કોંગો ફિવર:કચ્છના ધબડા ગામના કોંગો ફિવરના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીનું અમદાવાદ સિવિલમાં મૃત્યુ, વૃદ્ધના લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા રાહત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલતુ પશુઓના શરીર પર રહેતી ઇતરડી દ્વારા કોંગો ફીવર નામની જીવલેણ બીમારી ફેલાઈ છે
  • આ બીમારીનો શકાસ્પદ કેસ જોવા મળતા રાપર આરોગ્ય વિભાગ દ્વારા પૂરતા તકેદારીના પ્રયાસો હાથ ધરાયા હતા

પૂર્વ કચ્છના રાપર તાલુકાના ધબડા ગામે અતિ ખતરનાક એવા કોંગો ફિવરનો શંકાસ્પદ કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જીવલેણ બીમારીનો કેસ જોવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા પૂરતા તકેદારીના પ્રયાસો હાથ ધરાયા હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીએ જાહેર કર્યું હતું. આ દરમિયાન આ કેસની અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા 80 વર્ષીય વૃદ્ધનું ગત તારીખ 13ના રાત્રે મૃત્યુ નીપજ્યું હતું. જોકે, દર્દીના લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ ગઈકાલે મંગળવારે નેગેટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

આ પહેલા પણ અનેક વખત આ બીમારીના શંકાસ્પદ કેસ કચ્છમાં જોવા મળ્યા હતા

પાલતુ પશુઓના શરીર પર રહેતી ઉતરડી દ્વારા ફેલાતો કોંગો ફીવર નામની બીમારી માનવ માટે અતિ ઘાતક સાબિત થતી હોવાથી સમગ્ર વિશ્વમાં તેને લઈ દહેશત રહેતી હોય છે. આવી ભયંકર બીમારીનો શંકાસ્પદ કેસ કચ્છમાં જોવા મળતા સમગ્ર જિલ્લામાં ચિંતા વ્યાપી હતી. આ પહેલા પણ અનેક વખત આ બીમારીના શંકાસ્પદ કેસ કચ્છમાં જોવા મળી ચુક્યાં છે. ત્યારે વધુ એક વખત કોંગો ફિવરના કેસને લઈ રાપર આરોગ્ય વિભાગ સજાગ બન્યું હતું અને ધબડા ગામના 180 જેટલા ઘરોમાં આરોગ્ય તપાસ કાર્ય શરૂ કરી દીધી હતી. તેમજ ભોગ બનનારના ઘર અને તેની આસપાસના 50 જેટલા ઘરોમાં તપાસ અને જીવાણુ મારક દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં રાપર પશુ દવાખાનનો સ્ટાફ પણ જોડાયો હોવાનું તાલુકા હેલ્થ ઓફિસર ડો. પોલ દ્વારા જણાવાયું હતું.

રિપોર્ટ નેગેટિવ આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

આ દરમિયાન ભોગ બનનારા વૃદ્ધના પુત્ર સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, 1 માસ પૂર્વે પિતાજીને દાંત દુઃખવાના શરૂ થયા હતા. જેની સારવાર બાદ તાવ આવતા રાધપુર, ભુજ ફરી રાધનપુર ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જે બાદ તેમને ઉધરશ સાથે લોહી આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર શરૂ કરાવી હતી. આ દરમિયાન તેમનું ગત તારીખ 13 ની રાત્રીએ અવસાન થતાં બાપુજીના સેમ્પલનો રિપોર્ટ બાકી હોવાથી બીજા દિવસે તારીખ 14ના રોજ અમદાવાદ ખાતે જ સદગતની અંતિમવિધિ કરી દેવાઈ હતી. અલબત્ત ગઈકાલે મંગળવારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી ધબડા ગામની સાથે સમગ્ર કચ્છના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...