મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સ,ગાંજો જેવા માદક પદાર્થ અને તાજેતરમાંજ ઝડપાયેલા ખસખસની તપાસ હજી ચાલી રહી છે ત્યારે આ ઘટનાક્રમમાં વધુ એક કાર્યવાહીને અંજામ અપાયો હતો. અંદાજિત દોઢ કરોડ રૂ. કિંમતનો 22.5 ટન સોપારીનો જથ્થો મુંદ્રા પોર્ટમાંથી ઝડપાતાં હડકંપ મચી ગયો છે.
ગત રાત્રે પૂર્વ બાતમીના આધારે કસ્ટમ ની એસઆઈબી શાખા એ મુન્દ્રા પોર્ટ રોડ પર આવેલા ઓલકાર્ગો સીએફએસમાં ઓપરેશન હાથ ધરી દુબઈના જેબલ અલી પોર્ટથી પ્લાસ્ટિકના ગાર્બેજ વચ્ચે છુપાવીને આયાત થયેલા મુક્ત બજારમાં અંદાજિત દોઢ કરોડની કિંમત ધરાવતા 22.5 ટન સોપારીના જથ્થાને ઝડપી લીધો હતો. કસ્ટમની કાર્યવાહી દરમ્યાન સોપારી ભરેલી 280 બેગ પ્લાસ્ટિક પુનઃપ્રક્રિયા માટે મેટ્રોપોલીકેમ ઇન્ડસ્ટ્રીઝ નામક પાર્ટી દ્વારા આયાત કરાઈ હોવાનું ખુલ્યું હતું. દેશના કિસાનોના હિતમાં સરકાર દ્વારા સોપારીની આયાત પર પ્રતિબંધ જાહેર કરાયો છે.
જો અન્ય દેશોમાંથી આયાત કરાય તો તેના પર 110 ટકા જેટલી ભારે ડ્યૂટી લાદવામાં આવી હોવાથી મહદ્અંશે સોપારીની દાણચોરી પર રોક લાગ્યો છે,પરંતુ અગાઉ ચંદન બાદ હાલ માદક પદાર્થો અને હવે તકસાધુ તત્વો સોપારી જેવી પ્રતિબંધિત વસ્તુઓની દાણચોરી તરફ વળ્યા હોવાનું ફલિત થયું છે.
ચીનથી આવેલા 5.50 કરોડના 37 ટન ખસખસ પ્રકરણમાં બેની પુછપરછ
ચીનથી આવેલા ખસખસના 37 ટન જથ્થો મુંદ્રા પોર્ટમાં કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યો હતો. માર્કેટ કિંમતના હિસાબે તે 5.50 કરોડ થવા જાય છે ત્યારે જથ્થાને સિઝ કરવાની કાર્યવાહી કરીને તે સાથે સંકળાયેલા સીએચએ, આયાતકારની પૂછપરછ કરવામાં આવી રહી છે. આંતરિક આધારભુત સુત્રોએ જણાવ્યું કે દેશના હરિયાણા દિલ્હીના આયાતકાર દ્વારા આ જથ્થો કેમિકલ હોવાનું ડિક્લેર કરીને મંગાવાયો હતો, જેમાં મીસડિક્લેરેશન હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે તો આ માટે મેળવવું પડયું વિશેષ લાયન્સંસ જે તે પાર્ટીઓ પાસે છે કે નહિ તેની તપાસ પણ કરાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.