થોડા સમય પૂર્વે રેલવે તંત્રે ટ્રેનમાં મુસાફરો પાસેથી રકમ વસુલવા તેમજ પ્લેટફોર્મ પર નાણા વસુલવા માટે ડિજિટલ અભિગમ અપનાવ્યું છે. હવે ટ્રાફિક પોલીસ ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પણ દંડ વસુલી શકશે. ગુજરાતના મોટા શહેરમાં ટ્રાફિક પોલીસને સ્વાઇપીંગ મશીન આપવામાં આવ્યા છે, થોડા મહિનાઓ પછી કચ્છમાં પણ ટ્રાફિક પોલીસને આપવામાં આવે તેવું જાણવા મળ્યું છે.
ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો પાસેથી દંડની કાર્યવાહી કરવા ડીજીટલ ડિવાઇસ સ્વરૂપે પેમેન્ટ લઈ શકશે. આ માટે રાજયમાં પ્રથમ વખત સુરત શહેરમાં પ્રાયોગિક ઘોરણે શરૂ કરી 50 મશીનો ખાનગી બેંક દ્વારા આપવામાં આવ્યા છે. શહેરના અલગ અલગ પોઇન્ટો પર તૈનાત ટ્રાફિક પોલીસને 50 મશીનો અપાયા છે. ડીજીટલ ડીવાઇસમાં વાહનચાલકે જે નિયમનો ભંગ કર્યો હશે તેની કલમ સાથે તેના દંડની રકમ કેટલી છે તેનો તમામ ડેટા ફીટ કરાયો છે. સાથે વાહનચાલકે જે નિયમનો ભંગ કર્યો હોય તેનો ફોટો પણ ડીવાઈસમાં પાડી શકાશે. જેથી તેનો ડેટા પણ ડીવાઇસમાં સેવ રહેશે.
ટૂંકમાં ભષ્ટ્રાચાર અટકશે સાથે વાહનચાલકે જે ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો હશે તે પ્રમાણે તેનો દંડ લેવાશે. સાથે ટ્રાફિક પોલીસ ડીજીટલ ડીવાઇસથી જે દંડની કાર્યવાહી કરશે તે સરકારની તિજોરીમાં જમા થશે. અત્યાર સુધી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા કેટલાક વાહનચાલકો પોતાની પાસે દંડ ભરવા કેશ રૂપિયા ન હોવાની વાત કરી ડેબિટ કે ક્રેડિટ કાર્ડ છે એવુ બહાનું બતાવી દેતા હતા. જેના કારણે પોલીસ અને વાહનચાલકો વચ્ચે માથાકૂટ પણ થતી હતી.
દંડ ઉઘરાવવાની કામગીરી પારદર્શી બને અને ભ્રષ્ટાચાર અટકાવી શકાય તે હેતુથી સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયમાં શરૂઆત કરી દેવાઇ છે થોડા મહિનાઓમાં કચ્છના મોટા શહેરોમાં પણ આ પદ્ધતી લાગુ પડી જશે તેવુ આંતરીક સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.