પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા વહીવટી સરળતા તેમજ વીજ ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને સંતોષકારક અને માર્યાદિત સમયમાં ઝડપી સેવા પૂરી પાડી શકાય અને ટૂંક સમયમાં વીજ પુરવઠો શરુ કરી શકાય તે હેતુથી હવે ટ્રાન્સફોર્મરનો બફર સ્ટોક સબ ડિવિઝન કચેરી ખાતે પણ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને પગલે કચ્છમાં પણ હવે વિભાગીય વીજ કચેરીઓમાં ટ્રાન્સફોર્મરનો સ્ટોક રાખવામાં આવશે.
અત્યાર સુધી કોઇપણ સ્થળે ટ્રાન્સફોર્મર ફેઈલ થાય ત્યારે ડિવિઝન ઓફીસના સ્ટોરમાંથી નવું ટ્રાન્સફોર્મર ફાળવવામાં આવતું હતું. આ કારણે સબ ડીવીઝન હેઠળના જે સ્થળે ટ્રાન્સફોર્મર બદલવાનું થતું હતું ત્યાં સુધી પહોંચાડવામાં વધુ સમય લાગતો હતો. આમ નિષ્ફળ થયેલા ટ્રાન્સફોર્મર્સને બદલવામાં જે સમય લાગે તે નિર્ધારિત સમય મર્યાદા કરતાં વધી જવાથી વીજ ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવાની ગુણવત્તાને અસર પડતી હતી તેમજ ગ્રાહકો તરફથી ફરિયાદો પણ રહેતી હતી. આવા કિસ્સાઓને રોકવા પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક અમલીકરણ માટેના નિર્દેશો દરેક વર્તુળ કચેરીઓને જારી કરવામાં આવ્યા છે.
કચ્છમાં દરેક પેટા વિભાગીય કચેરીએ નવા કે સારી કંડીશનના ટ્રાન્સફોર્મર્સનો બફર સ્ટોક ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી ચાલે તેટલો રાખવા, સંબંધિત વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરને ટ્રાન્સફોર્મર્સ કયા સ્થાન પર રાખવા તેનું સંચાલન અને મોનીટરીંગ કરવા જણાવાયું છે. જ્યારે પણ ટ્રાન્સફોર્મર ફેઈલની જાણ થાય ત્યારે સબ ડીવીઝન દ્વારા આ બફર સ્ટોકમાંથી ટ્રાન્સફોર્મર બદલવાની કામગીરી સોંપવામાં આવેલી એજન્સીને નવું ટીસી આપવામાં આવશે. આમ થવાથી હવે સમય બચશે તેમજ વીજ ગ્રાહકોને સારી સુવિધા મળી રહેશે તેમ ભુજ વર્તુળ કચેરીના વીજ વડાની યાદીમાં જણાવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.