આયોજન:બાળકો, મહિલાઓ અને વડીલો માટે સિટીબસ સેવા ફરી શરૂ કરવા અર્બન લેબ દ્વારા હિમાયત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘હોમ્સ ઇન ધ સીટિ’ સંસ્થા દ્વારા જાહેર પરિવહન અંગે ‘સ્ટેક હોલ્ડર્સ કન્સલ્ટેશન’ યોજાયું

પાંચ નાકા અને છઠ્ઠી બારીમાં સમાઇ જતું ભુજ આજે 56 સ્ક્વેર કિલોમીટરમાં પથરાઇ ગયું છે ત્યારે નવા રીંગરોડ, બાગ બગીચા અને ઘણી અવનવી સુવિધાઓ તો ભુજમાં વિકસી છે પરંતુ ભુજ શહેરની વાહન વ્યવહારની સમસ્યા વણસતી જાય છે. વાહન વ્યવહારની વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અમદાવાદની ‘અર્બન લેબ’ સંસ્થા સાથે ભુજની પાંચ સંસ્થાઓના સહિયારા પ્રકલ્પ ‘હોમ્સ ઇન ધ સીટિ’ દ્વારા ‘મોબીલીટી સ્ટડી’ કરવામાં આવ્યો. આ અભ્યાસના તારણો ભુજના નાગરિકો સાથે શેર કરી સહિયારા પ્રયાસો દ્વારા શહેરની વાહન વ્યવસ્થાને દુરસ્ત કરવા સ્ટેકહોલ્ડર્સ કન્સલ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું.

ભુજના માર્ગો પહેલાં કરતાં વધારે પહોળા થયા હોવા છતાં વાહન વ્યવહારની સમસ્યા જેમની તેમ બની રહી છે ત્યારે ભુજ શહેરમાં પાર્કિંગ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ભારે વાહનોના કારણે સર્જાતી ભીડનું આકલન કરવા માટે આ અભ્યાસ કરાયો હોવાનું એચઆઇસીના ડાયરેક્ટર અસીમ મિશ્રએ જણાવ્યું હતું. અમદાવાદની સંસ્થા ‘અર્બન લેબ’ના ડો. અભિજીત લોકરેએ ભુજ શહેરના વાહન વ્યવહાર પર કરવામાં આવેલા અભ્યાસના તારણો ઉપસ્થિત નાગરિકો સમક્ષ રજૂ કર્યા હતા.

અભ્યાસમાં ટ્રક, છકડા, સાયકલ ચાલકો, શાળાના વિદ્યાર્થીઓના સેમ્પલ સર્વે કરાયું હતું. રાઇટ ઓફ વે, પબ્લિક ટ્રાન્સપોર્ટ, ફુટપાથ અને ઓર્ગેનાઇઝ્ડ પાર્કિંગ વ્યવસ્થાની હિમાયત કરવામાં આવી હતી. ભુજમાં સીટીબસ બંધ થવાના પરિણામે કેટલાક બાળકોએ ભણવાનું છોડવું પડ્યું હતું, આ પરિસ્થિતિમાં સૌ પ્રથમ બાળકો, મહિલાઓ અને વડીલો માટે ભુજમાં સીટીબસની સેવા ફરીથી શરૂ થાય સૌથી વધારે અગત્યની બાબત છે. સાથે તેમણે ઉમેર્યું હતું કે જો નગરપાલિકા ઇચ્છે તો ઇલેક્ટ્રિક બસ માટે રાજ્ય સરકાર સબસીડી પણ પુરી પાડે છે જેના સંકલન માટે અર્બન લેબ સહયોગી બની શકે તેમ છે.

ભુજ માટે નવા ટાઉન પ્લાનિંગ અંગે વિચારવાનો સમય આવી ગયો હોવાનું જણાવતાં ડો. અભિજીતે ઉપસ્થિત નાગરિકોને પાર્કિંગ માટે ફી, રાહદારીઓને સહકાર, ફુટપાથ હોય તો ચાલવાનો વિકલ્પ તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે નવેસરથી બિઝનેસ પ્લાન અંગે અભિપ્રાય માગ્યા હતા.

નાગરિકોએ ઓડ ઇવન પાર્કિંગ, વન વે, ભારે વાહનો માટે શહેરની બહારથી બાયપાસ માર્ગ, ફુટપાથ પરના દબાણો દૂર કરવા, પાર્કિંગ સાઇન, પેડેસ્ટ્રીયન ઝોન, નો હોકર્સ ઝોન, હોકિંગ ઝોન, જ્યુબીલી ગ્રાઉન્ડ જેવાં જાહેર સ્થળો પર સુચારૂ પાર્કિંગ વ્યવસ્થા તેમજ વાહન ચાલકોમાં વાહન વ્યવસ્થાની સમજ કેળવવા માટે સુચનો કર્યાં હતાં.

ભુજ નગરપાલિકાના ઉપ પ્રમુખ રેશ્માબેન ઝવેરીએ નાગરિકોને વાહન વ્યવહારની સમજ પુરી પાડવાની હિમાયત કરી હતી. ભુજ શહેરના લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, સાયકલીસ્ટ ક્લબ, ફોકિયા, શેરી ફેરીયા, તબીબો, એન્જિનીયર્સ તેમજ શાળા સંચાલકો ચર્ચામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...