હત્યા:ભુજના માનકુવા ગામે બહેનને ભગાડી જવામાં સામેલગીરીની શંકાએ શખ્સે ગામના જ વ્યક્તિ પર હુમલો કરી હત્યા નિપજાવી

ભુજએક મહિનો પહેલા
  • જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર પૂર્વે જ આધેડનું મૃત્યુ નીપજ્યું

નવા વર્ષની શરૂઆતના દિવસે ભુજના માનકુવા ગામે હત્યાની ઘટના સામે આવી છે. નવા વર્ષ પશ્ચિમ કચ્છ પોલીસ માટે હત્યાના બનાવ સાથે પ્રારંભ થયું છે. ભુજ તાલુકાના માનકુવા ગામે ગત સાંજે એક શખ્સ પર ગામના જ અન્ય શખ્સે બહેનને ભગાડી જવામાં સામેલગીરીની શંકાએ હુમલો કર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત થયેલા શખ્સને જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર પૂર્વે જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.

માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગામના જુનાવાસના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલી ચાની લારી પર સાંજે 6.30 વાગ્યાની આસપાસ 42 વર્ષીય વિનોદ થાવરભાઈ મહેશ્વરી પોતાના મિત્રો સાથે ચા પીવા બેઠો હતો. ત્યારે આરોપી હાજીખાન ઓસમાણ પઠાણે તેના પર પાછળથી માથાના ભાગે ધોકા વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીરરૂપથી ઘાયલ હતભાગીને તુરંત ભુજની જીકે જનરલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. આ બનાવની ગંભીરતાને લઈ ખુદ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંઘ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ઘટનાની માહિતી મેળવી આરોપીને ઝડપી પાડવા ચૂસના આપી હતી.

આ હત્યા પાછળનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આરોપી હાજીખાનની બહેન આ પૂર્વે ઘરેથી નાસી ગઈ છે. જેની કોઈ પોલીસ ફરિયાદ નોંધવાઇ નથી, બહેનને ઘરેથી નાશી જવામાં મૃતક સામેલ હોવાની શંકામાં આ હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. પોલીસે હત્યા સહિતની કલમો તળે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...