ભલામણ:10 વર્ષની બાંહેધરી સાથે શિક્ષકની ભરતી દરખાસ્ત કેબિનેટમાં મૂકાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના પ્રભારી અને શિક્ષણમંત્રી અેકાદ સપ્તાહમાં જિલ્લાની મુલાકાતે
  • સાંસદ, પૂર્વ રાજ્યમંત્રી અને અબડાસાના ધારાસભ્યઅે પણ ભલામણ કરી હતી
  • જિલ્લામાં 197 ટિચર્સની ખાલી પડેલી જગ્યાઓની પૂર્તિ થશે

કચ્છ જિલ્લામાં ખાસ કિસ્સા તરીકે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઅોમાં 10 વર્ષ સુધી ફેરબદલીની માંગણી ન કરી શકે તેવી બાંહેધરી લઈને શિક્ષકોની નિમણૂક અાપવા કલેકટર પ્રવિણા ડી.કે.અે શાળાઅોની કચેરીના નિયામકને પત્ર લખીને દરખાસ્ત મૂકી છે. જેનો નિયામકે હકારાત્મક પ્રતિભાવ અાપી શિક્ષણ વિભાગને દરખાસ્ત મોકલી અાપી છે. જે કેબિનેટમાં ઠરાવ મૂકાશે અને ટૂંક સમયમાં મંજુરી મળી જાય અેવા ઉજળા સંજોગો ઊભા થયા છે. જેની સ્થિતિ કચ્છના પ્રભારી અને શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલા અેકાદ સપ્તાહમાં જિલ્લાની મુલાકાતે અાવશે ત્યારે જાણી શકાશે.

કચ્છ જિલ્લામાં કુલ 138 સરકારી માધ્યમિક શાળાઅો, 10 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઅો અને 40 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઅો મળીને કુલ 188 શાળાઅો અાવેલી છે, જેમાં માધ્યમિક વિભાગમાં 123 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 74 મળીને કુલ 197 શિક્ષકોની જગ્યાઅો ખાલી છે. પરંતુ, ગુજરાત સરકાર દ્વારા ભરતી કરવામાં અાવે છે ત્યારે કચ્છ જિલ્લાની શાળાઅોમાં ઉમેદવારો પસંદ કરતા નથી અને પસંદ કરેલી શાળાઅોમાં ઉમેદવારો હાજર થતા નથી. હાજર થાય તો બદલી કરાવીને પોતાના વતનમાં જતા રહે છે.

સરવાળે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ યથાવત રહે છે. જે બાબતે સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ અાહિર, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ અેમ. જાડેજાઅે કચ્છમાં ખાસ કિસ્સામાં 10 વર્ષના બોન્ડ ઉપર શિક્ષકોની નિમણૂકની ભલામણ અને હિમાયત કરી હતી. જેના સંદર્ભ સાથે કલેકટરે 5મી અોકટોબરે નિયામકને દરખાસ્ત મૂકી હતી. જેનો નિયામકે હકારાત્મક પ્રતિસાદ અાપી શિક્ષણ વિભાગમાં દરખાસ્ત મૂકી દીધી છે. જેનો ટૂંક સમયમાં કેબિનેટમાં ઠરાવ કરવામાં અાવશે.

જે પહેલા કચ્છના પ્રભારી અને શિક્ષણમંત્રી કિર્તીસિંહ વાઘેલા અેકાદ સપ્તાહમાં કચ્છ જિલ્લાના પ્રવાસે અાવશે ત્યારે વિગતે ચર્ચા થશે. અેવું જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાન પ્રજાપતિઅે વિશેષ વિગતો અાપતા જણાવ્યું હતું. નોંધનીય છે કે, ખાલી પડેલી જગ્યાઓ પુરવા માટે શરૂ થયેલી ગતિવિધિ કચ્છના શિક્ષણ માટે આશાનું કિરણ છે.

છેવાડાના 2 તાલુકામાં ધો. 9 અને 10ના 2072 છાત્રો સામે માત્ર 36 શિક્ષકો
કચ્છના અબડાસા અને લખપત તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઅોમાં શિક્ષકોની ભારે ઘટ છે, જેમાં ધોરણ 9માં 1126 અને ધોરણ 10માં 946 મળી કુલ 2072 વિદ્યાર્થીઅો છે. જેમને ભણાવવા માટે 81 શિક્ષકોનું મંજુર મહેકમ છે. પરંતુ, માત્ર 36 શિક્ષકો કામ કરે છે અને 45 જગ્યા ખાલી પડી છે.

જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાન પ્રજાપતિઅે તૈયાર કરાવેલા રિપોર્ટ મુજબ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અબડાસા અને લખપત તાલુકામાં ધોરણ 9ના કુલ 26 વર્ગો છે, જેમાં 1126 વિદ્યાર્થીઅોની સંખ્યા છે. અેવી જ રીતે ધોરણ 10ના કુલ 33 વર્ગો છે, જેમાં 946 વિદ્યાર્થીઅોની સંખ્યા છે. અામ, ધોરણ 9 અને 10ના કુલ 59 વર્ગોમાં 2072 વિદ્યાર્થીઅો ભણે છે. જેમને ભણાવવા માટે 81 શિક્ષકોનું મંજુર મહેકમ છે. પરંતુ, કામ કરતા માત્ર 36 શિક્ષકો છે અને 45 જગ્યા ખાલી પડી છે.

બીજી તરફ ધોરણ 11ના કુલ 9 વર્ગો છે, જેમાં 490 વિદ્યાર્થી છે. જ્યારે ધોરણ 12ના પણ કુલ 9 વર્ગો છે, જેમાં 173 વિદ્યાર્થીઅો છે. અામ, ધોરણ 11 અને 12ના કુલ 18 વર્ગોમાં 663 વિદ્યાર્ણીઅો ભણે છે. જેમને ભણાવવા માટે 41 શિક્ષકોનું મંજુર મહેકમ છે. પરંતુ, માત્ર 26 શિક્ષકો જ કામ કરે છે. બાકી 15 જગ્યા ખાલી પડી છે. સૂત્રોઅે જણાવ્યું હતું કે, જિલ્લા બહારથી શિક્ષકો ભરતી સમયે નોકરી મેળવવા અાવે છે. પરંતુ, ત્યારબાદ જેમને માના સ્તરના કહેવાયા છે અે મા-સ્તરો યેનકેન પ્રકારે વતનમાં કે શહેરમાં કે શહેર નજીકના ગામડામાં બદલી કરાવી વિદ્યાર્થીઅોને રેઢા મૂકી જાય છે.

જે સ્થિતિથી સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ રાજ્યમંત્રી અને અંજારના ધારાસભ્ય વાસણભાઈ અાહિર અને અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાઅે પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ વાકેફ કર્યા હતા. પરંતુ, મુખ્યમંત્રી સહિત અાખું મંત્રીમંડળ બદલી જતા કલેકટર પ્રવિણા ડી.કે.અે લોક પ્રતિનિધિઅોની ભલામણ અને હિમાયતનો હવાલો અાપી નિયામકને 10 વર્ષના બોન્ડ પર શિક્ષકોની નિમણૂકનો વિકલ્પ સૂચવતી દરખાસ્ત મૂકી છે.

જો, કચ્છના તમામ લોક પ્રતિનિધિઅો, રાજકારણીઅો હુંસાતુંસી મૂકીને અેકસંપ થઈ અે દિશામાં જોર દઈ કામ કરે તો કેબિનેટમાં ઠરાવ મંજુર થઈ અાવી જશે. સ્પીકર ડો. નિમાબેન અાચાર્ય પણ વગ વાપરીને ઠરાવ મંજુર કરાવશે તો કચ્છમાં શિક્ષણનું સ્તર સુધરે અેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...