ભુજમાં કેન્દ્ર સરકાર હસ્તકતની હેડ પોસ્ટ ઓફિસ બાદ શહેરના ખત્રી ચકલા વિસ્તારમાં આવેલી ટપાલ કચેરીના મકાનની છતમાંથી પોપડા ખરતાં ગ્રાહકો ભયભીત બન્યા છે.
શહેરના ખત્રી ચકલા વિસ્તારમાં ભાડાના મકાનમાં ટપાલ કચેરી કાર્યરત છે.આ ટપાલ કચેરીનું પોતીકું મકાન ન હોવાથી છેલ્લા લાંબા સમયથી ભાડાના મકાનમાં પોસ્ટ અોફિસ સંચાલિત છે. તા.15-2, મંગળવારના કર્મચારીઓએ કચેરીનું શટર ખોલતાં જ છતના મોટાભાગમાંથી પોપડા ખર્યા હતા. કચેરી ખોલતી વખતે જ બનાવ બન્યો હોવાથી જાનહાનિ ટળી હતી.
બેન્કોમાં વધતી જતી ફ્રોડની ઘટનાઓ વચ્ચે હવે ગ્રાહકોનો ઝોક પોસ્ટ અોફિસો તરફ વધ્યો છે તેમ છતાં પણ કેન્દ્ર સરકારની હસ્તકતની આ કચેરીઅો ભાડાના મકાનમાં ચાલી રહી છે. શહેરની ખત્રી ચકલા વિસ્તારની કચેરીમાં પણ ગ્રાહકોનો ધસારો વધારે હોય છે અને અનેક ફરિયાદો બાદ પણ કચેરીના જર્જરીત મકાનનું સમારકામ ન કરાતાં ગ્રાહકો ભયભીત બન્યા છે. અત્રે એ નોંધવું રહ્યું કે, અગાઉ શહેરની હેડ ઓફિસના મકાનની છતમાંથી પણ પોપડા ખર્યા હતા.
અા જ ટપાલ કચેરીની છતમાંથી અગાઉ પણ ખર્યા છે પોપડા
હાલે જે મકાનમાં પોસ્ટ અોફિસ કાર્યરત છે તે મકાનનું બાંધકામ ખુબ જૂનું છે અને તે જર્જરીત હાલતમાં છે, જેના કારણે અગાઉ પણ આ જ મકાનની છતમાંથી પોપડા ખર્યા છે, તેવામાં મંગળવારે સવારે ફરી છતના મોટોભાગમાંથી પોપડા ખર્યા હતા.
ભાડાના અન્ય મકાન માટે ચાલતી ગતિવિધિ
સત્તાવાર સૂત્રોના કહેવા મુજબ ખત્રી ચકલા વિસ્તારમાં જ ભાડાના અન્ય મકાન માટે ગતિવિધિ ચાલી રહી છે અને 7 જેટલા મકાન માલિકો કચેરીને મકાન ભાડે આપવા માટે તૈયારી દર્શાવી છે, જે પૈકી 3 જેટલા મકાનોમાં ટપાલ કચેરી કાર્યરત થઇ શકે તેવી સુવિધા છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી છે. યોગ્ય મકાન મળશે તો આ કચેરી ભાડાના નવા માકનમાં તબદિલ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.