બન્નીના મીઠા માવાએ મચાવી ધૂમ:બે વર્ષના અંતરાળ બાદ રણોત્સવ સ્થાનિકો માટે આર્થિક લહેર બનીને આવ્યો, દુધના માવાનું રેકોર્ડ સ્તરે વેચાણ

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજ 500થી 700 કિલો માવાનું વેચાણ થતું હોવાનો અંદાજ
  • સાડા ત્રણ માસ ચાલનારા ઉત્સવ દરમિયાન અંદાજે દોઢ કરોડનો વેપાર થઈ જતો હોય છે

કોરોના મહામારીના કારણે ગત બે વર્ષ દરમિયાન સફેદરણ અને રણોત્સવ માણવા આવતા સહેલાણીઓની સંખ્યા નહિવત જેવી રહી હતી. જેને લઈ બન્ની વિસ્તારના ધોરડો અને તેની આસપાસના ગામોમાં પૌષ્ટિક દૂધમાંથી તૈયાર થતા શુદ્ધ માવાના વેચાણમાં ખોટ આવી હતી અને બન્નીના માવાઉદ્યોગને માઠી અસર થઈ હતી. પરંતુ કોરોના સંકમણ કાબુ હેઠળ આવતા સરકારી નિયંત્રણો હળવા કે દૂર થતાં જિલ્લાના તમામ પર્યટન સ્થળો ખુલી જતા બે વર્ષના અંતરાલ બાદ આ વખતે રણોત્સવ પણ ફરી શરૂ થયો છે. જેનો સીધો ફાયદો બન્ની વિસ્તારના ગ્રામજનોને થઈ રહ્યો છે. જેના પગલે અહીંના દુધના માવાના વેચાણમાં મોટો ફાયદો પહોંચ્યો છે.

દિવાળી વેકેશનથી પ્રવાસી વર્ગની સંખ્યા સરહદી જિલ્લાની સફરે જોવા મળી રહી છે. તેમાં સફેદરણની મજા માણવા આવતા લોકો પરત જતી વેળાએ વિવિધ વસ્તુઓની ખરીદી કરે છે. તેમાં બન્નીના મીઠા માવાનો પણ ખરીદીમાં સમાવેશ થાય છે. તેનું વેચાણ આ વખતે રેકોર્ડ સ્તરે પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

રણોત્સવના પગલે ભીરંડીયારા, હોડકો, ધોરડો સહિતના વગેરે ગામના માલાધારીઓ માટે માવાના વેચાણનું નવું ક્ષેત્ર ખુલ્યું છે. ત્યારે આ વખતે હજારો પ્રવાસીઓ આવતા હોવાથી રોજ 500થી 700 કિલો માવાનું વેચાણ થઈ રહ્યું છે. દિવાળીના તહેવાર સમયે હજારો લોકોએ સફેદ રણની મુલાકાત લીધી હતી, ત્યારે ભીરંડીયારા, હોડકો સહિતના રણોત્સવ તરફના રસ્તે આવતા ગામ તથા રસ્તા પર સ્ટોલ મુકીને માવાનો વેપાર કરનારા માલાધારીઓને માવા વેચાણમાં મોટો ફાયદો પહોંચ્યો છે. હજુ ફેબ્રુઆરી સુધી રણોત્સવ ચાલશે ત્યારે માલાધારીઓ છેલ્લા બે વર્ષાથી ભોગવતા નુકસાનમાંથી બહાર આવી જશે તેવો આશાવાદ સ્થાનિક લોકોએ સેવ્યો હતો. સાડા ત્રણ માસ ચાલનારા ઉત્સવ દરમિયાન અંદાજે દોઢ કરોડનો વેપાર થઈ જતો હોય છે. જે આ વખતે તેનાથી પણ વધી જશે. કિલોના રૂ. 200 આસપાસના ભાવે એક માલાધારી ઓછામાં ઓછો 20 કિલોથી વધુનો માવો દૈનિક વેચી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...