તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરીની શરૂઆત:ખાતમુહૂર્તના ત્રણ માસ બાદ ભાડાની આખરે ‘પાકી' કચેરીની તૈયારી શરૂ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીનનો ખર્ચ બચાવી લઈ કુલ 1.11 કરોડના ખર્ચે કચેરી ભવન વિકસાવવામાં આવશે

ધરતીકંપ બાદ મકાન અને દુકાન બાંધકામ બાબતે નિયમો નિશ્ચિત કરીને તેની મર્યાદામાં રહીને વિકાસ માટે અસ્તિત્વમાં આવેલ ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળની કચેરી 19 વર્ષથી પ્રિફેબ શેલ્ટર માં કાર્યરત છે. માર્ચ મહિનામાં ભાડા ની જ માલિકીની એરપોર્ટ રોડ પર દુકાનોને નવી કચેરી બનાવવાની કામગીરીની શરૂઆત કરી હતી. આવતા ત્રણથી ચાર મહિનામાં આ કચેરી કાર્યરત થવાની સંભાવના છે.

ભાડાના મુખ્ય કારોબારી અધિકારી અને આસીસ્ટન્ટ કલેકટર મનીષ ગુરવાનીએ ભાડાની માલિકીની જમીનમાં ત્રિમંદીર 'બી'કોમ્પ્લેક્ષની અંદાજીત 15000 ચો. ફુ. ક્ષેત્રફળની વણવપરાયેલ દુકાનોની જગ્યામાં સતામંડળનું નવું કચેરીભવન વિકસાવવામાં આવી રહ્યું છે, તેવી માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાડાના અધ્યક્ષા અને કલેકટર પ્રવીણા ડી. કે. દ્વારા માર્ચ, 2021માં આ નવા કચેરી ભવનની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કચેરીભવનનું કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરાવવામાં આવે છે તથા કામ હાલ જોરશોરથી ચાલુ છે.

સંકુલમાં કર્મચારી તથા અધિકારીગણ માટે પુરતી ઓફિસ સ્પેસ રાખવામાં આવેલ છે તેમજ ઈન્ટીરિયરમાં મહત્તમ ફેર ઉપયોગમાં લઇ શકાય તેવી જૂની કચેરીના ફર્નિચરનો ઉપયોગ કરવામાં આવશે. ભાડાની માલિકીની જગ્યા પર આ રીતે વણવપરાયેલ દુકાનોની જગ્યાનો ઉપયોગ કરી અંદાજિત 3 કરોડ રૂપિયાનો જમીનનો ખર્ચ બચાવી લઈ કુલ 1.11 કરોડના ખર્ચે આ અનુ કચેરી ભવન બનશે. નિભાવખર્ચ ન્યૂનતમ આવે તે ધ્યાને લઈને ગ્રીન બિલ્ડિંગના અભિગમને અપનાવી કુદરતી હવા ઉજાસનો મહત્તમ લાભ લઇ શકાય તેમ ડિઝાઇન કરવામાં આવેલ છે.

વિજળી માટે રુફ પર સોલાર પેનલની વ્યવસ્થાની કરવામાં આવેલ છે, તો દિવ્યાંગ અરજદારો માટે ખાસ વ્યવસ્થા કરતાં રેમ્પ તથા લિફ્ટનું આયોજન કરેલ છે. પ્રાંગણમાં ગ્રીન સ્પેસ ઉભી કરવામાં આવનાર છે. ઓછામાં ઓછા 45-50 વૃક્ષોનું વાવેતર કરી ઉછેર થશે. ગ્રીન લેન્ડસ્કેપ માટે પ્રયત્નો થનાર છે. અરજદારો તેમજ આર્કિટેક્ટ અને એન્જિનિયર માટે વેઇટિંગ રૂમ, કાફેટરિયા સહિતની વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...