અતિક્રમણ મુદ્દે કોઇ નિવેડો નહીં:જિલ્લા પંચાયત બાદ હવે થયું તાલુકા પંચાયત રોડના ફૂટપાથ પર પણ દબાણ

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરના અધ્યક્ષ સ્થાને મળતી રોડ સેફ્ટી કમિટી નિષ્ક્રીય
  • ​​​​​​​​​​​​​​જવાબદાર તંત્રને દબાણકર્તાની ‘બોલી મિઠ્ઠી લાગે’ છે કે શું?

તાજેતરમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક મળી હતી, જેમાં ફૂટપાથ ઉપરથી દબાણો હટાવવાનો અાદેશ થયો હતો. પરંતુ, ભુજ નગરપાલિકા, પોલીસ તંત્રઅે અે દિશામાં કોઈ કાર્યવાહી કરી જ નહીં, જેથી ફૂટપાથ ઉપરથી દબાણો હટવાને બદલે વિસ્તરવા લાગ્યા છે, જેમાં જિલ્લા પંચાયત રોડના ફૂટપાથ પછી હવે ભુજ તાલુકા પંચાયત રોડના ફૂટપાથ ઉપર દબાણો થઈ ગયા છે. ભુજ શહેરમાં જાહેરમાર્ગો ઉપર રખડતા ઢોરો જાનમાલને જોખમ સર્જી રહ્યા છે અને બીજી બાજુ રાહદારીઅોને ચાલવા માટેના ફૂટપાથ ઉપર દબાણકારોઅે કબજો જમાવી લીધો છે.

પરંતુ, કલેકટર, નગરપાલિકા, ટ્રાફિક પોલીસને દબાણકર્તાઅોની ‘બોલી મિઠ્ઠી મિઠ્ઠી લાગતી’ હોય અેમ કોઈ નક્કર કાર્યવાહી રસ રુચિ દાખવતા નથી, જેથી પ્રશ્ન થાય છે કે, સરકારી તંત્ર જે જવાબદારી લઈને બેઠું છે અે જવાબદારી ઉપાડતા ડરે કેમ છે? લોકોની સુવિધા વધારવા ચૂંટાયેલા લોક પ્રતિનિધિઅો અને રાજકારણીઅો પણ એ મુદ્દે કેમ આગળ આવતા નથી ? હવે ભુજ તાલુકા પંચાયત તરફ જતા ફૂટપાથ ઉપર નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રમતી વખતે પહેરાતા તૈયાર વસ્ત્રોની બજાર ખડી થઈ ગઈ છે. ખરીદારો માર્ગો ઉપર જ વાહનો ખડા કરી દે છે, જેથી ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી રહે છે.

શું ટ્રાફિક પોલીસ પાલિકામાં રજુઅાત કરશે?
નવી શાક માર્કેટ પાસે પાણીની લાઈનનો માર્ગ બદલવા થયેલા ખોદકામ વખતે ટ્રાફિક પોલીસ ભુજ નગરપાલિકાના પ્રમુખ પાસે રજુઅાત કરવા પહોંચી ગઈ હતી. પરંતુ, અાશ્ચર્યજનક રીતે ફૂટપાથ ઉપર થતા દબાણો મુદ્દે રજુઅાત કરવા ક્યારેય જતી નથી ! ફૂટપાથ ઉપરથી દબાણો હટાવવા કલેકટરના અાદેશને પણ બંને તંત્રો ધોળીને પી ગયો હોય અેવું પ્રતિત થાય છે.

અન્ય સમાચારો પણ છે...