તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:આઠ તાલુકામાં રાત્રે વરસાદની આક્રમક ઇનિંગ : પચ્છમમાં 2 ઇંચ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભચાઉ - Divya Bhaskar
ભચાઉ
  • વાગડ, કંઠીપટ, ગાંધીધામ, અંજાર, ભુજમાં મેઘમહેર

કચ્છમાં દિવસભર અસહ્ય ઉકળાટ બાદ રાત્રે 10 વાગ્યાના અરસામાં વરસાદનું તોફાની આગમન થયું હતું. મીનિ વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે બિહામણા રૂપે અડધોથી બે ઇંચ જેટલું પાણી વરસ્યું હતું જેને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પૂર્વમાં રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ, નખત્રાણા, મુન્દ્રા પંથકમાં રાત્રે તેજ ગતિથી પવન ફુંકાવાની સાથે મેઘો ખાબક્યો હતો.

ભુજમાં સાંજે ભારે ઝાપટું પડયું હતું ત્યાર બાદ 11.15ના અરસામાં વાવાઝોડા જેવો પવન ફૂંકાતા કેટલાક ઘર પરથી છાપરા ઉડ્યા હોવાના વાવડ મળ્યા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થતાં માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. તો ખાવડામાં વિસ્તારમાં રાત્રે 10 વાગ્યાના અરસામાં કડાકા ભડાકા સાથે મેઘાની એન્ટ્રી થઇ હતી અને પચ્છમમાં બે ઇંચ જેટલો ખાબક્યો હતો.

ગાંધીધામમાં રાત્રે અચાનક પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાનો શરુ થઈ ગયો હતો. અચાનક તીવ્ર ગતિ સાથે ફુંકાયેલા પવન અને ત્યારબાદ વીજળીના ઝબકારા અને ગાજવીજ સાથે વરસાદ શરુ થઈ ગયો હતો. અંજાર અને આદિપુર વિસ્તારમાં પણ તોફાની વરસાદથી બિહામણો માહોલ ખડો થયો હતો.

ભચાઉમાં રાત્રે 10 વાગ્યાના અરસામાં તેજ ગતિથી ફુંકાયેલા પવન સાથે પાણી વરસ્યું હતું. તાલુકાની કાંઠાળ પટ્ટીમા સતત બીજા દિવસે પણ મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો હતો. કાંઠાળ છાડવારા. આમલીયારા, જંગી, વાઢિયા, ગોડપર, મોડપર, લાખાસરી, લઘધીરગઢ, નવા-જુના કટારીયા, શિકારપુર, સુરજબારી, લાકડિયા, ઘરાણા, સામખિયાળી, લલિયાણા તેમજ આધોઇ પટ્ટામાં દિવસભર અસહ્ય ઉકળાટ બાદ બાદ રાત્રે 9.50 વાગ્યાના અરસામાં ગાજ-વીજ અને વેગીલા પવન સાથે વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા ભડાકાથી ડરામણો માહોલ ખડો થયો હતો.

ખાવડા
ખાવડા

રાપરમાં પણ રાત્રે 10 વાગ્યે પવન અને ગાજવીજ સાથે ઝાપટું વરસ્યું હતું. આડેસરમાં સાંજે કાળા ડિબાંગ વાદળો સાથે અંધારૂં છવાઇ ગયું હતું અને ભારે ઝાપટું પડતાં માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. તાલુકાના બાદરગઢમાં વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

વિથોણ
વિથોણ

પાવર પટ્ટી અને આહિર પટ્ટીમાં મીનિ વાવાઝોડા સાથે વરસ્યોપાવર પટ્ટીના નીરોણા, હરીપુરા, અમરગઢ સહિતના ગામોમાં રાત્રે 11:10 કલાકે વાવાઝોડા સાથે વરસાદપડ્યો હતો. કેટલીક જગ્યાએ વૃક્ષ પડ્યા હોવાના વાવડ મળ્યા હતા. તો આહિર પટ્ટીના સુમરાસર, લોરીયા, ધ્રંગ વિસ્તારમાં પણ તેજ પવનની અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘો આવ્યો હતો.

મુન્દ્રામાં પવન-ગાજવીજ સાથે વરસાદ
મુન્દ્રામાં રાત્રે 11.45 વાગ્યાના અરસામાં ગગનમાં વીજળીના કડાકા ભડાકા થયા હતા જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર તેમજ આસપાસના વિસ્તારમાં પણ
ધોધમાર વરસાદ પડ્યો હતો.

નખત્રાણા તાલુકામાં પણ કડાકા ભડાકા સાથે એન્ટ્રી
નખત્રાણા તાલુકાના વિથોણ સહિત આસપાસનાવિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. તોફાની પવનથી કેટલીક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા હતા તો ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ પડી જતાં માહોલ વધુ ડરામણો બન્યો હતો. મોરગર સહિતના ગામોમાં એકાદ ઇંચ પાણી વરસ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...