કોરોના વકરવાની ભીતિ:કચ્છમાં બે માસ બાદ કોવિડના એકસામટા ત્રણ પોઝિટિવ કેસ

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સક્રિય દર્દી 6, મોટા ભાગના ભુજ-અંજાર તાલુકાના
  • ભુજોડી, કુકમા અને મેઘપર બોરીચીના દર્દી સપડાયા

દિવાળીના તહેવારો બાદ કોરોના વકરવાની ભીતિ સાચી ઠરી રહી છે અને કચ્છમાં બે માસ બાદ કોવિડના એકસામટા ત્રણ કેસ સામે આવ્યા છે. ભુજ તાલુકાના ભુજોડી અને કુકમા તેમજ અંજાર તાલુકાના મેઘપર બોરીચીના મળીને ત્રણ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ પુન: હરકતમાં આવ્યો છે. તેની સાથે સક્રિય દર્દીનો આંક વધીને 6 પર પહોંચ્યો છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભુજ તાલુકાના ભુજોડી વિસ્તારમાં શેખપીરની સામે કલ્યાણેશ્વર સોસાયટીમાં એક પુરૂષ, કુકમામાં એક મહિલા અને અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં હરેકૃષ્ણ સોસાયટીમાં રહેતાં 90 વર્ષીય વૃધ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોઇ કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું જાણવા મળ્યું હતું. ચાલુ માસની 14 તારીખે માત્ર એક જ એક્ટિવ કેસ હોતાં કચ્છ ફરી કોરોના મુક્ત થશે તેમ જણાઇ રહ્યું હતું પણ ત્યાર બાદ પાંચ વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવતાં સક્રિય દર્દીનો આંક ફરી વધીને 6 પર પહોંચ્યો છે જેમાં મોટા ભાગના ભુજ અને અંજાર તાલુકાના છે.

આમ આ બે તાલુકામાં જો તકેદારી નહીં રાખવામાં આવે તો સંક્રમણ ઝડપભેર વધશે તેવી ભીતિ આરોગ્ય સાથે સંકળાયેલા સૂત્રોએ વ્યક્ત કરી હતી.ઉલ્લેખનીય છે કે, કોવિડના વાયરસ સંપૂર્ણપણે નષ્ટ થયા નથી તેથી ભીડવાળી જગ્યાઓ પર લોકો માસ્ક પહેરવાની જાગૃતિ દાખવે તે જરૂરી છે અન્યથા મહામારી ફરી માથું ઉંચકશે.

વધુ 24,954 લોકોને રસી મુકાઇ
કચ્છમાં આરોગ્ય વિભાગ દ્વારા હવે ઘરે ઘરે જઇને રસી મુકવાની ઝુંબેશ શરૂ કરાઇ છે જેને પગલે રસીકરણનો આંક ઉંચો જઇ રહ્યો છે. ગુરૂવારેવધુ 24,954 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અબડાસામાં 449, અંજાર તાલુકામાં 2589, ભચાઉ 1588, ભુજ 4785, ગાંધીધામ તાલુકામાં 6531, લખપત પંથકમાં 508, માંડવી 1257, મુન્દ્રા 4002, નખત્રાણા 1837 અને રાપર તાલુકામાં 1408ને રસી મુકાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...