• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Aam Aadmi Party Has Sent An Application Form On The Issue Of Leaking Government Examination Papers At Bhuj Collectorate.

રજૂઆત:ભુજ કલેક્ટર કચેરી ખાતે સરકારી પરીક્ષાઓના પેપર લીક થવા મુદ્દે આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવ્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2016થી 2021 સુધીમાં આઠ સરકારી પરીક્ષાઓના પેપર લીક થયાં - આપ
  • રાજ્યનું ગૌણ સેવા પસંદગી મંડળ સજાગ બને તેવી આમ આદમી પાર્ટીની માંગ

સરકારી પરીક્ષાઓના પેપર લીક થવાના મુદ્દે આમ આદમી પાર્ટીએ ભુજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. નોંધનીય છે કે ગુજરાતમાં સરકારી નોકરી માટે એક હજારની ભરતી સામે લાખો અરજીઓ આવતી હોય છે. નોકરી ઇચ્છુક રાજ્યના હજારો બેરોજગાર યુવાનો તડતોડ મહેનત કરી પરીક્ષાની તૈયારી કરતા હોય છે. ત્યારે આ પ્રકારની પરીક્ષા પેપર પ્રસારિત કરતી ગૌણ સેવાની બેદરકારીના કારણે પરીક્ષા પૂર્વેજ પેપર લીક થઈ જતા પરીક્ષા રદ્દ થતી હોવાથી યુવાનોની મહેનત ફાજલ નીવડે છે.

ચાર દિવસ પૂર્વે લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાની ઘટના તાજી છે. ત્યારે આ પ્રકારના બનાવો અટકાવવા સંબધિત તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં આવે એવી માંગ સાથે આમ આદમી પાર્ટી, પશ્ચિમ કચ્છ દ્વારા આજે ગુરૂવારે ભુજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પત્રમાં જણાવ્યા અનુસાર 2016થી મુખ્ય સેવિકા, તલાટી ભરતી, ટેટની પરીક્ષા, ટાટની પરીક્ષા, વન રક્ષકની પરીક્ષા, સચિવાલય ક્લાર્કની પરીક્ષા, પોલીસ કોન્સ્ટેબલની પરિક્ષા અને 2021માં હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર લીક થયાની ઘટના બની ચુકી છે. આ એક ગંભીર બાબત છે. આ બધી જ પરીક્ષાઓનાં પેપર લીક થવાની ઘટનાઓ યુવાનોને માનસિક આઘાત પહોંચાડનારી છે. આ માટે રાજ્યની ગૌણ સેવા તંત્ર સજાગ બને તેવી આમ આદમી પાર્ટીએ માંગ કરી હતી.

આવેદનપત્ર રજૂ કરતા સમયે આપના પ્રદેશ મંત્રી રાજેશ પિંડોરિયાં, મહિલા પ્રમુખ અંકીતા ગોર, ક્રિષ્ના ઠક્કર, અંકિતા ધોકાઈ, ગિરિરાજસિંહ જાડેજા, રાજેશ જબુઆણી, અશ્વિન પીંડોરિયા, વનરાજસિંહ વાઘેલા, ઉમરશી મારવાડા, રફીક રાયમા, ગાંગજી બુચિયાં, દિવ્યરાજસિંહ ચુડાસમા, મિથુન ગોસ્વામી, પ્રવીણ વરસાણી વગેરે કાર્યકર જોડાયા હોવાનું પક્ષના પશ્ચિમ કચ્છના મીડિયા કો-ઓર્ડિનેટર ગિરિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...