સેમ્પલ લેવાનું શરૂ કર્યું:મહિના પછી ખબર પડશે કે આરોગેલા ફાફડા અને જલેબી યોગ્ય હતા કે નહીં!

ભુજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના ફુડ વિભાગે વિવિધ તાલુકા મથકેથી ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવાનું શરૂ કર્યું
  • દશેરા અને દિવાળી પૂર્વે મિઠાઇ-ફરસાણની દુકાનોમાંથી નમુના લઇ લેબમાં મુકાશે

દશેરા અને દિવાળીના તહેવાર નજીક છે ત્યારે કચ્છના ફુડ વિભાગ દ્વારા વિવિધ તાલુકા મથકે ફરસાણ, મિઠાઇ અને જલેબી-ગાંઠીયાના સ્ટોર પરથી સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે. જો કે, અેક મહિના પછી ખ્યાલ અાવશે કે તહેવાર ટાંકણે ખાઇ લીધેલા જલેબી-ગાંઠીયા યોગ્ય હતા કે કેમ ! ફુડ વિભાગ સેમ્પલ લીધા બાદ રિપોર્ટ અેક માસ પછી અાવતો હોવાથી હાલ કાંઇ ખ્યાલ અાવી શકતુ નથી. તહેવાર ટાંણે ફુડ વિભાગ અાંગણીના વેઢે ગણી શકાય તેટલા સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલી કામગીરી કરતા હોય છે.

પણ રિપોર્ટ અેક માસ પછી અાવતા હોવાથી લોકોઅે અારોગેલી ખાદ્ય પદાર્થ યોગ્ય હતું કે કેમ તે તુરંત ખ્યાલ અાવી શકતું નથી. કચ્છના ફુડ વિભાગે મંગળવારથી તહેવારને અનુલક્ષીને સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે. ફુડ ઇન્સ્પેકટર દરરોજ અલગ અલગ તાલુકા મથકે જઇ શંકાસ્પદ લાગતી દુકાનો પરથી સેમ્પલ લઇ રિપોર્ટ માટે મોકલશે. ફાફડા, જલેબી, મિઠાઇ અને ફરસાણની દુકાનો પરથી ખાસ તહેવારને અનુલક્ષીને સેમ્પલ લેવાશે પણ બેથી ત્રણ દિવસમાં સ્ટોકમાં રહેલો જથ્થો વેંચાઇ જાય અને બીજો જથ્થો સ્ટોકમાં અાવતો હોય છે. અામ, વેંચાણ થયેલો અને અારોગેલો જથ્થો યોગ્ય હતો કે કેમ તે તાત્કાલીક ધ્યાન અાવી શકે નહીં.

તહેવારોને અનુલક્ષીને ખાદ્ય પદાર્થમાં ઉપયોગ થતી વસ્તુઅોની તપાસણી કરાય છે : ફુડ વિભાગ
ફુડ વિભાગના અે. અેમ. વાલુઅે જણાવ્યું હતું કે, તહેવારને અનુલક્ષીને વિવિધ વિસ્તારોમાં મંગળવારથી સેમ્પલ લેવાનું શરૂ કરાયું છે. દરરોજના 10થી 12 સેમ્પલ જુદા-જુદા તાલુકા મથકેથી લેવાશે. ફુડ ઇન્સ્પેકટર મીઠાઇ, ફરસાણ, ફાફડા-જલેબી જેવી ખાદ્ય પદાર્થની દુકાન પર જઇ કઇ વસ્તુઅોના ઉપયોગથી ખાદ્ય પદાર્થને બનાવાયું છે તેની ચકાસણી કરે છે. ખાદ્ય પદાર્થના કલર, સ્વાદ અને અન્ય માપદંડોથી જથ્થાની શુદ્ધતા ધ્યાને અાવી જાય છે. દુકાન પરથી લેવાયેલા સેમ્પલનું રિપોર્ટ અેક મહિના બાદ અાવે છે તે વાતને સમર્થન અાપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...