તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અબડાસાનું રાજકારણ ગરમાયું:અબડાસા તા. પંચાયતમાં સત્તા મેળવવા છૂપી ખેંચતાણ

ભુજ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે સભ્યો આડા ન ફાટે તો કોંગ્રેસની જ સત્તા બને
  • કોંગ્રેસના બે સભ્યો તોડવા ભાજપના આંતરિક કાવાદાવા શરૂ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે પાંચ પાલિકા, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો સફાયો કર્યો છે અને 10 પૈકી આઠ તાલુકા પંચાયતમાં પણ બહુમતી વિજય હાંસલ કર્યો છે, જયારે કોંગ્રેસને સમ ખાવા પૂરતી માત્ર બે તાલુકા પંચાયતો લખપત, અબડાસામાં વિજય મળ્યો છે ત્યારે અબડાસા તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરવા માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ તેજ બની છે.

મંગળવારે જાહેર થયેલા પરિણામમાં કોંગ્રેસને માત્ર બે તાલુકા પંચાયતોમાં જ બહુમતી વિજય મળ્યો છે. અબડાસા તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી કોંગ્રેસને 10 અને ભાજપને 8 જયારે લખપત તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી કોંગ્રેસને 9 અને ભાજપને 7 બેઠકો મળી છે. આમ નિયમ મુજબ બંને તાલુકા પંચાયતોમાં કોંગ્રેસની બહુમતી હોઇ નિયમાનુસાર સત્તા મેળવવા માટે પૂરતા સભ્યો છે જ પરંતુ ચૂંટણી પૂરી થતાં જ ભાજપે અબડાસા તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરવા માટે કોંગ્રેસના બે સભ્યોને તોડવા આંતરિક પ્રયાસો તેજ કર્યા છે.

સૂત્રોનું માનીએ તો એક અનુસૂચિત જાતિ, એક અનુસૂચિત જનજાતિના સભ્ય સહિત કોંગ્રેસના ત્રણ સભ્યો વંડી ઠેંકવાની ફિરાકમાં હોવાનો દાવો કરાઇ રહ્યો છે. વધુમાં સૂત્રો એમ પણ કહી રહ્યા છે કે, ચૂંટણી પહેલાથી ભાજપના એક સ્થાનિક અગ્રણીના સંપર્કમાં રહેલા કોંગ્રેસના બે સભ્યો તો ભાજપમાં જોડાય તે નક્કી છે. જો આવું થયું તો કોંગ્રેસ સમ ખાવા પૂરતી મળેલી બે તાલુકા પંચાયતોમાંથી અબડાસા તાલુકા પંચાયતની પણ સત્તા ખુમાવશે.

અત્રે એ પણ નોંધનીય છે કે, વર્ષ 2015માં લખપત તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત થઇ હતી પરંતુ ટર્મ પૂરી થાય ત્યાં સુધી કોંગ્રેસ સત્તા ટકાવી શક્યું ન હતું અને અંદાજિત અઢી વર્ષ બાદ જ ભાજપે સત્તા આંચકી લીધી હતી ત્યારે અબડાસા તાલુકા પંચાયતમાં નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે.

તાલુકા પંચાયત 10 નહીં 13 સભ્યોની બહુમતીથી બનશે: કોંગ્રેસનો દાવો
અબડાસા તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી 10 કોંગ્રેસે કબ્જે કર્યા બાદ અફવાનું બજાર ગરમ છે અને કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યો કોંગી આગેવાનોથી સંપર્ક વિહોણા થયા હોવાની વહેતી થયેલી વાતો વચ્ચે હનિફબાવા પઢિયારે જણાવ્યું હતું કે, કોંગ્રેસના ચૂંટાયેલા 10 સદસ્યો ઉપરાંત ભાજપના 3 ચૂંટાયેલા અસંતુષ્ટ સદસ્યો અમારા સંપર્કમાં છે અને હવે અબડાસા તાલુકા પંચાયત 10 નહીં, 13 સભ્યોની બહુમતીથી બનશે અને કોંગ્રેસના તમામ ચૂંટાયેલા સભ્યો ઈકબાલ મંધરા પાસે છે.

ભાજપના અસંતુષ્ટ 3 સભ્યો સંપર્કમાં : તાલુકા કોંગ્રેસ પ્રમુખ
કોગ્રેસના 3 સભ્યો ભાજપમાં જોડાવાની ફિરામાં હોવાની અફવા વચ્ચે અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજિતસિંહે સોશ્યલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, અબડાસા તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા કોંગ્રેસના તમામ સભ્યો તેમના સંપર્કમાં છે. વધુમાં ભાજપના ચૂંટાયેલા 8માંથી બેથી ત્રણ સભ્યો તેમના સંપર્કમાં છે અને હવે કોંગ્રેસ 10 નહીં 13 સભ્યોની સત્તા બનાવશે.

તેરા, બિટ્ટા, મોથાળા બેઠકમાં ગોલમાલનો આક્ષેપ: અદાલતના દ્વાર ખખડાવાશે
તાલુકા પંચાયતની તેરા, બિટ્ટા અને મોથાળા બેઠક પર ગોલમાલથી કોંગ્રેસની જીત થઇ છે. આ ત્રણેય બેઠકો પર ભાજપના ઉમેદવારોને નજીવા મતોથી પરાજય મળ્યો છે. પક્ષના ઉમેદવારો અને એજન્ટો નવા હોઇ જે-તે વખતે નિયમાનુસાર રિ-કાઉન્ટિંગ ન કરાવ્યું પરંતુ હવે આ ત્રણેય બેઠકો મુદ્દે સિનિયર ધારાશાસ્ત્રીને રોકી, કોર્ટમાં જવા ચર્ચા-વિચારણા ચાલી રહી હોવાનું અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ મહેશ ભાનુશાલીએ જણાવ્યું હતું.

તાલુકા પંચાયતમાં અમારી સત્તા આવશે : તાલુકા ભાજપ પ્રમુખનો દાવો
તોડજોડની નીતિ વચ્ચે કોંગ્રેસે ભાજપના ચૂંટાયેલા 3 સભ્યો તેમના સંપર્કમાં હોવાનો દાવો કર્યો છે ત્યારે આ મુદ્દે અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ મહેશ ભાનુશાલીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ભાજપના 3 સભ્યો કોંગ્રેસમાં જશે તે વાત હાસ્યાસ્પદ છે. વધુમાં કોંગ્રેસના 2થી વધુ સભ્યોના ભાજપના ઉમેદવારો સાથે લાગણીના સંબંધો છે અને તેઓ કોઇપણ પ્રકારના દબાણ વગર સ્વેચ્છાએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવવા તૈયાર છે અને અબડાસા તાલુકા પંચાયતમાં ભાજપની જ સત્તા આવશે.

અન્ય સમાચારો પણ છે...