કોરોના બેફામ:જિલ્લામાં નવા 17 દર્દી સાથે એક્ટિવ કેસ 60

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનકુવા, બળદિયા, નારણપર, સામત્રા, કોડકી અને મેઘપર (બો)માં કોરોનાની હાજરી
  • શહેરોમાં લોકલ ટ્રાન્સમિશનના કારણે 10 વ્યક્તિઓ સંક્રમિત બન્યા

કચ્છ જિલ્લામાં કોરોના વાયરસના કેસોની સંખ્યામાં સપ્તાહથી ઓચિંતો ઉછાળો આવ્યો છે જેના કારણે ચિંતાની લહેર ફરી વળી છે.કોરોના બેફામ બન્યો હોય તેમ શહેરોમાં 10 અને ગ્રામીણ વિસ્તારોમાં 7 કેસની હાજરી સાથે જિલ્લામાં સક્રિય કેસની સંખ્યા વધીને 60 થઈ ગઈ છે.જિલ્લા પંચાયતની યાદીમાં જણાવ્યા પ્રમાણે ભુજ શહેરમાં 4 અને તાલુકામાં 6 કેસ નોંધાયા છે જેમાં માનકુવામાં 2 જ્યારે બળદીયા,નારણપર,સામત્રા અને કોડકીમાં 1 - 1 કેસ આવ્યો છે.

આ ગામોમાં તાજેતરમાં કોવિડથી લોકો સંક્રમિત બન્યા હતા જેથી કોન્ટેકટ ટ્રેસિંગ દરમ્યાન પોઝીટીવ કેસ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.બીજી તરફ આજે પણ ગાંધીધામ શહેરમાં પાંચ કેસો નોંધાયા છે.ભુજ અને માંડવી બાદ ગાંધીધામ શહેર ફરી કોરોનાની ઝપેટમાં આવી રહ્યું છે આ તરફ લાંબા સમય બાદ મુન્દ્રા શહેરમાં પણ 1 વ્યક્તિ સંક્રમિત બન્યો છે.અંજાર તાલુકામાં મેઘપર બોરીચી ખાતે વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે.નવા 17 કેસની સામે 6 દર્દીઓ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી.જે તમામ દર્દીઓ ભુજના છે.આ સાથે કુલ કેસની સંખ્યા વધીને 12,827 થઈ છે.

ઉલ્લેખનીય છે કે,કોવિડના કેસો વધવા પાછળ લોકોની બેદરકારી અને તંત્રની લાપરવાહી બંને જવાબદાર છે.કારણકે લોકોએ માસ્ક પહેરવા અને રસી મુકાવવામાં આળસ દાખવી હતી તો તંત્ર પણ સરકારી કાર્યક્રમોની ઉજવણીમાં પરોવાયેલું હતું.જેથી કોવિડ નિયમોની અમલવારી કરાવાઈ નથી જેના કારણે કોરોના હવે બેફામ બન્યો છે.ફરી કેસો વધી રહ્યા હોવાથી ત્રીજી લહેરની ખતરાની ઘંટડી રણકી રહી છે.

રવિવારે ઓમીક્રોનનો એકપણ કેસ નહિ
શનિવારે ભુજ તાલુકાના બળદીયા અને કોડકી ગામે ઓમીક્રોનનો 1 - 1 કેસ નોંધાયો હતો.જેઓ હાલ ભુજની હોસ્પિટલમાં દાખલ છે.દરમ્યાન બીજા દિવસે રવિવારે જિલ્લામાં ઓમીક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...