેકશન માટે ગયા ત્યારે અમદાવાદ સ્ક્વોર્ડ દ્વારા વિઝિટ લઇને મોબાઇલ કબજે કરાયા છે. જેલમાંથી મળી આવેલા મોબાઇલ સંદર્ભે હાજર જાપતાના જેલર સહિતના કર્મચારીઓને તાત્કાલિક નોટિસ પાઠવી સુરક્ષામાં ક્યાં ચૂક રહી અને મોબાઇલ ક્યાંથી આવ્યો તે સહિતની બાબતો અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...