વન વિભાગ હકરકતમાં:માંડવીના ગોધરા ગામની સીમમાં જંગલી જાનવરે 11 ઘેટાં-બકરાનું મારણ કર્યું; પાંચેક બચ્ચાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાય છે

માંડવીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સીમમાં માલધારીઓના પશુઓનું મારણ કરવાથી ફફડાટ ફેલાયો છે - Divya Bhaskar
સીમમાં માલધારીઓના પશુઓનું મારણ કરવાથી ફફડાટ ફેલાયો છે

માંડવી તાલુકાના ગોધરા ગામે હિંસક પ્રાણીએ 11 જેટલા ઘેટા બકરાનું લોહી ચૂસીને મારણ કરતાં માલધારી ઉપર આભ તૂટી પડ્યું હતું. બનાવને પગલે માંડવી વન વિભાગે પશુપાલકોને પોતાના પશુધનને સલામત સ્થળે રાખવા અને સાથે રહેવા ખાસ અપીલ કરી છે. રાની પશુએ અબોલ જીવોના આંતરડા કાઢી લેતા માલધારીઓમાં ભય ફેલાયો છે.

આ અંગે ગોવાભાઇ રબારીએ જણાવ્યું હતું કે 11 જેટલા નાના-મોટા ઘેટા બકરાનું જંગલી પ્રાણીએ મારણ કર્યું છે. આ ઉપરાંત પાંચ થી છ જેટલા નાના અબોલ જીવો હાલમાં તરફડી રહ્યા છે. બે-ત્રણ હજુ પણ નાજુક સ્થિતિમાં હોવાનું તેમણે જણાવ્યું હતું. યુવા માલધારીએ આ ઘટનાની માંડવી વનવિભાગના અધિકારી મેહુલ પ્રજાપતિ, મામલતદાર ચૌધરી અને ટીડીઓ ગોહિલને જાણ કરતાં તંત્રે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.

ઘટના અંગે ગોધરા વન વિભાગ હદના ઇન્ચાર્જ વનપાલ નરેન્દ્ર વેલાણીએ એક રિપોર્ટ તૈયાર કરીને ઉપર મોકલાવ્યો છે અને માલધારીને યોગ્ય વળતર મળે તે માટેની વહીવટી પ્રક્રિયા હાથ ધરી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ કયું પ્રાણી છે તેની તપાસ હાલમાં હાથ ધરાઈ છે. ગોધરાના તલાટી હરેશ ગઢવી અને ગામના માલધારી અગ્રણીઓએ ઘટનાસ્થળે જઈને અબોલ જીવો ગુમાવનારા પશુ પાલકને સાંત્વના આપી હતી. બનાવના પગલે ફફડાટ ફેલાયો છે.

ત્રણેક વર્ષ પૂર્વે પણ અજાણ્યા રાની પશુએ મારણ કર્યું હતું
ત્રણેક વર્ષ પહેલા પણ જંગલી હિંસક જાનવરે ત્રણથી ચાર જેટલા માલધારીઓના પશુઓનું અલગ અલગ જગ્યાએ મારણ કર્યું હતું ત્યારે ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. કયું જંગલી પ્રાણી આ અબોલ જીવોનો શિકાર કરે છે તેનું તારણ કાઢવું તે સમયે મુશ્કેલ બન્યું હતું. વનવિભાગના તત્કાલિન અધિકારી બારડે માલધારીઓને વળતર અપાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...