તંત્રની વેબસાઈટમાં નામ ગાયબ:1 વર્ષ થઇ ગયું તોય મુન્દ્રા પાલિકાનું તંત્રની ઓફિશિયલ વેબસાઈટ પર જ અસ્તિત્વ નહીં

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિજિટલ છબરડો : કલેકટર કચેરીના મતે જિલ્લામાં હજી માત્ર 6 જ નગરપાલિકા
  • શહેરી વિકાસ મંત્રાલયના ચોપડે નોંધ પણ કચ્છ જિલ્લા તંત્રની વેબસાઈટમાં નામ ગાયબ

ગુજરાત સરકાર દ્વારા ગુડ ગવર્નન્સની વાતો કરવામાં આવે છે અને ડિજિટલ ગુજરાત અંતર્ગત તમામ સરકારી સેવાઓ અને કચેરીઓની વિગતો ઓનલાઇન વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે પણ નવાઈ વચ્ચે તંત્રની લાપરવાહીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા અનેક આંટીઘૂંટી અને રજૂઆતો બાદ મુન્દ્રા અને બારોઇ ગ્રામ પંચાયતને મિક્સ કરી નગરપાલિકા બનાવવામાં આવી છે.એક વર્ષ પૂર્વે મુન્દ્રા - બારોઇને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે.

સરકારી રાહે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ દ્વારા રાજ્યની ઝોન વાઈઝ નગરપાલિકાની યાદીમાં રાજકોટ ઝોનમાં મુન્દ્રા - બારોઇ નગરપાલિકાના નામનો ઉમેરો કરવામાં આવ્યો છે.જેથી ગાંધીનગરમાં આ નગરને ઓફિશિયલ રીતે દરજ્જો અપાઈ ગયો પણ કચ્છ જિલ્લા કલેકટર કચેરીની ઓફિશિયલ વેબસાઇટ પર જિલ્લામાં માત્ર છ નગરપાલિકા જ બતાવવામાં આવી છે.

જેમાં ભુજ, ગાંધીધામ, રાપર, ભચાઉ,અંજાર અને માંડવી નગરપાલિકાના એડ્રેસ,મેઈલ આઈડી અને સંપર્ક નંબર બતાવવામાં આવ્યા છે પણ નવનિર્મિત મુન્દ્રા - બારોઇ નગરપાલિકાનું વેબસાઈટ પર ક્યાંય નામોનિશાન જોવા મળતું નથી.જેથી જિલ્લા તંત્રની સરકારી વેબસાઈટ પર ક્યાંય મુન્દ્રા - બારોઇ નગરપાલિકા બની નથી તેવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે. સરકારી તંત્રની આળસ અને ઉદાસીનતાનો આ બેનમુન નમૂનો છે ત્યારે આળસ ખંખેરીને 1 વર્ષથી અસ્તિત્વમાં આવી ગયેલી મુન્દ્રા નગરપાલિકાને ઓફિશિયલ વેબસાઈટમાં પણ અસ્તિત્વ આપવામાં આવે તે જરૂરી બની ગયું છે.

મુન્દ્રા શહેરનો ડી વર્ગની સુધરાઈમાં કરાયો છે સમાવેશ
રાજકોટ ઝોન હસ્તક કચ્છમાં કુલ 7 નગરપાલિકા આવે છે.જેમાં ભુજ અને ગાંધીધામ એ કેટેગરી,અંજાર અને માંડવી બી કેટેગરી તેમજ રાપર,ભચાઉનો સી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે મુન્દ્રા નગરપાલિકાને ડી ગ્રેડનો દરજ્જો અપાયો છે.વર્ગની ફાળવણી નગરપાલિકા વિસ્તારની વસ્તી અને માપદંડને આધારે કરવામાં આવે છે.જેટલી વસ્તી અને વિસ્તાર વધુ તેટલા ઊંચા ગ્રેડ અપાય છે.નોંધનીય છે કે, નખત્રાણાને પણ નગરપાલિકા બનાવવાની વાતો થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...