આયોજન:કચ્છના ગુજરાતી સાહિત્યકારોનો પરિચય આપતું સુવેનિયર પ્રસિદ્ધ થશે

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિસેમ્બરમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું 32મું જ્ઞાનસત્ર કચ્છમાં યોજાશે
  • સિન્ધી ભાષાના વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. જેઠો લાલવાણી મહેમાન : કચ્છના પાંચ સર્જકો વક્તવ્ય અાપશે

ગુજરાતી સાહિત્ય પરિષદનું 32મું જ્ઞાનસત્ર આગામી ડીસેમ્બર માસની તા. 24,25,26ના ત્રણ દિવસ ભુજ નજીક સેડાતા પાસે આવેલા સૂર્યા વરસાણી એકેડમીમાં આયોજીત કરવામાં આવ્યું છે. આ જ્ઞાનસત્રમાં ત્રણ દિવસ દરમ્યાન કુલ્લ આઠ બેઠકો યોજાશે. જેમાં મુખ્યત્વે સુરેશ જોષી, ચુનીલાલ મડિયા અને જયંત પાઠકની જન્મ શતાબ્દી નિમિત્તે ત્રણ બેઠકો યોજાશે. આ ઉપરાંત ગુજરાતી સામાયિકો, અનુવાદ અને સાંપ્રત સમસ્યાઓ સંદર્ભે પણ બેઠકો યોજાશે.

આ બેઠકોમાં કુલ અઢાર જેટલા વક્તાઓ અભ્યાસપૂર્ણ વક્તવ્યો આપશે. તેમાં શિરીષ પંચાલ, કિરીટ દૂધાત, સંજય ચૌધરી, સતીષ વ્યાસ, દક્ષા વ્યાસ, વિજય શાસ્ત્રી, કિશોર વ્યાસ, પારૂલ દેસાઇ, ડંકેશ ઓઝા, રમણ સોની, અજય ઉમટ જેવા દિગ્ગજ સાહિત્યકારો વક્તવ્યો આપશે. કચ્છમાંથી ડૉ. ધિરેન્દ્રભાઇ મહેતા, રમણિક સોમેશ્વર, ડૉ.દર્શના ધોળકિયા, માવજી મહેશ્વરી અને ડૉ. ચૈતાલી ઠકકર વક્તવ્યો આપશે. આ ઉપરાંત સ્થાનિક આયોજન સમિતિ દ્વારા 25 ડિસેમ્બરના રાત્રે આઠ વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જ્ઞાનસત્રની ઉદ્ઘાટન બેઠકમાં સિન્ધી ભાષાના વરિષ્ઠ સાહિત્યકાર ડૉ. જેઠો લાલવાણી વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહી સંબોધન કરશે. આ જ્ઞાનસત્ર તા. 24 શુક્રવારના બપોરે 3 વાગ્યાથી શરૂ થશે અને તા. 26 રવિવારના બપોરે પુરું થશે. જ્ઞાનસત્રમાં ભાગ લેવા ઇચ્છતા પ્રતિનિધિઓએ તા. 5મી ડીસેમ્બર સુધી પરિષદના કાર્યાલયે ડેલીગેટ તરીકે નોંધણી કરાવી લેવી અનિવાર્ય છે. જ્ઞાનસત્ર પ્રસંગે આયોજન સમિતિવતીથી ઇન્સિટટ્યુટ ઑફ દ્વારા કચ્છના ગુજરાતી સાહિત્યકારોનો પરિચય આપતું સુવેનિયર પ્રકાશિત થશે. જેનું સંપાદન હરેશ ધોળકિયા કરશે.

અન્ય સમાચારો પણ છે...