ધોળાવીરાને વૈશ્વિક ધરોહર જાહેર કરાયું છે ત્યારે રાપર તાલુકાના કાનમેરમાં 5500 વર્ષ પહેલાના હડ્ડપીયન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે પરંતુ તેને તંત્ર ભૂલી જતાં આ સ્થળે ગાંડા બાવળના ઝુંડ ઉગી નીકળ્યા છે. કાનમેરમાં 1985માં પદ્મશ્રી રવીન્દ્રસિંહ બિસ્ને દ્વારા ખોદકામ કરાયું હતું. ત્યારબાદ 2005માં રાજસ્થાન ઉદયપુર વિશ્વ વિદ્યાલયના પુરાતત્વીય વિભાગના જે.એસ. ખરકવાલા, કે.પી.સિંગ દેવડની ટીમને ખોદકામ દરમ્યાન અહીં હડ્ડપીયન સંસ્કૃતિનું આખું ગામ મળ્યું હતું અને આ સ્થળને બકરી ટીંબા તરીકે ઓળખવામાં આવે છે.
ખોદકામ દરમ્યાન એક ભઠ્ઠી મળી આવી હતી, જેમાંથી ફેપનસ પાવડરના મોતી મળ્યા હતા. આ મોતીનો વેપાર ધોળાવીરા અને લોથલ વચ્ચે થતો હતો. આ દરમ્યાન મળી આવેલા વિવિધ સીલ પરની અલગ-અલગ લીપી પરથી એવું અનુમાન કરાયું છે કે, અહીં અનેકભાષી લોકો વસવાટ કરતા હતા. જો કે, ત્યારબાદ ભચાઉ તાલુકાના શિકારપુરની જેમ આ સ્થળની પણ તંત્ર દ્વારા કોઇ જ જાળવણી ન કરાતાં હાલે અહીં બાવળોના ઝુંડ ઉગી નીકળ્યા છે.
રાપર તાલુકામાં ખોદકામ કરાય તો હજુ વધુ હડ્ડપીયન નગરો મળી આવે
ઉદયપુર વિશ્વ વિદ્યાલયના પુરાતત્વીય વિભાગના સંશોધનકર્તા ડો.કે.પી.સિંગ દેવડાએ જણાવ્યું હતું કે, રાપર તાલુકામાં હડ્ડપીયન સંસ્કૃતિના અનેક નગરો હજુપણ ધરબાયેલા છે. ગાગોદરનો આલુળા વિસ્તાર, ચિત્રોડ, રાપર પોલીસ સ્ટેશનનો આસપાસનો વિસ્તાર વગેરે સ્થળોએ હડ્ડપીયન સંસ્કૃતિના ગામો ધરબાયેલા છે, જો અહીં ખોદકામ કરાય તો સ્થાનિક લોકોને પણ રોજગારી મળે પ્રવાસનને વેગ મળે તેમ છે.
ફંડના અભાવે 2015માં ખોદકામ બંધ કરાયું
કાનમેરમાં જાપાની સંસ્થા રિસર્ચ ઓફ હ્યુમાનિટીસ એન્ડ રિસર્ચ ક્વોટોના ડાયરેક્ટર તોસીકી-અોસાદાના માર્ગદર્શન હેઠળ ખોદકામ શરૂ કરાયું હતું. 2012માં હડ્ડપીયન સંસ્કૃતિ વિષયક બુક પણ બહાર પાડવામાં આવી હતી. જો કે, સંસ્થા પાસે પૂરતું ફંડ ન હોઇ 2015માં ખોદકામ બંધ કરાયું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.