ભુજ તાલુકાના દેશલપર (વાંઢાય) ગામનો યુવક અર્ધ લશ્કરી દળના સશસ્ત્ર સીમા બળ (SSB)માં એક વર્ષની કઠોર તાલીમ પૂર્ણ કરી પોતાના ગામ પરત આવ્યો હતો. જેથી ફોજી યુવકનો ગ્રામજનો, પાટીદાર સમાજ અને વિવિધ સંસ્થાઓનાં ઉપક્રમે ભવ્ય સત્કાર સમારોહ અને સન્માન યાત્રા યોજાઈ હતી. આ ઐતિહાસિક સન્માન યાત્રામાં ગામના અબાલ વૃદ્ધ સૌ કોઈ સુંદર વસ્ત્રો પહેરી ઉમટ્યા હતા. તેમજ કતારબંધ એકજ પહેરવેશ સાથે ઢોલકવાદકની પાછળ ચાલતા હજારો લોકો અને તેમના ભારત માતાકી જયના ગશનચુંબી નારાઓ સાથે વાતાવરણ રાષ્ટ્ર ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ફોજી યુવકે શણગારેલી ખુલ્લી જીપકારમાં ઉભા રહી જન પ્રવાહ સાથે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ઉપસ્થિત લોકોએ પુષ્પ વર્ષાથી આવકાર આપી સ્વાગત કર્યું હતું. ગામનો યુવક દેશની સેવા માટે જોડાતા આખું ગામ તેના જુસ્સાને વધાવવા ભેગું થયું હતું.
દેશલપરના મહેશ નરશી રામજીયાણીએ સશસ્ત્ર સીમા બળ (SSB)ની તાલિમ પૂર્ણ કરી દેશ સેવામાં જોડાતા પૂર્વે પોતાના ગામ પરત આવતા પાટીદાર સમાજ, જય હિન્દ મુવમેન્ટ સંસ્થા, અર્ધ લશ્કરી દળ નિવૃત્ત શૈનિક એસોસિએશન, સિમાં જન કલ્યાણ સમિતિ, કબિર ફાઉન્ડેશન, લક્ષ્મીનારાયણ પાટીદાર યુવક મંડળ, અને ગ્રામજનો દ્વારા ભવ્ય સત્કાર સમારંભ અને સન્માન યાત્રા યોજાઈ હતી. જેમાં ગામના લોકો સહ પરિવાર સુંદર વસ્ત્ર પરિધાન સાથે ઉમટ્યા હતા. ઉપરાંત યુવકનો હોંસલો વધારવા ભારત માતાકી જય, જય હિન્દ અને વંદે માતરમના નારા સન્માન યાત્રા દરમિયાન ગુંજતા રહ્યા હતા.
ગામના તીર્થસ્થાન લક્ષીનારાયણ મંદિરના દર્શન કર્યા બાદ ફોજી મહેશ અને ગામ અગ્રણીઓ સાથેની સન્માન યાત્રા જીપકારમાં યોજાઈ હતી. જેમાં ગામના લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા. આ સામૈયું વથાણ ચોકથી નીકળી ગામના મુખ્ય માર્ગો પર ફર્યું હતું. જે પ્રાથમિક શાળા રોડ પાસેના મેદાનમાં પૂર્ણ થયુ હતું. જ્યાં સભા મંડપ ખાતે યુવકનો સન્માન સમારંભ યોજાયો હતો અને યુવકનો લોકો દ્વારા વિવિધ પ્રતીક ભેટ આપી સત્કાર કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગામના આગેવાનો સાથે BSFના ડીઆઈજી સંજય શ્રીવાસ્તવ, કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ જાડેજા, સિમાં જન કલ્યાણ સમિતિના ઉપાધ્યક્ષ હિમતસિંહ પ્રવિણસિંહ સોઢા, સરપંચ જયશ્રીબેન વાસાણી, સમાજ અગ્રણી ગંગારામ રામાંણી વગેરે આગેવાનોએ યુવકે શુભેચ્છા સાથે સન્માન કર્યું હતું. આ વેળાએ વિશાળ મેદાનમાં ગામના મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અનિલ માકાણી અને ચેતન માંવાણીએ કર્યું હતું. આભાર વિધિ સુરેશ વાસાનીએ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.