ભચાઉ તાલુકાના ઉત્તર દિશાએ આવેલા કડોલ ગામના રણ વિસ્તારમાં મીઠાના અગરો આવેલા છે. જેમાં હિતાચી મશીન વડે રસ્તાના લેવલિંગનું કામ કરતો જમ્મુનો 26 વર્ષીય શુભમ યોગેન્દ્રસિંહ રાજપૂત નામનો યુવક ગત તા. 4 એપ્રિલની સાંજે 8 વાગ્યા બાદ અચાનક ગુમ થઈ ગયો હતો. જેના પગલે તેના પરિજનો છેક જમ્મુથી ભચાઉ આવી શોધખોળમાં લાગ્યા છે.
ગુમશુદા યુવકના ભાઈનો આરોપ છે કે તા. 4ના રોજ જંગલ ખાતા દ્વારા કડોલ રણમાં દરોડો પાડી 3 જેટલા લોકોની અટકાયત કરાઈ હતી, તેમાં મારો ભાઈ પણ શામેલ હતો. પરંતુ હવે જંગલ ખાતું ભાઈની અટકાયત કરાઈ હોવાની વાતથી મનાઈ કરી રહ્યું છે. પોલીસમાં પણ નોંધ કરાવી છે, પણ એક સપ્તાહ વીતી ગયું હોવા છતાં ભાઈની કોઈ જ ભાળ મળી નથી.
આ વિશે ગુમસુદા શુભમના ભાઈ ગુલશન રાજપુતે આપવીતી જણાવતાં કહ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ભાઈ અહીં કચ્છમાં રોજગાર માટે આવી કામ કરતો હતો. હાલ તે શંભુભાઈ ડાંગરના સોલ્ટ કારખાનામાં હિતાચી ઓપરેટર તરીકે કામ કરતો હતો. દરરોજ રાત્રે તેની સાથે અમારે વાત થતી, પરંતુ ગત તા. 4 એપ્રિલથી તેનો ફોન આવ્યો નથી. અચાનક તેના ફોન આવતા બંધ થઈ જતા અમે તેના આસપાસના પરિચિત લોકોનો સંપર્ક કર્યો હતો. પરંતુ ભાઈના ખબર ના મળતા હું અને પિતા સહયોગી સાથે ભચાઉ આવી ગયા.
તેમણે વધુમાં જણાવતાં કહ્યું હતું કે તેની તપાસ કરતા જાણવા મળ્યું કે ગત તા. 4ની સાંજે 6 વાગ્યે જંગલ ખાતા દ્વારા રણમાં ચાલતા કાર્ય પર દરોડો પાડવામાં આવ્યો હતો અને 3 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. તેમાં મારો ભાઈ પણ શામેલ હતો. જેને કારખાનાના અન્ય કામદારોએ એ જ રાત્રે 8 વાગ્યે છેલ્લે જંગલ ખાતાની ગાડીમાં જતા જોયો હતો. જ્યારે આ વિશે જંગલ ખાતાનો સંપર્ક કરતા તેમણે ભાઈ ભાગી ગયો હોવાનું જણાવ્યું હતું. જેના બાદ ચાર દિવસથી ભાઈને શોધીએ છીએ. પણ અજાણ્યા વિસ્તારમાં ક્યાં ગોતવા જવું એજ ખબર નથી પડી રહી. જો કે ભાઈનો ભચાઉ પોલીસમાં ગુમશુદા રિપોર્ટ દાખલ કરાવ્યો છે.
દરમિયાન આ વિશે ભચાઉ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઝાલા સાહેબનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ચોબારી રેન્જ દ્વારા ગત તા. 4ના રોજ કડોલ રણમાં દરોડો જરૂર પડાયો હતો. પરંતુ તેમાં શુભમ નામના કોઈ વ્યક્તિની અટકાયત થઈ નથી. જે વ્યક્તિની અટકાયત થઈ હતી તેમને બીજા દિવસે સવારે જ છોડી મુકાયા હતા.
અલબત્ત જમ્મુના પિંડી પ્રાંતમાંથી ભચાઉ આવી એક ભાઈ અને પિતા તેમના સ્વજનની શોધખોળ છેલ્લા 4 દિવસથી ચલાવી રહ્યા છે. મધ્યમ વર્ગના પરિવારના સભ્યો હાલ બચત મૂડી ભાઈની શોધખોળ પાછળ ખર્ચી રહ્યા છે. પરંતુ તેમને ભાઈ ગયો તો ક્યાં ગયો હશે તેમજ તેની સાથે શું કાંઈ અઘટિત તો નહીં બન્યું હોય ને? તેવી ચિંતા સતાવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.