કિશોરની હત્યા:ભુજ તાલુકાના નોખાણીયા ગામે ભેંસો ચરાવવા ગયેલા કિશોરની અજાણ્યા ઇસમોએ કરી ઘાતકી હત્યા

ભુજએક મહિનો પહેલા
  • ચૂંટણીના માહોલ વચ્ચે હત્યાની ખબરથી જિલ્લામાં ચકચાર પ્રસરી
  • હતભાગીના ગળાના ભાગે કોઈકે ધારદાર હથિયાર વડે નિર્દયીપણે હત્યા નીપજાવી
  • માધાપર પોલીસે હત્યારાઓને શોધી પાડવા આગળની તજવીજ હાથ ધરી
  • કિશોર ભેંસો ચરાવવા ગયો હતો, સીમમાંથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

ભુજ તાલુકાના નોખાણીયા ગામે આજે રવિવારે ચાલી રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે ગામના એક 16 વર્ષના કિશોરની અગમ્ય કારણોસર કોઈએ હત્યા કરી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. માલધારી પરિવારના કિશોરની હત્યા થઈ હોવાના સમાચાર મળતા પશ્ચિમ કચ્છ એસપી સૌરભ સિંઘ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બનાવની માહિતી મેળવી હતી. જોકે કયા કારણોસર કિશોરની હત્યા થઈ છે તેની તપાસ માધાપર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

સૂત્રો અનુસાર ગામના વાલજીભાઈ ગાગલા ( આહીર)નો 16 વર્ષીય પુત્ર નિલેશ આજે રવિવારે વહેલી સવારે નિત્યક્રમ મુજબ ભેંસોને લઈ સીમાડામાં ચરાવવા માટે ગયો હતો. દરમિયાન બપોરે 12.30 વાગ્યા બાદ રોજની જેમ ભેંસો પરત આવી ગઈ હતી. પરંતુ તેમનો પુત્ર પરત જોવા ના મળતા તેમણે ફોન કર્યો હતો. પરંતુ તે સ્વીચ ઓફ આવતા માતા પિતા સાથે પરિજનોએ સીમના વિસ્તારમાં શોધખોળ આદરી હતી.

ત્યારે બપોરે 1 વાગ્યા બાદ તેમને ગામની સીમમાંથી પુત્રનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. હતભાગીના ગળાના ભાગે કોઈકે ધારદાર હથિયાર વડે નિર્દયીપણે હત્યા નીપજાવી હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે માધાપર પોલીસે ફરિયાદ સહિત હત્યારાઓને શોધી પાડવાની આગળની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...