અફરાતફરી:ભચાઉ એસટી વર્કશોપમાંથી બસની ઉઠાંતરી કરી એક શખ્સ ભાગ્યો, સ્કૂટી ચાલકને અડફેટે લીધો, કાર ચાલકની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી

ભુજ4 મહિનો પહેલા
  • લોકોએ અજાણ્યા શખ્સને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો

કચ્છ જિલ્લાના ભચાઉમાં આજે એસટી બસ ચોરીની બનેલી એક ઘટનાના કારણે ભારે અફરાતફરી સર્જાઈ હતી. એક અજાણ્યા શખ્સ આજે ભચાઉ એસટી વર્કશોપમાંથી બસ લઈને ભાગ્યો હતો અને રસ્તા પરથી પસાર થઈ રહેલા સ્કૂટી ચાલકને અડફેટે લઈ ઈજા પહોચાડી હતી. કારચાલકે પીછો કરતા બસનો ચાલક બસ છોડી નાસ્યો હતો. જો કે, લોકોએ તેને ઝડપી પોલીસને હવાલે કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં બસ લઈ ફરાર થયેલો યુવક અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું છે.

કાર ચાલકની સમયસૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી
આજે બપોરે ભચાઉના નવા બસ મથકની પાછળ આવેલા એસટી વર્કશોપમાંથી કટારીયા રૂટની 2.30 વાગ્યે ઉપડતી બસને કોઈ અજાણ્યો શખ્સ કોઈ કારણોસર ચાલુ કરીને હંકારી ગયો હતો. આ દરમ્યાન બસની અડફેટે સ્કૂટર ચાલક ઘવાયો હતો. તો અન્ય એક કાર ચાલક સહેજમાં બચી જવા પામ્યો હતો. આ કાર ચાલકેજ વોન્ધ તરફ જતા સર્વિસ રોડ પર આગળ જતી બસને અટકાવી હતી. તેથી બસનો ચાલક ભાગવા લાગ્યો હતો. બસ પાછળ રળી રહી હોવાનું દેખાતા કાર ચાલકે બસ ઉપર ચડીને બસને હેન્ડબ્રેક મારીને રોકી લીધી હતી. અન્યથા શ્રમજીવી વિસ્તારમાં નુકશાની થવાની આશંકા લોકોએ વ્યકત કરી હતી.

અજાણ્યા શખ્સને ઝડપી પોલીસને હવાલે કરાયો
પોતાના વર્કશોપમાંથી બસ લઈ એક શખ્સ ભાગ્યો હોવાની જાણ થતા એસટી વર્કશોપમાં કર્મચારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને અજાણ્યા શખ્સનો કબજો લઈ પોલીસને હવાલે કર્યો હતો. આ રીતે બસ ચોરી કરી ભાગવા પાછળનો હેતું શું હતો તે અંગે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં યુવક અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...